શાહુડીના પીંછા

શાહુડીના પીંછા

આજ સુધીના મારા શંશોધન મુજબ દશમાં ધોરણ સુધી આવેલો દરેક વિદ્યાર્થી, જેવી પરીક્ષા પતે કે પુસ્તકોને માળીયા પર મૂકી દે. (અહીંયા સજ્જનતામાં લખવું પડે બાકી તો બધા માળિયામાં ફેંકે) આખું વર્ષ જતન કરેલા પુસ્તકો માળિયામાં પડ્યા પડ્યા રડતા પણ હોઈ શકે ! કોઈ કોઈ હકાના પુસ્તકો જેવા તો રાજી પણ થતા હોય. હવે રાજી કેમ થતા હોય ? એવું પૂછીને મારા અંગત મિત્ર હકાનું અપમાન ના કરશો. જો કે નરીયા જેવું અમુક લોકો તો પુસ્તકોને પસ્તી વાળાને પણ આપી આવે. એમાંથી નાટક, સિનેમા, સર્કસ કે ખાણી પીણીની મોજ પણ ઉડાવી લે. બાકી હું તો રિજલ્ટ આવે પછી પુસ્તકોને વેચતો…કોઈ લેવા વાળું ના હોય તો પસ્તીમાં. નરીયો તો રિજલ્ટ આવે કે ના આવે પુસ્તકો તો પસ્તીમાં જ ! તમને એવું લાગતું હશે કે નરીયો ભણવામાં હોશિયાર કે ફેઈલ તો થાય જ નહિ એવો અતૂટ વિશ્વાસ ?  ના રે ના !  એક તો પરીક્ષા આવે ત્યાં સુધીમાં એના પુસ્તકોની સાઈઝ અડધી થઇ ગઈ હોય. પાસ થાય કે નાપાસ એ પુસ્તકો કામમાં તો ના જ આવે. પસ્તી લેવા વાળો પણ એની ઉપર ગિન્નાય !
આવીજ મજાની અમારી પરીક્ષાઓ પુરી થઇ ગયેલી. એક ખાલી અશ્કાને બાકી, કેમ કે એને એક પેપર વધારાનું આવતું, ટેક્નિકલનું. જો કે અશ્કો તો ય અમારી તળાવની પાળે ભરાતી મિટિંગ માં તો આવે જ ! આવીને કહે
“ ટેક્નિકલ તો વળી કોઈ સબ્જેક્ટ કેવાય ! ”
“ તો, એક ખાલી તેં એકે જ રાખ્યો છે ? ” એમ કહીને વિનિયો એની પાછળ દોડતો.
“ તમે બેય હનુમાનજીની ડેરી પાછળ જઈને ઝઘડો ” બોલીને દિલાએ બેઉને શાંત પાડ્યા.
“ હા અલ્યા, માંડ પરીક્ષાનો બોજો ઉતર્યો છે તો કંઈક બીજી વાતો કરો ” ભણવામાં જરા પણ સિરિયસ નહિ એવો જીલો બોલ્યો.
“ આ વખતે વીડમાં જવાની, ચોટીલા ચાલતાં જવાની કે બીજી કોઈ આડી અવળી વાત કરીને મારું મગજ બગાડવું હોય તો હું આ જાઉં ” એમ બોલીને દિલો ઉભો થઇ ગયો.
“ તું બેસ ને, હજી તો કોઈએ કોઈ વાત કરીજ નથી ” મેં એને હાથ પકડીને બેસાડ્યો.
“ વેકેશન પડ્યું છે તો કંઇક તો થવું જ જોઈએ ” હકો બોલ્યો.
“ ક્રિકેટ મેચની પત્તર ફાડતો નહિ…આ વખતે તો ગરમી પણ બહુ પડે છે ” જીગાએ કહ્યું.
“ ચોપડા ફાડયા તો, હવે તુજ કંઇક ફાડને ” ટીનાએ બરાડો પાડ્યો.
મિટિંગને અંતે એવું નક્કી થયું કે વજાના મિત્ર ઘનાની વાડીએ જવું. ઘનાની વાડી એટલા માટે નક્કી કરી કે તેમાં, અત્યારે ઉનાળુ મગફળી વાવેલી હતી. અધૂરામાં પૂરું મગફળીના ઓળા પાડે તેવી થઇ ગઈ હતી. સમજૂતી એવી થઇ કે બધાએ બે બે રૂપિયા કાઢવાના અને એમાંથી કેળા, ફરાળી ચેવડો અને પેડા સાથે લઇ જવા. ત્યાં જઈને મગફળીના ઓળા સાથે બધું ખાવાનું.
આ વખતે ટીમનો કેપ્ટન પીપળા વાળી શેરીનો ઉમલો હતો. એ મારો મિત્ર હતો એ નાતે નહિ પણ ઘનો અને ઉમલો ખાસ જીગરી. ઉમલા સાથે નરીયો અને દિલો પણ ગયા. બધો સામાન લઈને મારા ઘરે આવી ગયા. લગભગ બપોરે ત્રણેક વાગ્યે અમારી ટીખળ ટોળી મારા ઘરેથી નીકળી. હું, મારો ભાઈ, દિલો, જીલો, ટીનો, અશ્કો, જીગો, વજો, દલો, હકો અને ઉમો; બધા આગળ પાછળ ચાલતાં ચાલતાં જવા લાગ્યા.
આજે હું જીલાની એક નબળાઈ કહું છું. જીલો રહે સ્કૂલની બાજુમાં અને એની પાસે પ્રાણીઓ વિશેનું જ્ઞાન બહુ સીમિત હતું. જોકે અમે બધા પણ એટલા જ્ઞાની નહિ છતાં જીલા કરતા વધુ નોલેજ ખરું ! તો નવાઈમાં ના ડુબશો. અમારી ટોળી ધીરે ધીરે ગામ વટાવીને, ખેતર વિસ્તારમાં પ્રવેશી. રસ્તામાં સસલું કે એવા કોઈ પ્રાણીનો ભેટો ચોક્કસ થાય ! જતા હતા એવામાં જીગાની નજર એક શાહુડી પર પડી. ધીરેથી હકા પાસે ગયો અને નરીયાના કાનમાં કહ્યું. અને તાત્કાલિક પ્લાન ઘડી કાઢ્યો.
“જીલા, તું કદી આવા પીંછાથી રમ્યો છે ? ” શાહુડી સામે બતાવીને જીગાએ કહ્યું.
“અરે એમાં…” વચ્ચે ઉમલો કૂદી પડ્યો.
“તારી જાતનો….બહુ હોશિયાર તે ખબર ” બોલીને ટીનાએ મોટો ઘાંટો પાડીને એની સામે એક પથ્થર ફેંક્યો. અને અમારી બાકીની ટોળી સમજી ગઈ. એમ અમારી ટોળી કોઈ બાઘી નહિ હો !
“ના યાર મેં તો આવા પીંછા પહેલી વાર જોયા… ” એમ બોલીને જીગો ઉભો રહી ગયો. તમાશો જોવા અમે પણ સ્થિર.
શાહુડી વિષે તો બધાને ખ્યાલ હશેજ; એટલે લખતો નથી. અને થોડું ઘણું આગળ વાંચશો એટલે સમજાઈ જશે. અમને જોઈને શાહુડી એકદમ સંકોચાઈને બેસી ગઈ હતી. ટીનાએ જીગાને કહ્યું કે “ ઉપાડ પીંછાના ઢગ ને ”
આથી જીગો વાંકો વાળ્યો અને પીંછાનો ઢગલો માનીને ઉપાડ્યું.
“ એમ નહિ જીગા, બે હાથે બથ ભરીને લઈલે …તો વધુ મુલાયમ લાગશે ” અશ્કે એને ઉશ્કેર્યો. આથી જીગાએ બે હાથે પીંછાને ઉપડ્યા કે સાથે શાહુડી પણ આવે જ ! શાહુડીને લાગ્યું કે નક્કી એનું મોત ! આથી એને સ્વબચાવ કરવા માટે પોતાની ટ્રીકનો ઉપયોગ કર્યો. પાંખો ફેલાવીને પહોળી કરીકે એના પીંછા તો જિગાનાં પેટમાં ખૂંચવા લાગ્યા.
“ તારો માંનો… ટીનીયો…. ” એમ બોલીને એને શાહુડીને નીચે મૂકી દીધી.
“ એય જીગલા મારું નામ નહિ દે …દલાને કહે ”
“ કોણ ??  હું તો છાનોમાનો ઉભો હતો ”
જીગો આજે પહેલી વાર અજાણ્યા પ્રાણીથી ઘાયલ થયો હતો. હકાએ એનો શર્ટ ઊંચો કરીને જોયું તો એના શરીર પર લોહીના ટશિયા આવી ગયેલા. થોડો ઘણો હકીમ એવા ધનાએ બાવળના પાનને મસળીને એન શરીર પર લગાવ્યા. જોકે આ બધો બનાવ તો બે કે ત્રણ મિનિટનો જ ખેલ હતો. અમે બધા તો ઘનાની વાડીએ જઈને જલસો કરવાના મૂડમાં હતા. થોડા ચાલ્યા કે જીગો તો નીચે સૂઈને આળોટવા લાગ્યો. એને શરીરે ખણ આવતી હતી. એટલું સારું થયું કે કોઈએ એમ ના કહયું કે ઘનાએ ઘા બાજરિયું નથી લાગાવ્યું. નહિ તો અમારી ટોળી રસ્તામાં જ બધો ખેલ પુરી કરી લેત !
Posted in હાસ્યલેખ/ જોક્સ | 3 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૩૨


ઘમ્મર વલોણું-૩૨

ભલા, તને કોઈ શરમ જેવું તો હોતું જ નથી છતાં પણ કહેવા મજબુર થવું પડે છે !

શિયાળાની હાડ કડકડાવતી ઠંડી પડી અને અમે લોકોએ શરીરે ગરમ વસ્ત્રો લપેટેલાં. તો પણ અમારા શરીર ધ્રુજતા હોય તેવી તસવીરો જોઈને તને દયા આવી ગઈ !

તારું અનુમાન સાચું હશે કે અમે લોકો એ કડકડતી ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોથી સજ્જ થઈને બહાર નીકળતા. શરીરનો આકાર સંકોડી જતો. હડપચી ડગમગી પણ જતી. દંત પંક્તિઓ એકબીજા સાથે અથડાતી.

સમયમાં ફુરસદ અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં અમે તાપણાં સળગાવીને અંગો શેકી લીધેલા તે પણ તને કોઈ એ જાણ કરી હશે. પણ વ્હાલા, હવે તો અમારા અંગો એકદમ સામાન્ય છે. નથી કોઈ કડકડતી ઠંડી કે નથી એવો આકરો વાયુ. ગરમ વસ્ત્રો પણ સ્વચ્છ કરીને પાછા એમની જગ્યાએ મૂકી દીધા છે. તાપણાંનું કોઈ નામ પણ નથી લેતું.

ગરમીની રાહ જોતા ત્યારે કોષો દૂર એના ભણકારા પણ નહોતા સંભળાયા.

અરરે રે…..લોકોની આ હાલત જોઈને તને જરા પણ દયા નથી આવતી ? નાહવા માટે ગરમ પાણીની જરૂર ના પડે એ દલીલ થી અમને સંતોષ નથી….ગરમ દાહ આપતો તારો ગુસ્સો તો કાળજા ય બાળી દે છે વાલીડા !

ત્યારે કરેલી વિનંતી અત્યારે પુરી કરવા આવ્યો છે એમ કહીને ઉપરથી ઉપકાર પણ કરે છે, એવું બોલતા જરા પણ શરમના ભાવ નહિ ! આને ઘોર અત્યાચાર નહીતો બીજું શું કહેવાનું ? ઠંડીમાં રૂડા ગરમ વસ્ત્રો પહેરી લેતા ને સુરક્ષિત બની જવાતું. પણ આ ગરમીથી બચવા વસ્ત્રો દૂર કરી લેતા તો ડામનો આહકારો આવી જાય છે ! તને નિર્દયી કહેવો કે પાશવી ?

“પુરી થઇ ગઈ વાત? બધી ભડાશ બહાર નીકળી ગઈ ?” એમ બોલીને ઉનાળાએ મને આગળ બોલતો અટકાવી દીધો.

“આને ભડાશ કહે છે?”

“હા, કારણ કે શિયાળામાં ઠંડી પડે તો પણ કકળાટ કરવાનો…ચોમાસામાં બહુ વરસાદ પડે તો પણ કકળાટ! હવે બહુ ગરમી પડે છે તો પણ…. ”

“અચ્છા તો…”

“મારી વાત હજી પુરી નથી થઇ…. એક મિનિટ માટે વિચાર. અન્ન માટે વલખા મારતા લોકોને યાદ કર…જોકે તને તો અત્યારે મારા પર આકરા પ્રહારો કર્યા સિવાય બીજું કશું નહિ સૂઝે ”

હું હજી તો મારા સ્વબચાવ માટે બોલવા જતો હતો કે એક શીતળ હવાની લહેરખી મારા કપાળ પર રમવા લાગી કે હું ફરી લખવા લાગી ગયો.

Posted in પ્રકીર્ણ | 3 ટિપ્પણીઓ

દૂરથી ડુંગર

દૂરથી ડુંગર

હોળીના રંગો હજી તો અંગો પરથી ઊખડ્યા ય નહોતા કે બધા બીજા તહેવારની રાહ જોઈને બેઠેલા. અમારે મન તો તહેવાર એટલે જન્મ દિવસ જેટલો ઉત્સાહ. જોકે આગળ મેં કહ્યું તેમ અમે લોકો લગભગ બધા ભગવાનના બર્થ ડે મનાવીએ. તહેવારના આગમનનો ઉત્સાહ અમે ખુબ બતાવીએ એ અમારા મહેલ્લાના લોકોએ સ્વીકારેલું સત્ય છે. બાકીતો લગભગ બધા એટલાજ ઉસ્તુક હશે ! એવામાં ધીરાએ એક પ્રસ્તાવ મુક્યો કે હનુમાન જયંતી એ સુરેન્દ્રનગર જઈએ. ઘણા બધા લોકો જાણતાં હશે કે સુરેન્દ્રનગરનો મોટામાં મોટો ઉજવાતો તહેવાર એટલે હનુમાન જયંતી. અમારી ટોળી તો ક્યાંક જવા માટે ની રાહ જ જોતી હોય.
તળાવની પાળે મિટિંગ તો થાય જ ! પણ એમાંય ધીરાએ હનુમાન જયંતી એ જવાની વાત કરી તો દિલો તો ખુશ થઇ ગયો. દિલો ખુશ થયો કે દલો અને વજો પણ ખુશ ! અશ્કો, હકો, નરીયો અને ટીનો એકદમ શાંતિથી બેઠા છે. આથી જીગો થોડો અકળાયો. અને મારી સામે જોઈને ઈશારો કરવા લાગ્યો.
“ રીતલા, હનુમાન જયંતિએ જવાનું કે નહિ ? કેમ મૂંગો છે ? ”
“ અરે એમાં તું મારા પર કેમ અકળાય છે ? બધાએ પોતપોતાની ટિકિટ લઈને જવાનું છે. ”
“ અરે યાર કેટલી વાર ગયા છીએ….મારી તો ઈચ્છા નથી” એમ બોલીને હકાએ દાવ ડિક્લેર કરી દીધો
“ મારું પણ એવું જ છે ” દિલાએ પણ સુર પુરાવ્યો
“ ઓયે દિલીયા હમણાં તો હા પડતો હતો. ” જીલો ગીન્નાયો.
“ શું તું યે બકે છે. દૂરથી ડુંગર રળિયામણા. ત્યાં તો ચાલી ચાલીને ટાંટિયા બેવડ વળી જાય છે ” વજાએ પણ આજે પહેલી વારનો દિલાને સપોર્ટ કર્યો.
“ દૂરથી ડુંગર ?? મને આજ સુધી એ નથી સમજાયું કે દૂરથી ડુંગર રળિયામણા કેમ કહેવાય છે ? ” ધીરાએ આવીને અલગ જ ટપકું મૂક્યું.
“ એના માટે ભણવા જવું પડે ” અશ્કાએ ટાઢો ઘા માર્યો પણ વજાને કોઈ ગમ ના પડી
“ એમાં ભણવાને શું લેવા દેવા ? આપણે ચોટીલાના ડુંગર તો ઘણી વાર ગયા છીએ. ઉલ્ટાનો નજીકથી વધુ સારો લાગે છે. રૂડું માતાજીનું મંદિર પણ દેખાય છે. ” એમ બોલીને તે તો ખંધુ હસવા લાગ્યો.
“ જા હવે, તારા બળદ ચરીને ઘરે જતા રહ્યાં હશે ” જીલાએ તેને ટપાર્યો.
આ બધી લપમાં થયું એવું કે ધીરા એ જ મુકેલો પ્રસ્તાવ અને એણે જ ડુંગર ને રળિયામણો કરવામાં બધું અપલમ જપલમ થઇ ગયું. બધું વાજતું ગાજતું મારા બાજુ આવ્યું. મને એક વાત આજ સુધી નથી સમજાઈ કે, અમારી ટોળી મને ભણવામાં ખુબ હોશિયાર ગણે ! કદાચ હું સ્કૂલે જવામાં નિયમિત હતો. બધા સાહેબો આગળ મારું માન તો ઠીક ઠીક હતું પણ છતાં મને ખુબ હોશિયાર ગણતાં.
મેં વજાને કહ્યું કે દૂરથી ડુંગર રળિયામણા એવી એક કહેવત છે. પણ માને તો વજો કેવાનો. ધીરાએ ઉપાડેલી વાત હવે ફરી ઉપાડી. મેં બે એક વાર તળાવ સામે જોઈને નીશાશા નાખ્યા પણ કોઈએ એની કદર ના કરી. મારો પરમ ધરમ મિત્ર પ.પૂ.ક.ધૂ એવા 10008 શ્રી હકેશ્વરે મને સમજાવ્યો કે હું ધીરાને એ સમજાવું કે દૂરથી ડુંગર રળીયામણા કહેવત કેમ પડી !
ભલું થાય અઘોરીઓનું !
એક તો બેરે બેરે મને કહેવત સમજાય છે, એમાં હું ધીરાને કેમ કરી સમજાવું ? ધીરો એક તો અમારા મહેલ્લાનો નહિ. અને આવીને આ અળવીતરા વેડા કરી ગયો. જોકે એક વસ્તુ હતી કે અમે લોકો; અમારો મહેલ્લો ને બીજાનો મહેલ્લો, એવું મનમાં રાખીએ પણ દિલમાં નહિ ! એ ધોરણે હવે મારે ધીરાને એ કહેવત તો સમજાવવી પડશે એવી નૈતિક જવાબદારી મારીજ છે; એવું મારા  મગજમાં બધાએ ઠસાવી દીધું. જોકે હું આટલી બધી ચિંતા વ્યક્ત કરું છું પણ ધીરો કઈ એવો બાઘો પણ નથી કે સમજે નહિ.
મેં એને એકલાને પૂછ્યું કે ગુજરાતીમાં આપણે કહેવત ભણવામાં આવતી…તો એ કહે
“ મારે કહેવતના પુરા રોકડા માર્ક મળેલા છે. પણ આજ સુધી મેં એ બાજુવાળમાંથી જોઈને લખેલી છે. ”
ધીરો એવો નસીબનો બળિયો કે કાયમ એની બાજુમાં એના ક્લાસનો સૌથી હોશિયાર છોકરો નવલ આવે. નવલ  તો ગુણવંત ભાઈ બ્રાહ્મણનો છોકરો. ધીરો એમ થોડો માથાભારે ય ખરો, અને એનાથી દબાઈને નવલો બિચારો વ્યાકરણના જવાબ લખાવી દે. હવે એ વિસ્તૃત રીતે સમજાવવાની જરૂર ખરી કે એકલું વ્યાકરણ જ કેમ ! ?
ધીરો ક્લાસમાં ધ્યાન આપીને ભણ્યો નહિ….નવલાના પેપરની કોપી કરીને મોટો(પાસ) થયો એમાં મારો શું વાંક ? એવો મને વિચાર આવ્યો…અને મેં રીતસર એવી ઝુંબેશ ઉપાડી કે આ રિટ ને કોર્ટમાં આપું. પણ અંતે મારું કોઈએ ના સાંભળ્યું; જો કે આમેય કોઈ નથી સાંભળતું.
હું તો રીતસરનો ફસાઈ ગયો હોય તેવું લાગ્યું. કોને જઈ કહેવું ? હું મારા બધા લેખોમાં મારા નાના ભાઈનો બહુ ઓછો ઉલ્લેખ કરું છું. એ થોડો વધુ પડતો મસ્તોખોર છે. એ અમારી ટોળીનો મેમ્બર નથી પણ રમવામાં(ક્રિકેટ) સાથે હોય. અમે બંને આજુ બાજુના બેડ પર સુઈએ. રોજે થોડી મસ્તી કરીને સુઈ જઈએ. આજે મને પેલી કહેવત સુવા દેતી નહોતી. આડા અવળા પડખા ફેરવતો હતો. નાનલો તો પડે તેવો સુઈ જાય. પણ આજે એને નોંધ્યું કે મને ઊંઘ નહોતી આવતી. આથી પૂછ્યા વગર ના રહી શક્યો.
“ કેમ સવારે સ્કૂલે નથી જવાનું ? ”
“ કેમ કાલે કોઈ રજા છે ? ”
“ ના પણ હજી સુધી કેમ પથારીમાં આળોટે રાખે છે ? ”
“ કઈ ખાસ નથી પણ…..એક વાત …પણ તું શું મદદ કરવાનો ! ” એની પાસેથી કામ કઢાવવાની આ તરકીબ હતી. મેં અજમાવી જોઈ. ઘણી વાર એવું બનતું કે મારું કામ બની પણ જતું. આ તો એક તુક્કો લગાવ્યો છે.
“ કાલે રિષેશમાં રગડો ખવરાવે તો કહીશ ” એમ કહીને તે અવળું ફરીને સુઈ ગયો. એને એમ કે હું એને મારી બાજુ ફેરવીને કહીશ કે સારું રગડો પાક્કો; પણ હું એનો જ ભાઈ હતો. કદાચ ત્યાર બાદ તો હું એના પહેલા સુઈ ગયેલો હઈશ.
એકદમ મલકાતાં મલકાતાં હું તો ધીરા ને ખોળવા ઉપડયો. અમારો મહેલ્લો નાનો હતો પણ અમારા રમવા જવાના ઠેકાણા ઘણા હતા. સ્ટેશને, બગીચામાં, રેલવે ગોદામ, અવાડાની પાળે, ભંગડે કે દવાખાનાના ક્વાર્ટરમાં ય હોય. જો કે એક બે ને પૂછીએ તો પતો મળી જાય. તમને નવાઈ લાગતી હશે કે ધીરાને કહેવત વિષે સમજાવવાનો હતો અને હું એને શોધતો ફરું છું. પણ મિત્રો અમને લોકો ને એવું જરાપણ અભિમાન નહિ કે કામ કોઈનું પણ હોય ! બગીચા બાજુ હું જતો જ હતો કે ધીરો સામેથી દોડતો આવે.
“ મને ખબર પડી કે તારે મારું કંઈક કામ હતું ? ” હાંફતા હાંફતા જ તે બોલ્યો. લો બોલો…કામ એનું અને મને આવીને કેવું પૂછી બેઠો ? પછી તો હું એ હાંફવા લાગ્યો.
“ હા, હાલ આપણે તારી કહેવત માટે જવાનું છે ”
“ અરે હાં….હાલ ” ખંધુ હસીને એ મારી સાથે ચાલવા લાગ્યો.
“ આપણે ભૂરા કાકા કેવા ? ”
“ દરજી … ”
“ એમ નહિ, ભૂરા કાકા કેવા ? હવે દરજી એમ ના કેહતો ”
“ દરજી છે તો દરજી જ કહું ને ! બોલ કેવા કહું લુહાર ? ”
“ મારા વાલીડા, એમનો સ્વભાવ કેવો ? ” હું એના પર ગુસ્સે થયો.
“ ઓ..એમ કહે ને….એમની તો વાત થાય..ખુબ દયાળુ ને સારા સ્વભાવ ના”
“ હમ્મ હાલ એમની પાસે જવાનું છે. અને જઈને કહે જે કે તારે સ્કૂલમાં પાંચ રૂપિયા આપવાના છે… ”
“ પણ મારે તો…. ”
“ તારે કહેવત સમજવી હોય તો….નહિ તો હું તો આ ચાલ્યો… ” એમ બોલીને હું તો મારા ઘર બાજુ જવા લાગ્યો કે દોડીને ધીરાએ મને પકડી લીધો.
“ ના યાર…તું કે એમ બસ….? ”
અમે બંને ભૂરા કાકાના ઘરે ગયા….ઘરની આગળના ભાગમાં એ કપડાં સીવે; અમે ત્યાંજ ગયા. અમને જોઈને ચશ્માને નાકની દાંડી પર નીચા કરીને ઉપરથી આંખમાં અમારી સામે જોયું.
“ ધીરા…..કપડાંનું માપ લેવાનું છે ? ”  એમણે ધીરાને પૂછ્યું કે મેં એને ધીમેથી નાની એવી ઢીક મારી.
“ ના ભૂરા કાકા….એવું છે કે મારે પાંચ રૂપિયા જોઈએ છે ઈસ્કુલમાં આપવાનાં છે ”
“ અરે દીકરા….થોડા મોડા પડ્યા..હમણાં જ બટન અને દોરા મંગાવ્યા ” બોલીને એ તો વળી પાછા મશીન સાથે લાગી ગયા. ધીરો તો એમને બીજી વાર કહેવા જતો હતો કે મેં એને ખેંચીને બહાર લઇ ગયો.
“ તેં તો શીખવેલું કે રૂપિયા લેવાના; તો કેમ….? ” બહાર આવીને તે અકળાયો.
“ ગોબા..હવે કહેવત સમજાણી ? ”
“ ના…આમાં ક્યાં કહેવત આવી ?? ક્યાં ડુંગર ને ક્યાં દૂર ? ”
“ તેં જ તો એમ કહ્યું ને કે ભૂરા કાકા તો ખુબ દયાળુ ને સારા સ્વભાવના…હાં…. તો રૂપિયા તને કેમ ના આપ્યા ? હવે કઈ સમજાયું ? ”
“ હા..મેં માંગ્યા તો એ રૂપિયા ના આપ્યા તે સમજાયું ને ! ”
“ અને કહેવત ? ”
“ કેવાની ? ”
મિત્રો ત્યાર બાદ તો તળાવની પાળે જઈને એને ખુબ સમજાવ્યો પણ એ તો એક જ રટ લઈને બેઠો કે મને ભૂરા કાકાએ રૂપિયા ના આપ્યા. આવો છે અમારો ધીરો ( જોકે આવો છું હું ! )
Posted in હાસ્યલેખ/ જોક્સ | 4 ટિપ્પણીઓ

શરણાઈના શૂર

શરણાઈના શૂર

મેઘાભાઈએ માળિયામાંથી એક બોક્ષ નીચે ઉતાર્યું અને મહીંથી ઢોલ, એની દાંડી અને શરણાઈની જોડ કાઢી. ઢોલને હાથ અડાડીને બે હાથ જોડ્યા. શરણાઈને માથે અડાડીને નમન કર્યું. એક સ્વચ્છ કપડાથી ઢોલને સાફ કર્યો. અને શરણાઈને પણ સાફ કરીને ટેસ્ટિંગનો શૂર છેડ્યો. એ શુરનો અવાજ સાંભળીને રૂમમાંથી એમનો પુત્ર દિલીપ બહાર આવ્યો.
“પપ્પા, કેમ આજે આ બધું ??? ” ઢોલ અને શરણાઈ સામે આંગળી ચીંધતા દિલાએ કહ્યું.
“હા બેટા, મેં નીચે ઉતાર્યું છે. તને ખબર છે, આપણા ગામના દયાળજી શેઠની દીકરીના લગન છે. ”
“ કોણ, નીલમના ને ? ” નીચું જોતાજ દિલાએ કહ્યું.
“હા, પણ તનેય ખબર પડી એ સારું કર્યું…મેં એમને વચન આપ્યું છે કે ભલે શહેરમાં આવીને અમે જૂનો ઢોલ વગાડવાનો ધંધો બંધ કર્યો… ”
“તો તમે ઢોલ વળગાડવા જશો એમ ને ? ” દિલાએ વચ્ચેજ બોલી દીધું.
“હું નહિ બેટા, આપણે બેઉને જવાનું છે. આપણા ગામડે હતા ત્યારે; મારો ઢોલ ને તારી શરણાઈની જે રમઝટ બોલતી. તે રમઝટ ફરી બોલાવવાવની છે.” મેઘાભાઈએ પુત્રને કહ્યું. પુત્ર તો માથું હકારમાં હલાવીને જતો રહ્યો. મેઘાભાઈની ખુશી તો સમાતી નથી. દિલાને ભણવા માટે દયાળજી શેઠે જે મદદ કરેલી તે કેમ કરીને ભૂલી શકાય? એમની મદદને લઈને દિલો આજે કોલેજ પુરી કરી શક્યો છે. એ સહકારને સાર્થક કરવાનો આનાથી વળી બીજો રૂડો અવસર કયો હોઇ શકે !
તેમની પત્ની સવિતા પણ પતિની ખુશીમાં સામલે થઇ છે. બેઉ એક વાર દયાળજી શેઠને ઘરે જઈ આવ્યા છે. અને દાંડિયા રાસને દિવસે ઢોલ અને શરણાઈની રમઝટ બોલાવવાનું વચન આપી આવ્યા છે. દિલીપને એકવાર એના પપ્પાએ કહ્યું એટલે તે તૈયાર થઇ જાય. તેના પપ્પાની વાતને કદી કાપતો નહિ કે અવરોધતો નહિ.
દયાળજી શેઠતો ગામડે હતા ત્યારના શ્રીમંત હતા અને હવે તો સિટીમાં આવ્યા પછી તો વધુ શ્રીમંત બની ગયા છે. એમની એકની એક દીકરી નીલમના લગન હતા પછી તો કોઈ કહેવાનું બાકી ના રાખે !
પાર્ટી પ્લોટમાં દાંડિયા રાસનું ભવ્ય આયોજન છે. આમઁત્રિત મહેમાનોમાં ઘણા ખરા તો સિટીના જ હતા. આથી ઢોલ અને શરણાઈની રમઝટ બ્રેક બાદ રાખી હતી. બ્રેક પડ્યો અને બધા નાસ્તો લેવા લાગી ગયા. નીલમ પણ એની સહિયરો સાથે દાંડિયા રાસને લીધે પરસેવે લથબથ થઈને એક ખુરશી પર બેસી ગઈ. મેઘાભાઈએ પોતાના દીકરા દિલીપને નાસ્તો લઇ લેવા કહ્યું. બંને નાસ્તો લેવા જતા હતા કે દયાળજી શેઠે બુમ પાડી.
“ મેઘા, બેઉ બાપ દીકરો બરાબર નાસ્તો કરીલો..પછી એવી જમાવટ કરો કે સિટીના લોકો વખાણ કરતા થાકી જાય. ”
“ હા શેઠ હા, એવુંજ થશે ….આપની કૃપા દ્રષ્ટિ છે….પછી તો ” કહીને મેઘાભાઈ દીકરાને લઈને નાસ્તો કરવા લાગ્યા.
માઈક પર ઢોલ-શરણાઈની જાહેરાત થઇ કે બધા લોકો પોજિશનમાં ગોઠવાઈ ગયા. ડી.જે. ના રંગે નાચતા મહેમાનોને આજે અસલી ઢોલના તાલે નાચવાનો અવસર મળ્યો છે. મેઘાભાઈએ ઢોલ પાર દાંડી મારી કે આખા મંડપમાં એના શુરો ગાજી ઉઠ્યા. મેઘાભાઈએ ઈશારો કરીને દિલાને શરણાઈ વગાડવાનું કહ્યું. લોકોના પગમાં ખનકારા બોલી ઉઠ્યા છે. પગ થિરકીને થનગનવા આતુર છે. ગાનારે માઇકમાંથી ગાવાના શૂર છેડ્યા છે. મેઘાભાઈએ ઢોલ પર દાંડીને રમાડવા લાગી છે. દિલાએ પણ શરણાઈના શૂરોને હવામાં વહેતા કર્યા છે. જેવા શરણાઈના શૂર વહેવા લાગ્યા કે ઢોલ અને શરણાઈના શૂર નો તાલમેલ બાઝતો ના હોય એવું બધાને લાગ્યું.
“ દિલા, જાનની વિદાયના શૂર અટાણે કાં બેટા ? ”
“ હું તો બરાબર વગાડું છું પણ ખબર નહિ….” ને તે ફરી વગાડવા લાગ્યો
મેઘાભાઈએ બે ત્રણ વાર કહી જોયું પણ દિલાની શરણાઈના શૂરમાં અસલી મોજ વર્તાણી નહિ. તે પણ વિચારમાં પડી ગયા. ” દિલો તો શરણાઈના શૂરનો પાક્કો ગવૈયો, તોય કેમ આજે એના શૂરમાં કરુણા છલકાય છે ?
મેઘાભાઈ પણ જમાનાના ખાધેલ, વચન તો પાળેજ છૂટકો હતો. બહાનું કાઢીને દિલાને નીચે બેસાડ્યો. અને ઢોલ પર રીતસરની સવારી બોલાવી. ઢોલ પર દાંડી અને નાચવા વાળની થનકનો તાલમેલ….રાતના ત્રણ વાગ્યા સુધી મેઘો હલ્યો નહિ. ઢોલ તૂટે તો ભલે પણ રમઝટ તોડવી નહિ ! એમ નક્કી કરીને મંડપમાં જામ્યો છે. દયાળજી શેઠે 1001 રૂપિયા આપીને મેઘાની પીઠ થાબડી.
“શેઠ, આજે આ રૂપિયા પાછા લઈલો, અભિમાનથી નહિ ગુમાનથી કહું છું. નીલમ તમારી દીકરી એવી મારી પણ દીકરીજ ને ! ” બોલીને મેઘાભાઈએ વિદાય લીધી. ઘરે જઈને ચુપચાપ સુઈ ગયા.
બીજા દિવસે સવારે, દિલીપ ઉઠીને ચા નાસ્તા માટે આવ્યો કે મેઘાભાઈ ચૂપ ના રહી શકયા.
“ બેટા, રાત્રે તારી શરણાઈના શૂરમાં જે કરુણા રસ ખસતો નહોતો ઈ ખુબ નવાઈ લાગે છે. ”
“કોને ખબર ” બોલીને તે ચા નાસ્તો કરવા લાગ્યો. “ બેટા, શરણાઈ તો એક નિર્જીવ ચીજ….એના શૂર તો આપણા દિલ થકી જ ઉપજે ” કહીને મેઘાભાઈએ દિલા સામે જોયું. દિલો તો ચુપચાપ નાસ્તો જ કરતો રહ્યો.
“હું તારો બાપ તો છું જ પણ તારો દોસ્તાર પણ નથી ? તો તારા દિલમાં કોઈ કરુણા કેમ ? તને મારાથી કોઈ અજાણતા ખોટું તો નથી કે’વાઈ ગયું ? ”
“ના પપ્પા…એમ બોલીને મને પાપમાં ના પાડો…એવું કંઈજ નથી…. ”
“ના …..તારી આંખોમાં મને તો અત્યારે પણ કરુણતા દેખાય છે. ” મેઘાભાઈ બોલ્યા કે દિલાની આંખોમાંથી ટપક ટપક આંસુ પડવા લાગ્યા. “ તને મારા સમ છે જો ના કહે તો…” તેઓ પણ ઢીલા પડી ગયા. આજે પહેલી વાર પોતાનો યુવાન દીકરો રડી પડ્યો હતો.
“પપ્પા, વાતમાં ખાસ કોઈ દમ નથી….હું અને નીલમ બેઉ ભેગા ભણતા હતા. એની સુંદરતા તો આખા ગામમાં અજોડ હતી. એ મને બહુ ગમતી હતી…..પણ ક્યાં એ અને ક્યાં આપણે ? ”
“અરે મારા ભગવાન …. ” સાંભળીને મણ એકનો નીશાસો નાખીને તેઓ હતાશ થયા.
“મેં કદી કોઈને એ વિષે વાત નથી કરી. રાત્રે એને લગનના લેબાસમાં કલ્પીને કદાચ દિલમાં કરુણા વસી ગઈ હશે. ”
“અરે રે બેટા….એ તો શ્રીમંત બાપની એકની એક દીકરી…અને એ પણ એકદમ સુંદર. કદાચ કાલે તો એણે તારી સામે જોયું પણ નહિ હોય ! ”
“સાચી વાત છે….પણ તમે હવે દુઃખી ના થાશો…કાલે તો એ સાસરે જતી રહેશે… એ તો નિર્દોષ છે, મારો એક તરફી પ્રેમ તો ગુનેગાર જ ને ? મારા દિલમાં એના વિશેના પ્રેમના જે અંકુર ફૂટેલા તે તો ત્યારે જ કરમાઈ ગયેલા. ત્યાર બાદ મને કદી નીલમની યાદ સુધ્ધાં નથી આવી. ”
“મારે શું કહેવું એજ ગમ નથી પડતી” માથે બે હાથ ટેકવીને તેઓ બેસી રહ્યા
“પપ્પા, રાત માટે મને માફ કરી દો…અને હાં તમે રાતની વાતને હવે પછી યાદ કરો તો મારા સમ છે ” દિલાએ પોતાના પપ્પાને દિલાસો આપ્યો.
આ વાર્તાલાપ સાંભળીને ઘરની દીવાલો તો વિચારવા લાગી કે કોણ કોને દિલાસો આપી રહ્યું છે !
Posted in નવલિકા | 2 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-3૧

ઘમ્મર વલોણું-3૧

ખડખડાટ હસતા બાળક ને જોઇને તેને બચી કરી લેવાનું મન થાય છે. એનાથી વધીને, તેને ઊંચકીને થોડો ઉત્સાહ વધારી લેવાનું મન થાય છે. બાળક ને લાંબો સમય કદી વિલાયેલ ચહેરે નથી જોયું. ખડખડાટ હસતા બાળક સામે જોઇને ઇર્ષ્યા કરવી કેટલા અંશે વ્યાજબી છે ? એક દિવસ આપણે પણ એવીજ હાલતમાં હતા; એવુંજ ખડખડાટ હસતા. તે બાળક પણ એક દિવસ મોટું થશે. અને એ પણ આજની જેમ કોઈ બીજા ખડખડાટ હસતા બાળક ને જોશે. આ તો એક જીવનની પ્રક્રિયા છે. જેમાંથી બધા પસાર થઈએ છીએ.

આપણા આંગણામાં પણ એક બાળક એવું જ મોટું થશે. એજ ખડખડાટ હસતું બાળક મોટું થશે ત્યારે; આપણે એને કોઈ કામ બતાવીએ ત્યારે એ ખડખડાટ હસે તો ? એ સમયે આપણી નજર એજ હશે ? આપણું વલણ એજ હશે ? જયારે તે નાનું હતું ! બધા જાણીએ છીએ. એ ખડખડાટ હસતું બાળક જયારે, આપણી સામે જોઇને વધુ હસે કે આપણે પણ એની સાથે ખુશ થઈએ. તેને તેડી લઈએ અને વ્હાલનો વરસાદ વરસાવીએ. આજુબાજુનું વાતાવરણ પણ રંગીન બની જાય છે. અગર કોઈ હાજર હોય તો એ પણ આપણી ખુશીમાં સામેલ થઇ જશે. કયારેક એવું પણ બને કે તે આપણી ઉપર પી પી કરે. ત્યારે આપણી ખુશી એજ રહે છે. આપણા કપડા પણ પલાળે  છે; છતાં બધું એવી રીતે ચાલે છે કે ખુશી અને હાસ્યની કીકીયારીઓ જામેલી જ રહે છે.

એજ બાળક મોટું થાય છે. જાતે પાણી પીતા શીખી ગયું છે. પાણીના પ્યાલા નીચેથી ગળતું પાણીનું ટીપું ફર્શ પર પડે છે. એ જોઇને કેટલા વડીલો એને હસતે મોઢે જોયે રાખશે ? આ એજ બાળક હતું જે એક દિવસ કયારેક તમારા કપડા પણ પલાળતું ?

કોઈ માતા પર દુખના ડુંગર તૂટી પડયા છે. એ ભાર દિલ પર આવે છે જે અસહ્ય બની જાય છે. દિલ તો એવું નાજુક મશીન કે કશું સંઘરે નહિ. ભારને આંખોમાં વહાવી દેશે. આંખો પણ એટલી સરળ કે ક્ષણમાં વહેવા લાગે. એ દુખિયારી માતાની આંખો વરસે છે એ જોઇને એનું નાનું બાળક નજીક આવે છે ને બેય હાથે માંના આંસુ લૂછે છે. આવું દ્રશ્ય જોઇને દીવાલો પણ પીગળી જાય; તો વળી માનું દિલતો માટીનું !

એ નાજુક હાથોનો સ્પર્શ આંખેથી આવેલો ભાર એજ દિશામાં વ્હાલ બની વહેવા લાગશે. રાહતનો ઉમળકો શાતા આપશે; અને દુઃખનો ડુંગર દુર થઇ જશે…..

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

બર્થ ડે પાર્ટી !

બર્થ ડે પાર્ટી !

અમારો મહેલ્લો આમ તો કોઈનોય બર્થડે ના ઉજવે. એવું નહોતું કે અમારા મહેલ્લાને ગોરીયા લોકોના ક્લચરનું ગ્રહણ નહોતું લાગ્યું. 31 મી ડિસેમ્બર અમે ઉજવીએ ! જોકે એવુંય નહોતું કે અમે કોઈનોય બર્થડે ના ઉજવીએ. એક એક ભગવાનના બર્થડે અમે હોંશભેર ઉજવીએ અને સાથે અમારું  આખું ગામ. રામ નવમી, કૃષ્ણ આઠમ. હનુમાન જયંતિ જેવા તહેવારોની ઉજવણી એટલે બર્થડે પાર્ટી. સૌથી વધુ મદહોશ પાર્ટી એટલે શિવરાત્રી. અલગ અલગ મંદિરે જઈને દર્શન કરવા અને એક એક ભાંગની પ્યાલી પીને અમે શિવજીનો બર્થડે ઉજવીએ ! શિવજીનો બર્થડે મારો સૌથી માનીતો બર્થડે. એટલા માટે નહિ કે મને ભાંગ પીવી ખુબ ગમે છે; ભોળાનાથ રીજે જલ્દી.વર્ષમાં ખાલી બે જ દિવસ હું ઉપવાસ કરું છું. એક તો તમને કહી દીધો ને બીજો કૃષ્ણાષ્ટમી ! સૌથી જલ્દી ને સરળ રીતે રીજે એવા શિવ અને બીજા રાજનીતિજ્ઞ ! મારે તો ભંગની વાત કહેવી છે, શિવ બર્થડે નું મારું આગવું મહત્વ !

શિવરાત્રીના દિવસે અમે લોકો બધા નિત મુજબ નીલકંઠ મહાદેવના મંદિરે ગયા હતા. જેવા તેવા દર્શન કરીને ભાંગનો પ્રસાદ લેવાની લાઈનમાં ઉભા રહી ગયા. વજા સિવાયના અમે બધા લાઈનમાં ઉભા છીએ. વજાને સવાર સવારમાં એના બાએ ખેતરે મોકલી આપેલો. આથી તે ના આવી શક્યો. જીલો થોડો ઉદાસ દેખાતો હતો. મેં એને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે વજાને ભાંગનો ભાગીદાર બનાવવાનો પ્લાન હતો. મેં મનમાં વિચાર્યું કે જીલાએ આજે શિવાજી પાસે માંગ્યું હશે કે વજાને જલ્દી જલ્દી કામ પૂરું કરીને મંદિર મોકલી આપે. એકબાજુ જીલો દુઃખી હતો ને અધૂરામાં પૂરો અફસોસ પણ કરતો હતો. અફસોસ એટલે કરતો હતો કે ભાંગની પ્રસાદી વહેંચવા વાળો તો અશ્કાનો મિત્ર હતો એટલે ગમે તેટલી ભાંગ મળી શકે. મેં જોયું તો જીલો આકળ વિકળ થતો આગળ વધે છે. અચાનક એના ફેઈસ પર ચમક દેખાઈ કે હું સમજી ગયો કે ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી  લીધી છે. ચાલો આગળ વધો કરતો જીલો ફોર્મમાં આવી ગયો. વજો આવી ગયા પછી તો એવું બન્યું કે બધાએ એક એક પ્યાલી ભાંગ વજાને પરાણે પાઈ. પછી તો બધા પોત પોતાને ઘરે જવાનું હોય પણ જીલાએ બધાને રોક્યા. વજોતો ખેતરે કામ પતાવીને સાયકલ લઇને સીધો મંદિરે આવેલો. વળી સાયકલ લઈને તે ઉપડયો ખેતરે જવા. જેવી તે સાયકલ ચલાવે કે ઉતરી જાય. થોડે સાયકલ ચલાવીને તે સાયકલ વાળાની દુકાને ગયો. “ ભાઈ પંચર બનાવી દો, થોડી ઉતાવળ છે. ” દુકાન વાળા ભાઈએ જોયું તો ટાયરમાં હવા ફુલ હતી. વજો તો સાયકલ દોરતો દોરતો બધી દુકાને જઈને પંચર બનાવી આપવાનું કહેતો જાય ! અમે લોકો એ ખેલ જોતા જોતા એટલું હસેલા કે શિવજીનો બર્થડે ખુબ સારી રીતે ઉજવાયો. બધાએ વજાને પરાણે ભાંગ પાયેલી તેની અસર !

મારો બર્થડે ચૌદમી માર્ચે હતો એટલે આ લેખ લખું છું. આ લેખ લખનારે કદી બર્થડે ઉજવ્યો નથી. હા ભગવાનના બર્થડે જરૂર ઉજવે છે. આગળ લખ્યું તેમ અમે લોકો કોઈનો બર્થડે ઉજવીએ નહિ. પણ આજની તળાવની પાળે થયેલ મિટિંગમાં ટીનાએ એક પ્રસ્તાવ રાખ્યો કે હવે આપણે બર્થડે મનાવીએ. તો સૌથી પહેલો મારો બર્થડે આવતો હતો. મને એવું લાગ્યું કે ટીનાને મારા પર કેટલો અસીમ પ્રેમ છે કે સૌથી પહેલા મારા બર્થડે ને મહત્વ આપ્યું. મારા બર્થડેની વાત એટલે હકો તો જરૂર ટેકો આપે. મેં તો સ્પષ્ટ પણે કહી દીધું કે મારો બર્થડે નહિ ઉજવી શકાય. એક બે કારણો આપ્યા કે બધા માની ગયા. નરીયાએ કહ્યું કે ત્યાર પછી જેનો બર્થડે હોય તેનો ઉજવીએ. આથી ટીનાના ફેઈસ પર જે તાજા ગુલાબના ફૂલ જેવી લાલીમા દેખાઈ તે પરથી હું બધુ સમજી ગયો. અને મિટિંગમાં નક્કી થયું કે ટીનાનો બર્થડે ઉજવવો.

ટીનાને પોતાનો બર્થડે મનાવવાનો વિચાર તેની માસીના ઘરે ગયો ત્યાંથી આવેલો. દુનિયાના બધા બર્થડે ઓ સાંજે જ ઉજવાય એ ધોરણે ટીનાના ઘરે પણ એજ નિયમ માન્ય રખાયો. ટીનાએ તો સ્ટેશનરી વાળાની દુકાનેથી એક ફુગ્ગાની કોથળી મંગાવી. અને અમને બધાને ફુગ્ગા ફુલાવવા લગાવી દીધા. અડધા ફુગ્ગા તો ટીખળ ટોળીએ ઉજવણી પહેલા જ ફોડી નાખેલા એ કહી બતાવવા જેવું નથી. ધજા પતાકા પણ લગાવ્યા. આજે તો ટીનાનાનું ઘર સ્કૂલમાં એન્યુલ ફંક્શન વખતે ડેકોરેટ કરેલો હોય તેવો લાગતો હતો. એનાં ઘરના બધા પણ હરખભેર ભાર્થડે ઉજવવા તૈયાર છે.

બધી તૈયારી થઇ ગઈ છે પણ અમારા ગામમાં કોઈ કેક વાળાની દુકાન નહોતી. ટીનાએ આખા ગામમાં ફરીને તપાસ કરી પણ કેક તો ના જ મળ્યો. ગામમાં બે બેકરીની દુકાન હતી. એમને મનાવીને ટીનાએ કેક બનાવવા કહ્યું. કેક બનાવવાની રેસિપી પણ આપી જોઈ. પણ બેકરી વાળાએ ટીનાને હતાશ કર્યો. અંતે ય કેક વગર જ અમારા મહેલ્લામાં પહેલી વાર બર્થડે ઉજવાઈ રહ્યો છે.

બધી તૈયારીને અંતે એવું નક્કી કર્યું કે કેકની જગ્યાએ એની મમ્મીએ જાડી ફાડા લાપસી બનાવી હતી. લાપસીને એક થાળીમાં રાખીને બાજુમાં મીણબત્તીઓ ગોઠવી હતી. ચપ્પુ પર રીબીન બાંધીને નરીયો હાજર. ટીપોટ પર બધું ગોઠવીને અમે પણ આસપાસ ગોઠવાઈ ગયા હતા. દિલો, અશ્કો, વજો, જીગો, દલો, હકો, હું અને નરીયો બધા તાળીઓ પાડીને હેપી બર્થડે કહેવા આતુર હતા. નરીયાએ ચપ્પુને ટીનાના હાથમાં મૂક્યું અને લાપસી કાપવા માટે કહ્યું અને અમે બધા તાળીઓથી બર્થડે મનાવવા આતુર.

પણ બધાની આતુરતામાં ભંગ પાડ્યો બાજુવાળા મહેલ્લાના ચિરકુટ ચતુરે ! ચતુર અને ટીનો પહેલા એક સ્કુલમા ભણતા આથી એને ઇન્વિટેશન હતું. પણ ચતુરને જોઈને બધા દંગ રહી ગયા. જોયું તો ચતુરનું આખું મોઢું લાલ સફેદાથી ભરેલું હતું. ટીનાએ એને બાજુમાં બોલાવ્યો અને પૂછ્યું.

“ચતુર આ શું બધું ? ”

“અરે યાર જીવાની બર્થડે પાર્ટીમાં ગયો હતો બહુ મજા આવી. ”

“પણ આ મોઢા પર શું છે ? ”

“કેક … ”

કેકનું નામ સાંભળીને તો ટીનાના હોશ ઉડી ગયા. એનો બર્થડે તો ઉજવાઈ ગયો પણ ત્યાર બાદ અમે બધા પાળે મળ્યા ત્યારે તે ખુબ અકળાયેલો હતો. કેકના ગુસ્સમાં તે તળાવની પાળે ગુલાંટો મારવા લાગ્યો.

Posted in હાસ્યલેખ/ જોક્સ | 2 ટિપ્પણીઓ

હેતની હાટડી

હેતની હાટડી
હેત તણી હાટડી મેં તો ખોલી રાખી
એમાં સીધું ને સામાન મેં ભરી રાખી
ઉપર ગોઠવું ને વળી હું નીચે ગોઠવું
આજુબાજુ જોઉં ને ફરી ફરી રે ગોઠવું
નથી એને દરવાજા અને નથી તાળા
કરવા ના બાદબાકી કે કોઈ સરવાળા
ચોવીસે કલાક ખુલ્લી રાખી રે વ્હાલા !
હેતેથી આવજો રે રૂડા પ્રીતેથી આવજો
હેત લેજો કે દેશું એનો કોઈ ના હિસાબ
હરિ તારા ટેક તણી એને ગણજે પરબ

Posted in કાવ્યો/ ગઝલો | 6 ટિપ્પણીઓ