ઉડાવે મોજ કાગ ટોળી

ઉડાવે મોજ કાગ ટોળી

માધ્યમિક વિભગમાં ભણતો ત્યારે એક હાઇકુ ભણવામાં આવતું. એના લેખક/કવિ કોણ હતા તે પણ યાદ નથી અને એ હાઇકુ એકદમ શબ્દે શબ્દ યાદ નથી. પણ એક દિવસ અચાનક મને તે યાદ આવી ગયું અને તેના વિષે લખવાનું ખાળી ના શક્યો. (માફ કરજો અગર આ હાઈકુ ના લાગે તો ! )
સ્થિર ચાટવો સ્થિર ચક્ષુ
ઉડાવે મોજ
કાગ ટોળી
આ પાઠ ભણાવતા ત્યારે આ હાઇકુ વિષે કહેલ થોડી વાત મને યાદ છે. એ વાત અને મારું અત્યારનું વિવેચન ભેળવીને; એનો વિચાર વિસ્તાર આપવાની કોશિશ કરું છું. આશા રાખું કે આપ સૌ એને આવકારો.
મિત્રો આ મારી એક કલ્પના માત્ર છે.
નાનું એવું એક ગામ છે. ગામને પાદર જોગી પાસે પડેલ કમંડળ સરીખું નાનું સરોવર પાણીના છેલારા મારતું મલમલે છે. ગામના નાના ભૂલકાઓ તળાવની પાળે રમીને આનંદ લુંટે છે. આશરે બે એક હજારની વસ્તી વાળા ગામમાં પટેલ, કોળી ઠાકોર, રાજપૂત, કુંભાર, સુથાર, હરીજન રબારી, બ્રાહ્મણ અને એક ઘર ગીરી( બાવાજી ) નું. ગામનો લોકો સંપીને રહે છે. એકબીજાના સુખ દુઃખમાં ઉભા રહે છે. આણા, ચુંદડી અને લગ્ન જેવા પોતાના તહેવારો હોય કે હોળી, દિવાળી, નવરાત્રી કે જન્માષ્ટમી જેવા ગામના તહેવારો હોય; બધા સાથે મળીને ઉજવે છે.
ગામનો નિર્ભર ખેતી પર છે. પટેલ અને રાજપૂત લોકો સિવાય અમુક ઘરોમાં કુંભાર કે સુથાર પણ ખેતી કરે છે. તો બાકીના લોકો ખેતમજુરી કરીને જીવન ગુજારે છે. બધાને એકબીજાની જરૂર હોઈ સંપ અને સલાહ ને વધુ ઉત્તેજન મળ્યું છે. બ્રાહ્મણ તો કથા, સગાઇ, રક્ષા બંધન કે લગ્ન-મરણ જેવા પ્રસંગે સારું એવું કમાઈ લે છે. તો હવે ગામમા ઘર એક બાકી રહી ગયું ગીરીનું. તે રામજી મંદિર માં પૂજા કરે અને જે કઈ છુટા સિક્કા મળે તે લઈલે. પણ એનાથી જીવન પૂરું ના થાય આથી; ગામ લોકોએ તેમને માટે સવારે ઘર દીઠ એક વાટકી લોટ આપવાનું નક્કી કર્યું. આથી પૂજારીજી એવા દેવુગીરી રોજ સવારે “ જય સીતારામ ” કહીને ઘરે ઘરે ફરે. અને લોકો એમને હસ્તે મોઢે લોટ આપે.
દેવુગીરી મહારાજને એક પુત્ર, પ્રભાત ગીરી. તેના લગન થઇ ગયેલ પણ તેની બૈરી થોડી કપાતર નીકળી. સાસુ-સસરાને માન આપવાને બદલે જેમ તેમ બોલવા લાગેલી. આથી ગામ લોકોએ જ ભેગા મળી એને એના માં-બાપને ઘરે મોકલી આપી. પ્રભાત ગીરી ભણીને પાછો ગામમાં બાપુને મદદ કરવા આવી ગયેલો. દેખાવે ગોરો અને વળી પાછો હસમુખડો. તેની પત્નીને પ્રભાતગીરી સાથે કોઈ મતભેદ નહિ. પણ તેની જીભ થોડી વાંકી ને ખરબચડી હતી. તે પણ દેખાવે સુંદર હતી, મોજમાં હોય ત્યારે મશ્કરી કરે ને ગુસ્સામાં ડાકિયા ! કોને ખબર પણ કદાચ બેયનું લગ્ન જીવન ભાંગી પડ્યું અને પાછા બેય એકલા પડી ગયા.
ગામના એક ખ્યાતનામ પટેલનો દીકરો લગ્ન થયાને બે એક વર્ષમાં મરણ પામેલો. ભર યુવાનીમાં પુત્રનું મરણ એટલે જીવનની પુંજી એક પળમાં લુંટાઈ જવી ! ઘરના લોકોને તો આઘાત લાગ્યો પણ ગામ લોકોને પણ ખુબ આઘાત લાગેલો. ખમતીધર ખોરડું, સોળમાં પુછાય એવી શાખ. હજી તો માથેથી મોડ્યો કાઢીને વહુએ રાખીને શ્વાસ જ લીધો ત્યાં પોતાનો પતિ, સપનામાં આવીને ગયો હોય તેમ કાયમ માટે દુર જતો રહ્યો. એના માટે તો એવું થયું કે પોતાના પતિ સાથે એટલું ઘર સંસાર પણ નહિ માણેલો કે સોણલે આવીને સાંભરે ! પણ થોડી પળોના સ્મરણોમાં અને શ્વાસ સાથે ભળેલા શ્વાસને સથવારે જીવન વિતાવવા લાગી.
એક યુવાન વિધવા બાઈનું જીવન કેટલું દુષ્કર હોય તે તો જેના પર વીતી હોય તે જ બતાવી શકે. પોતાના પિયરના સંસ્કાર, સાંભળેલી વાતો અને શિખામણો ને ધ્યાનમાં લઈને વૈધવ્ય સભર જીવવાનું નક્કી કર્યું. જો કે ગામ લોકો માટે તો આ એક સહજ ઘટના હોઈ; કોઈએ એના પર દયા લાવવા સિવાય વિશેષ ધ્યાન ના આપ્યું. માણસ મરે એટલે એને કપડામાં વીંટીને સ્મશાન ભેગો કરી; લાકડામાં બાળી દેવો એ એક પરંપરાગત ચાલી આવતી રૂઢીની જેમ !
વિધવા સ્ત્રી માટે સંસારે નક્કી કરેલા નિયમો અને જોગવાઈ મુજબ તો હવે તે સ્ત્રી માટે હરિદર્શન કરીને આયખું પૂરું થાય તેની રાહ જોવાની. ભોગ વિલાસ કે મનોરંજનનાં ભાવને મોઢે કળવા પણ નહિ દેવાનો ! એજ રુએ તે સ્ત્રી, જીવન જીવવા લાગી. રોજ સવારે થોડા ફૂલ વીણીને રામજી મંદિરે આવે અને ભક્તિ અને કીર્તનમાં મસ્ત રહીને પાછી ઘરે જાય. એ જ ટાઈમે ગામની વૃધ્ધાઓ પણ આવે. મતલબમાં એક યુવાન સ્ત્રી પણ દરેક ગામની વૃધ્ધામાં ભળી જતી.
અરે રે આવો તો કેવો સિરસ્તો કે યુવાનીમાં તેને વૃદ્ધ જેવા ભાવ પરાણે પેદા કરવાના !
પ્રભાત ગીરી રોજે ગામમાં લોટની ભિક્ષા માટે નીકળે અને આવીને મંદિરમાં સાફ સુફી કરે અને ભગવવાને શણગારે. આવેલ વૃધ્ધાઓને પ્રસાદ આપે.
“ પ્રભાત, મારી સાથે મંદિર આવ તો ” સહેજ ઉગ્ર અવાજે દેવુગીરી એ પોતાના પુત્રને કહ્યું.
“ બાપુ, હાલ તો હું મંદિરેથી આવ્યો છું. અને સાફ સફાઈ પણ થઇ ગઈ છે. ” પુત્રએ કહ્યું પણ છતાં દેવુગીરી તેને મંદિરમાં લઇ ગયા.
“ જો બેટા આપણે તો આ ગામને નિર્ભર રહીને જીવીએ છીએ. ભગવાન રામની મૂર્તિ સામે ઉભા છીએ. એમની સામે જોઇને કહે કે તું મારી વાત માનીશ ”
“ અરે બાપુ, આજ દિવસ સુધી મેં તમારી કોઇ વાત ઉથામી છે ? ”
“  પણ હું નથી ઈચ્છતો કે આખી જીંદગી ભગવાન સામે જુકેલું મારું માથું; આખા ગામ સામે જુકી જાય ! ”
“ બાપુ હું કુવો ગોજારો કરીશ પણ તમારું મ્હો કાળું નહિ થવા દઉં ”
“ તો ભગવાન સામે જોઇને મને કોલ આપ કે પેલી ગામની વિધવા પુત્રવધુ સામે હસીને નહિ જુએ. મારા આટલા કહેતા પણ જો તને પૂરી વાત ના સમજાતી હોય તો…. ”
“ બાપુ, કદાચ તમે જે કઈ જોયું છે અને નોંધ્યું છે તે બરાબર છે પણ રામ- લક્ષ્મણ-સીતાની સોગન ખાઈને કહું છું કે મારા પેટમાં કોઈ પાપ નથી. કે નથી તો લુચ્ચાઈના ભાવ ! ” બોલતા તો પ્રભાતગીરી થરથર કાંપવા લાગ્યો.
“ બેટા, હું તને બરાબર ઓળખું છું, તારી પત્ની રીસામણે ગઈ છે અને તે વિધવા છે, ગામના મોઢે ગરણા નહિ બાંધી શકાય ”
“ એ વાત સાચી છે કે તે મારી સામે ટગર ટગર જુએ છે. અને પ્રસાદ આપતા અમે એકબીજા સામે હસીએ છીએ. એનાથી વિશેષ કોઈ પણ વાત હોય તો મને રામ દુહાઈ અને નરકથી પણ વિશેષ દુખ પડે ! ”
“ હ હ બેટા, એટલા આકરા વેણ બોલીને આ બાપની આંતરડી ના દુખાડ. એવું હોય તો હવેથી તારું કામ હું કરીશ. ”
“ એક કામ કરો ઉપાડો એ ગણપતિના હાથમાંથી કુહાડી અને કરો મારી ગરદન જુદી. ” બાપની સામે જુકીને તે ઉભો રહ્યો. મંદિરની બધી મૂર્તિઓ પણ ગજ ગજ છાતી ફૂલાવતી પ્રભાતગીરીને શાબાશી આપી રહી.
“ હવે વાત બંધ કરીએ, હવેની દીવાલો પણ બોદી થઇ ગઈ છે. ” કહીને દેવીગીરીએ પુત્રનો હાથ પકડીને ઘરે લઇ ગયા. જતા જતા પુત્ર પર ગરવનો કેફ ચડાવતા જાય છે.
નજરમાં જે તાકાત હોય છે તે અનેરી અને અદભુત હોય છે !
સુરજદાદા ઉગીને સૌને નમસ્કાર કરી, પોતાની રથસવારી લઈને નીકળી પડયા છે. ગામ લોકો પોત પોતાની દિનચર્યામાં લાગી ગયા છે. ખેડૂત લોકો પોતાના બાળકો સમાન પાકની માવજત લેવા ખેતરે પહોંચી ગયા છે. તો કોઈ ખેડૂત પત્નીઓ મદદ કરવા ખેતરે ગઈ છે, કોઈ ઘરનાં કામમાં મશગુલ છે તો છોકરાઓ નિશાળે ગયા છે. નાના ભૂલકાઓ ફળી કે શેરીમાં રમીને બચપણ વિતાવે છે. નિત ક્રમ મુજબ પ્રભાતગીરી ખભે લોટની જોળી નાખીને હાથમાં લોટનો ચાટવો ( લોટ ભરવાનું પાત્ર) લઈને ભિક્ષા અર્થે નીકળ્યા છે. “ જય સીતારામ ” બોલતા જ્યાં છે ને ઘરે ઘરે ફરીને લોટ કે અનાજ ને જોળીમા નાખતા જાય છે.
યુવાન તેજીલો ને ક્રાંતિકારી દેહ, ચંદ્રમાના તેજ જેવું મુખ પર તેજ, કપાળે ત્રિપુંડ અને મોઢે સરસ્વતીએ બક્ષેલા અવાજે ઘરે ઘરે ફરે છે.
‘ જય સીતારામ’ કહીને તે એક ઘર પાસે આવીને ઉભા રહે છે. અંદરથી એક મહિલા હાથમાં લોટનો વાટકો ભરીને બહાર આવે છે. નજર નીચે ઢળેલી છે. પ્રભાત ગીરી પણ, આગંતુક લોટ આપે કે લઈને નીકળી જવાની પેરવીમાં છે. એક નજર આંગતુક સામે પડી. અને આવનાર મહિલાએ પણ એક નજર તેના પર કરી. નજરોનું અનુસંધાન જોડાઈ ગયું. નજરો તો જાણીતી હતી, મીલાપમાં આલાપ છેડાયો. નજરો એકબીજાનું ઊંડાણ માપવા લાગી. મહિલાના હાથમાં રહેલ લોટનો વાટકો તો ચાટવામાં ઢળી ગયો પણ એના હાથ સ્થિર થઇ ગયા. અંગો પરનો કાબુ જાણે કોઈ અજાણી ઇન્દ્રિયો એ લઇ લીધો ! નજરો એકબીજામાં ખુપી ને એકરસ બની ગઈ. સ્થિત, તાલ, શાન , માન કે પાન બધું વિસરાઈ ગયું. એક્કાર સર્જીને જે ઘડીનું નિર્માણ થયું તે અલૌકિક અને ના માનવામાં આવે તેવું હતું.
નજરો આંખોથી વેગળી બનીને નિરકુંશ બની ગઈ. હાથની લગામો છૂટી ગઈ. બેયની આંખો એકબીજામાં એટલી ઊંડી ઉતરી ગઈ કે સમયનું પણ ભાન ના રહ્યું; પળો પર પળો વીતવા લાગી. બંને તો એવા અવાચક બની ગયેલા કે જાણે મુદડા જોઈ લો ! એક કાગડાની નજર લોટ પર ગઈ અને તેની ચાંચ પર રસ વહન તીવ્ર બન્યું. લોટ ખાવા માટે એકદમ નજીક ગયો. કાગડાની હોશિયારી ને ત્વરા તો જગ મશહુર ! તેણે અનુમાન લગાવ્યું કે બંને તો મડદા બની ગયા છે આથી તરાપ મારીને એક ચાંચ લોટનો ફાંકડો મારી લીધો.
પણ આ શું ? તાજ્જુબ, કોઈએ કશું ના કર્યું. આથી ફરી વાર તેને લોટની જયાફત ઉડાવી. કોઈ મોટું તીર માર્યું હોય તેવા નશામાં બીજા ઘણા બધા કાગ મિત્રોને કહી ફર્યો. કાગડાની ટોળી તો લોટની મોજ ઉડાવે છે. ઘણા બધા કાગડાનો કાઉં કાઉં અવાજ આવ્યો કે અંદરથી એક ડોશીમાં બહાર આવ્યાં; અને જે નજારો દેખાયો તે જોઇને ચક્કર ખાઈને ઢળી પડયા. તેમના પડવાના અવાજે બેયનું ભાન પાછું આવ્યું. મિત્રો પછી શું બન્યું હશે તેનું વર્ણન તો કેમ કરી શકાય !
જે બીના બની ગઈ તે ગામ માટે નાની નહોતી. ગામમાં ફક્ત એકજ ચર્ચા ચાલે છે. કે કેવો નેહ કે હાથ પણ સ્થિર અને આંખો પણ સ્થિર, જાણે લાશો !
બીજા દિવસે સવારે તો કુવામાં બે લાશો તરતો દેખાઈ.

મુખવાસ :  જે વ્યક્તિ ની જરૂર હોય ત્યારે તે સર( Sir ) બની જાય છે
અને નકામો બને ત્યારે બેસુર બની જાય છે.

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s