મનાએ મત આપ્યો

મનાએ મત આપ્યો

મના વિષે હું બહુ લખતો નથી. એટલા માટે નહિ કે, હું એને બહુ માન આપું છું. અને એટલા માટે પણ નહિ કે, હું એનાથી બીવું છું. આમ તો જો કે હું મારા સિવાય બધાથી બીવું છુ. મનો અમારી સાથે રમવામાં ખરો; ભણવામાં બિલકુલ નહિ. એ સીટી સ્કુલમાં ભણતો ને અમે લોકો તાલુકા શાળામાં. મહેલ્લામાં ખાસ કરીને હું, હકાને ઘરે, વિનાના ઘરે, ટીનાના તથા નરીયાને ઘરે જાઉં. મનાના ઘરે જવાનું બહુ ઓછું થતું. નરીયાના ઘરે જવામાં થોડીક બીક લાગતી. કેમ કે મહેલ્લાની ભાષામાં એના ફાધર થોડા અકડું હતા.
મના વિષે લોકો બહુ ઓછું જાણે; તમે નહિ પણ અમારા મહેલ્લા વાળા. પણ એક વાત સ્પષ્ટ હતી કે, મનો કદી એલફેલ ના બોલે. ( તો એનો મતબલ એવો ના લેશો કે અમે બીજા બધા એલફેલ બોલતા.) મનાએ એક વાર સાપની પૂંછડી પર પગ મૂકી દીધો. અને પછી એવો ભાગ્યો કે તળાવની પાળ પરના સૌથા ઊંચા ઝાડ એવા પીપળા પર ચડી ગયો. એની પાછળ ટીનો ભાગેલો. પાછળ દોડતો જાય ને કહેતો જાય “ મનીયા, અલ્યા મનીષ ઉભો રહે. સાપ પણ ભાગીને દરમાં ઘુસી ગયો છે. ”
મનીયો તો શું પણ, કોઈ એવો વિશ્વાસ કરે ખરો ? ટીનો તો થાકીને ઘરે આવતો રહ્યો પણ જીગો જેમ્સ બોન્ડ એની પાછળ છેક ઝાડ સુધી ગયો. ઝાડ નીચે ઉભો રહીને જોયું તો મનો છેક ટોચ પર બે ડાળની વચ્ચે ટૂંટયુ વાળીને બેઠેલો.
“ મના, એ તો કહે સાપ કઈ બાજુથી આવેલો ને કઈ બાજુ જતો હતો ? ”
“ તું ચેનલ વાળો છે કે મારો મિત્ર ? ”
“ તું ગુસ્સે ના થઈશ અને જરા પણ ગભરાઈશ નહિ હું અહીજ ઉભો છું. પણ મેં સાંભળ્યું છે કે સાપ તો ઝાડ પર પણ ચડી શકે. ”
“ તું જા અહીંથી અને નરીયાને મોકલ. ” કહીને મનીયા એ જીગા પર એક ઝાડની ડાળી તોડીને ફેંકી. કે જીગો જતો રહ્યો. અને જતા જતા ધમકી આપતો ગયો કે તે નરીયાને નહિ મોકલે.
બે કલાક સુખરૂપ પીપળા પર ગાળીને મનો નીચે આવી ગયેલો; પણ આખો મહેલ્લો એને સલાહો આપવા લાગ્યો. ( સલાહો લેવી સારી, લખવી નહિ )
દોસ્તો, મનાનું આ પહેલું પરાક્રમ વર્લ્ડ લેવલે મશહુર બની ગયું. ડીસ્કવરી ચેનલ વાળા ને ગામ ના મળ્યું એટલે પાછા જતા રહેલા એવા સમાચાર જીગો લઇ આવેલો. તારા પીપળાના પાન તોડું તે ! એમ મલમલતો મનો અને મહેલ્લો એ સમાચાર ને ઘટના ભૂલી પણ ગયો.
ભગવાને ઘટનાઓ ભૂલી જવાની શક્તિ; આ શરીર રૂપી કબાટમાં પૂરી છે એ બહુ મોટી ગીફ્ટ છે. સાપ પણ બહુ ઝેરીલો નહિ હોય અને જલીદીથી ભૂલી ગયો હશે કે મનીષ નામના માનવે, પૂંછડી પર પગ રાખીને એનું ઘોર અપમાન કરેલું.
મનો જયારે પ્રાથમીક શાળામાં ભણતો ત્યારે મોનીટર થવા ઘણા ધમપછાડા કરેલા. એનું નસીબ તળાવની સામી પાળ જેવું ફરેલું કે કદી મોનીટર થવાનો મેળ નહોતો પડયો. વિધાનસભાની અને લોક સભાની ચુંટણીઓ થઇ ત્યારે બિચારો મનો મહેલ્લાની બહાર હતો. કોને ખબર કેટલાયે સમયથી તે ચુંટણીની રાહ જોઈ રહ્યો હતો. વચ્ચે સહકારી મંડળીની ચુંટણી આવેલી. પણ સહકારી મંડળીનું નામ સાંભળીને મનાને ચક્કર આવતા હતા. એકલા મનાઈ ને નહિ આખા મહેલ્લાને ચક્કર આવતા. કારણ બહુ સીધું હતું કે એ સહકારી મંડળીની ચુંટણી પછી જે આંદોલન થયેલું એમાં જીગો જલાઈ ગયેલો અને જે મેથીપાક પડેલો તે અવિસ્મરણીય હતો.
લોકોને માથામાં વલૂર ઉપડે, બરડામાં ઉપડે, હથેળીમાં ઉપડે. પણ મનાને આંગળીમાં વલૂર ઉપડી હતી. વિસ્મય પામી ગયા છો ને કે, આંગળીમાં તો વલૂર કંઈ ઉપડે ? શરીરના અંગોમાં વલૂર ઉપડે તો આંગળીનો ઉપયોગ કરવો. પણ અમારા મહેલ્લાને આંગળીમાં વલૂર ઉપડે તો શું કરવું એવો ઉલ્લેખ કોઈ ગ્રંથોમાં જોવા નથી મળ્યો. આ તો અમારા મહેલ્લાનો મનો; પછી માનો કે ના માનો ! એની આંગળીની વલૂર એવી કંઈ ઉપડી કે બીજાની આંગળી પરનું કાળું ટપકું જોઇને એને કંઈ કંઈ થઇ જતું હતું. લોકો વોટીંગ કરી આવે અને મનાને આંગળી બતાવે ! આવી ઘણી બધી આંગળીઓ જોઇને મનો ભૂરાંટો થઇ ગયેલો. ઘણા દિવસની એની આંગળીની વલૂર ઉપડેલી તેને શાતા વાળતી નગરપાલિકાની ચુંટણીઓ આવી રહી હતી.
“ કાકા, વોટીંગ કાર્ડ વગર વોટીંગ થઇ શકે ? ”
“ ના, હવે તો બહુ સ્ટ્રીક થઇ ગયું છે ”
“ ઓકે, પણ વોટીંગ કાર્ડ કેવી રીતે મળે ? ” મનો તો રીતસર પેલા કાકા સાથે જામી પડયો. અને કેવી રીતે વોટીંગ કાર્ડ મેળવવું એ જાણી લીધું. બે દિવસ ઓફિસોમાં ધક્કા કર્યા અને રેશન કાર્ડ અને જનમ તારીખનો દાખલો લઈને ફર્યો. કોઈ કાળે મેળ શેનો પડે ?
પહેલા તો કોઈ પણ લાડકો પોતાની માંને પટાવે. એ ધોરણે મનાએ પણ એ બાજી અજમાવી પણ એની મોમ પણ મજબુર હતી. કોણ જાણે કોક ને બાદ કરતા બધા છોકરાઓ પોતાના ફાધરોથી બીતા હશે. મનો પણ ફાધર ને કહી ના શક્યો. રાતની ઊંઘ હરામ અને દિવસનો ખોરાક. બે દિવસ તો એ ખાધા પીધા વગરનો રહ્યો. ઉડતી ઉડતી વાત એના ફાધર પાસે ગઈ. એની મોમે એનો પક્ષ લીધો
“ જુઓ મનો હજી નાનો છે એને મારતા નહિ. ”
“ એ મને નહિ મનાને સમજાવ કે એ નાનો છે. ”
“ તમે નહિ માનો કે એ નાનો છે ? ”
“ હું તો માનું જ છું કે મનો નાનો છે. પણ તું ય નથી માનતી. ” લો બોલો મનો તો રીસાયેલો, કોઠી પાછળ છે અને બેયે લઇ પાડી.
“ તમે દુનિયા આખીની પટલાઈ કરી આવો છો તે; મનો એક મત આપી શકે એવું ના ગોઠવી શકો ? ”
“ મને લાગે છે તારું પણ મના સાથે ઘૂમી ગયું છે. જો મારું ચાલતું હોત તો મનો મારી જગ્યાએ વોટીંગ કરી આવે. લગનની સિઝનમાં ભોજન સમારંભોમાં મારી જગ્યાએ નથી જઈ આવતો ? ” આખા મહેલ્લામાં મનાની જીદ વાળી વાત ઉગ્ર સ્વરૂપે ચર્ચાવા લાગી. કોઈએ વળી એના ફાધરને હળી કરી કે તળાવની પાળે કોઈ સાધુ આવ્યા છે, એને જઈને પૂછો. દુનિયાના ઘણા ખરા બાપો બિચારા મજબુર બની ને ગમે તેને પૂછી બેસે એ ધોરણે, મનાના બાપા પણ તળાવની પાળે સાધુના પગમાં પડી ગયા.
“ બાપુ, કંઈક કરો, મારા પર દયા કરો. મારા પર નહિ મારા છોકરા પર દયા કરો. ”
“ તુમ પેલે એ નક્કી કરો કે કોના પર દયા કરના હે ? ”
“ સાધુજી, મેરે છોકરા પર દયા કરના હૈ. ”
“ વોહ પાગલ હો ગયા હૈ ? કિસી લડકીની પાછળ પઈડા હૈ ? કહો કયા દયા ? ”
“ વો ઐસા બઈસા કઈ નહિ હૈ. ભૈસાબ, વો તો જીદ લેકે બેઠા હે કે ચુંટણી મેં મત દેવા જાના હૈ. ”
“ ઉસકુ જાને દો ને, મત દેવા તો ઇના અધિકાર હૈ. ”
“ અરે મેં કેસે બધું સમજાવું ? વો તો તેર વરહ નો જ થયા હૈ. ”
“ એ તો બોત મોટી સમસ્યા લઈન આયા હે; કોઈકો ચુંટણીમેં જીતના હે ઐસા બેસા હે તો કહો. ”
મનાના ફાધર બિચારા ખુબ મુંજાય. ઘરામાં જાય તો પત્ની રિસાય અને મનો ના ખાય. બહાર જાય તો હજાર લોકો પૂછે કે મનો માન્યો ? અંતે ચુંટણીનો દિવસ આવી ગયો. જેવા મનાના ફાધર અને મધર વોટીંગ કરવા ગયા કે મનો પણ સાથે જોડાયો. અને ત્રણેનો કાફલો પહોંચ્યો તાલુકા શાળાએ. એમણે નક્કી કર્યું કે મનાને બુથ બહાર ઉભો રાખીને વોટીંગ કરી આવશે. પણ મનો તો જબરો નીકળ્યો એમના પહેલા તો છેક રૂમમાં જતો રહેલો. બે દિવસનો ભેગો થયેલો ગુસ્સો ઉભરાયો, મનના ફાધર દોડયા અને જઈને મનાને ગળેથી પકડ્યો. આ જોઇને બુથ અધિકારીએ છોડાવ્યો. એમણે બધી વાત કરી અને મનાને એક બાજુ લઇ જઈને પૂછ્યું. પેલા બેઉને વોટીંગ કરવા જવા ઈશારો કર્યો. મનાની આંગળી પર શાહીનું ટપકું કરી આપ્યું. એ જોઇને મનો તો કોઈ મેડલ મળી ગયો હોય તેમ બુથમાં કુદાકુદ કરવા લાગ્યો.
“ હે…..મેં વોટીંગ કર્યું, મેં વોટીંગ કર્યું  ”
વોટીંગ કરીને આવેલા મનાના ફાધરે જોયું કે મનો તો એકદમ ખુશ છે. એય જોમમાં આવી ગયા. “હે…મેં પણ વોટીંગ કર્યું, મેં પણ વોટીંગ કર્યું  ”
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s