મને છોડાવો

ગયા અઠવાડિયે અહીની એક જૂની માર્કેટ “ ઈરાની માર્કેટ ” માં ખરીદી કરવા ગયેલા. લોક વાયકા મુજબ કતાર દેશની આ ઘણી પ્રાચીન માર્કેટ છે. ઈરાની વેપારીઓની બોલબાલા હોઈ માર્કેટનું નામ “ ઈરાની માર્કેટ ” પડી ગયું. આ માર્કેટની ખાસિયત એવી છે કે તેને એવી રીતે બનાવી છે કે, ઉનાળામાં પુષ્કળ ગરમી હોય તો પણ ગરમી નથી લાગતી. આ માર્કેટમાં લગભગ બધી વસ્તુ મળે છે.  ખાસ કરીને ડ્રાય ફ્રુટ અને ખજુર માટે ખુબ જાણીતી છે. અહિયાં જાત જાતના પક્ષીઓ અને એક્વેરિયમ વેચાય છે. એક્વેરિયમમાં નાના કાચબા મેં પહેલી વાર જોયા. પણ પાંજરે તડફડતા પક્ષીઓને જોઈ, મારો જીવ થોડો દુભાયો. જેના ફળ સ્વરૂપ આ રચના બની શકી છે. વાચક મિત્રો આ ફક્ત કલ્પના છે, કોઈના દિલને દુભાવવાનો કે બીજો કોઈ ઈરાદો નથી. પણ આપના સુચન રૂપે કોમેન્ટ જરૂર લખશો.

મને છોડાવો

વરસાદની મોસમ પૂરી થઇ ગઈ છે. આકાશ હવે એકદમ સ્વચ્છ ભાસે છે. ફરી આકાશમાં મુક્ત મને વિહરતા પક્ષીઓ ઉડવા લાગ્યા છે. ખેતરોમાં બાજરી કે જુવારના છોડે વળગેલ ડોડા; લથબથ મોતીઓ જેવા બીજથી ચમકે છે. પક્ષીઓ ડોડામાં ચાંચ મારીને દાણાઓની લજ્જત માણે છે. ચકલા ને હોલા, કબૂતર ને પોપટ, કાગડાને કોયલ પણ આવે છે. આવા પક્ષીઓમાંની એક ચકલી દાણા ખાઈને સતુંષ્ઠ થતી પોતાના માળામાં આવે છે. પોતાનાં બચ્ચાને ચાંચમાં દાણા આપીને હરખાય છે. રોજના ક્રમ મુજબ વળી તે ગામના જાગીરદારના ઘરે જાય છે. જો કે પક્ષી કે પશુ માટે જાગીરદારનું ઘર હોય કે સામાન્ય વ્યક્તિનું ઘર; બધુંજ સરખું. માળાથી વિશેષ પક્ષીઓની કોઈ દુનિયા નથી. વધુ તો તે ચકલી રોજ જગીરદારના ઘરે એટલાં માટે જતી કે; તે ઘરે એક પોપટ રહેતો હતો. રોજ તે પોપટ સાથે હાઈ હલ્લો કરે અને એક બીજા સામે મલકાય.
આજે પણ ચકલી આવીને પોપટના પીંજરા પર બેઠી. અને પોપટને બોલાવ્યો. પોપટે હાઈ કર્યું પણ એમાં કોઈ ઉષ્મા નહોતી. શુષ્ક હાઈ સાંભળીને ચકલીને થોડી નવાઈ લાગી. આથી તે ચુપ ના રહી શકી. પોપટનું નમાલું મસ્તક જોઇને તેનું દિલ દ્રવી ઉઠ્યું.
“ પોપટ રાય, કેમ આજે ઢીલા ઢીલા છો ? ”
“ કશું તો નથી. ”
“ હું ભોળી જરૂર છું પણ એટલી અબુધ તો નથી ”
“ મેં ક્યાં કહ્યું કે તું અબુધ છે. મારા કરતા પણ હોશિયાર છે. ”
“ ઠીક છે તારે કશું ના કહેવું હોય તો કોઈ વાંધો નહિ. પણ મને એમ થયું કે રોજ તને હાઈ હલ્લો કરવા આવું છું તો. તને ઢીલો પડેલો જોઈ પૂછી લીધું. ”
“ એ તો મારા અહોભાગ્ય કે તેં મને પૂછ્યું, શું કરું ? ” કહીને પોપટે એક લાંબો નિશાસો નાખ્યો.
“ આપણે તો પક્ષીની જાત મનુષ્ય જેટલા બુદ્ધિશાળી નથી. પણ આપણે તો મુક્ત બનીને આકાશમાં ઉડવા વાળા અને જંગલમાં રહેવા વાળા. અમે તો ખેર કોઈ ઘરમાં પણ માળો બનાવીને રહીએ. પણ તમારી જાત વાળા તો બધા ઝાડ પર રહીને જીવે. ”
“ મારું દુખતી નસ દબાવી દીધી ચકી બેન તમે. ”
“ મારા ભાઈ…બેન બનાવીને તેં મને મહાન બનાવી દીધી. હવે જો મારી આગળ તારો ભાર હળવો ના કરે તો જ નવાઈ. ”
“ તું આટલું જાણે જ છે તો બીજું શું કહું ? ”
“ ભાઈ, બેન પાસે દિલની વાત ખોલવાથી ઘણી રાહત મળે છે; એવું મેં મનુષ્યોના મોઢે સાંભળ્યું છે. ” કહીને ચકલી થોડી વધુ નજીક બેઠી.
“ ઠીક છે બેન, તો સાંભળ મારી કહાની. ”
“ કહાની ?? ”
“ હા, મનુષ્ય લોકો પોતાની વીતીને મતલબ આપવીતી ને કહાની પણ કહે છે. ”
“ ઓહ…સારું તો એક કામ કરું હું મારા બચલાને થોડું પાણી પાઈ આવું. પછી બેય નિરાંતે વાતો કરીએ. ”
“ જા જઈ આવ, પછી તને બધી વાત કહું. ” પોપટે જવા કહ્યું એટલે ચકલી પોતાના માળે જવા માટે ઉડી. એક ખાબોચિયામાંથી પાણીની ચાંચ ભરીને વળી પોતાના માળે પહોંચી ગઈ. ઉડતા ઉડતા પણ તેના મનમાં પાંજરે પુરાયેલ પોતાના ભાઈ પોપટના વિચાર આવે છે. આથી જલ્દી જલ્દી પોતાની ચાંચને પોતાના બચ્ચાની ચાંચમાં રેડીને પાછી પોપટના પાંજરે આવીને બેસી ગઈ.
“ બહુ જલ્દીથી આવી ગઈ બેન ? ”
“ હા, હવે જટ વાત કહેવા માંડ, મારી બેચેની વધી ગઈ છે. ”
“ સારૂ, હું બાજુના ગામથી થોડે દુર એક અંબાવાડીમાં રહેતો હતો. મારે પણ માંબાપ હતા. મારી માં કહેતી કે હું ખુબ દયાળુ છું. આજથી થોડા મહિના પહેલા મને ઉડીને બીજી જગ્યાએ જવાનું મન થયું. આથી હું અને મારો મિત્ર ઉડતા ઉડતા એક શહેરમાં પહોંચી ગયા. લોકો તો બસ ભાગ્યે જ જાય. કોણ જાણે કોણ કોની પાછળ ભાગે છે. ”
“ એમ એવું વળી ? ”
“ હા, એકલા વાહનો અને લોકો કીડીયારા જેમ ઉભરાય. મને તો પાછું આંબાવાડીયામાં જવાનું મન થઇ ગયું. મારો મિત્ર તો કંટાળી ગયો; મને પાછા જવા કહ્યું. આથી મને પણ તેની સાથે પાછા આંબાવાડીયામાં જવાનું મન થયું. બેય ઉડ્યા અને જેવા શહેરના છેવાડે ગયા હઈશું કે; એક ઘરમાંથી કેટલાયે પોપટના બોલવાનો આવાજ આવ્યો. આથી મને ખુબ ઉત્સુકતા આવી કે અવાજ તો ઘણા પોપટનો આવતો હતો. આથી મેં મિત્રને ત્યાં જવા માટે કહ્યું પણ મિત્રને તો અમારું આંબાવાડીયુ યાદ વાઈ ગયેલું; આથી તે ના માન્યો. પણ મારું મન ત્યાં જવા માટે ખુબ વ્યાકુળ હતું. આથી મેં તેને જવા દીધો અને હું એકલો ત્યાં ગયો. ” એક શ્વાસે પોપટ બોલતો હતો.
“ પછી શું થયું ? ” એકી ટશે સાંભળતી ચકલીએ પૂછ્યું.
“ મેં તો ત્યાં જઈને જોયુ તો એક મોટો ઓરડો હતો. તેમાં આવા કેટલાયે પિંજારા લટકતા હતા. અને એમાં જાત ભાતના પોપટ પૂરેલા હતા. આથી હું છેક અંદર ગયો અને મેં અમુક મારા જાત ભાઈઓને પૂછ્યું ”
“ તેમણે શું કહ્યું ? ”
“ એજ કે તેમને કોઈ મનુષ્યે પકડીને પાંજરામાં પૂરી દીધા છે. ખાલી દાણા, મરચા અને ડુંગળી આપીને જીવાડે છે. નથી તો મુક્ત ગગન વિહાર કે નથી તો મ્હોરતી કેરીનો આસ્વાદ ! ”
“ તારી વાત સાચી છે ભાઈ, મુક્ત બનીને ઉડવું તો આપણી જીંદગી છે. હં તો પછી શું થયું ? ”
“ બધાની વાતો સાંભળીને હું તો હેંગ થઇ ગયો. ના બોલું કે ના ચાલુ. એટલામાં એક વ્યક્તિ આવી અને મને પકડીને પાંજરામાં પૂરી દીધો. ”
“ અરે એવું તો કેવું ? આપણે એમ સહેલાઈથી મનુષ્યના હાથમાં ના આવીએ તેવું તો આપણને ભગવાને વરદાન આપેલું છે. ”
“ તારી વાત માનું છું; પણ હું તો એકદમ અવાચક બની ગયેલો ત્યાં ! ને હું પણ બીજા પોપટ જેમ અંદર પુરાઈ ગયો. પછી મને ખબર પડી કે એ વ્યક્તિ નો વેપાર જ અમને લોકોને પૂરીને વેચી દેવાનો ? ”
“ વેચી દેવાનો ? ”
“ હા બેન હા વેચી દેવાનો. આ ઘરનો જે મોભી છે તે એક દિવસ ત્યાં આવ્યો અને મારી ખરીદી કરીને અહી લઇ આવ્યો. ત્યારથી આ પિંજરે પુરાયો છું. જે આપે તે ભાવે કે ના ભાવે બસ પાંખો ફફડાવી મનને મારું કે જીવાડું છું ! ”
“ ઓહ ભાઈ, તારું જીવન તો એકદમ દુઃખમય છે. મને તો એવું હતું કે તું પણ મારી જેમ માળામાં રહેતો હઈશ. આજથી તું મારો ભાઈ અને હું તારી બેન. મારા બચલાની કસમ ખાઈને કહું છું કે એક દિવસ તને આમાંથી મુક્ત કરાવીશ. ”
“ ના, બેન એવી કસમ ના ખા. માંડ એક બેન વાત કરવા વાળી મળી છે એને હું ખોવા નથી માંગતો. ”
“ ઓકે, કસમ નથી ખાતી પણ એક વચન આપું છું કે મને આંચ ના આવે અને તું છૂટી જાય એવું કરીશ. ”
“ અરે રે મારી ભોળકી બેન; હવે ઘરે જા તારું બચલુ રાહ જોતું રડતું હશે. ”
“ સારું, હું ફરી કાલે આવીશ હજી તારે દિલને હળવું કરવાની જરૂર છે. ” કહીને ચકલી જતી રહી.
પાછળથી પોપટ વિચારવા લાગ્યો કે આતે કેવા પોતાના પાપ કે આઝાદીમાંથી કેદમાં આવી ગયો ! જેલથી પણ બદતર ? અરે માનવ પોતે જેલમાં જાય ત્યારે કેવી સજાને આધીન થઈને રહે છે. તો મારી પીડા કેમ નથી સમજતા ? તેમને તો કોઈ ગુનાની સજા રૂપે જેલમાં ધકેલવામાં આવે છે જયારે મારો તો કોઈ ગુનો બતાવે ! કોને ખબર મને મરચા બહુ ભાવે એવું ભૂત એમનાં મનમાં કોણે નાખી દીધું છે ? આમને આમ કરીને જીવ બાળતો અને મનને કોસતો પોપટ દિવસો પસાર કરે છે. નવી બનેલી બેન ચકલી કયારેક કયારેક આવે છે અને વાતો કરીને દિલને શાતા આપતી જાય છે. આમજ એક દિવસની સાંજે પોપટ પાંજરામાં પાંખો ફફડાવતો બેઠો છે. અને તેની બેન ચકલી અને એક વિચિત્ર જાતનું પક્ષી આવ્યું.
“ બેન આ કોણ છે ? ”
“ તને મુક્તિ અપાવનાર ”
“ શું વાત કરે છે ” અને તે ચીચીયારી કરવા લાગ્યો.
“ બહુ ઘેલો ના થા, હું તો આને લઇ આવી છું. એની ચાંચ બહુ મજબુત અને વાંકી છે. જો એ તારા પિંજરને ખોલી દે તો; તું ઉડીને ભાગી છુટજે. ”
“ પણ પિંજરાનું હુક બહુ મજબુત હશે. ”
“ પોપટ, તું એની ચિંતા ના કર મને એક તક આપ. બની શકે કે મને પણ પ્રાણીઓના ગરુડરાજ કોઈ ઇનામ આપે. ”
“ ઇનામ તો મારી માં પણ આપશે..પ્રયત્ન કર અને મને છોડાવ ભઈલા. તારો ઉપકાર હું કદી નહિ ભૂલું. તને રોજ રોજ કેરીઓ ખવડાવીશ. ”
“ એ બધી પછી વાત, પહેલા મને મારું કામ પતાવવા દે. ” કહીને તે પિંજારા પર આવ્યું. દુર બારી પર બેઠી બેઠી ચકલી બધો તમાશો જોવા લાગી. એક પળમાંતો અજાયબ બની ગયું. પીંજરનો હુક આસાનીથી ખુલી ગયો. અને ધીરેથી તેણે પીંજરાની બારી ખોલી દીધી.
“ જો જે કોઈ જોઈ ના જાય ભાઈ, અને ધીરેથી ઉડજે. ”
“ તું ચિંતા ના કર બેની, બધાં કોઈ ડીટેકટીવ ફિલ્મ જુએ છે. ”
લાગ જોઇને પોપટ ઉડયો સાથે ચકલી અને તેનો મિત્ર પણ ઉડયો.
“ હું તમારા બે નો ઉપકાર કદી નહિ ભૂલું. અને બેની હું દર ભાઈ બીજે તારા અને બચલા માટે ઘણા ફળો લઈને ચોક્કસ આવીશ. ” કહીને પોપટ તો પોતાના આંબાવાડિયા બાજુ જવા ઉડી ગયો.
બેયે જોયું કે પોપટની પાંખોમાં જે ખુશી હતી; તે એવી હતી કે આખા સંસારની ખુશી તેની પાસે આવીને ભેગી થઇ ગઈ હતી. ઘણા દિવસે પોપટે પોતાની પાંખોને મન ભરીને ફફડાવી.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s