ઓબામાની ઓળખાણ

ઓબામાની ઓળખાણ

સૌરાષ્ટ્રમાં એક જ જંગલ; બહુ નાનુંયે નહીં ને બહુ મોટુ યે નહિ. બહુ પાંખુ ય નહીં ને બહુ ગાઢ પણ નહિ. એવું મજાનું જંગલ એટલે ગીરનું જંગલ ! જંગલનો ઘેરાવો આશરે 260 ચોરસ કિલોમીટરનો છે એટલે નાનુંતો ના જ કહેવાય. એકવાર અમે લોકો સતાધારથી વેરાવળ સુધીની સફર કરેલી. થોડાક મારા લખવાના અને વધુ પડતા કહેવાના ગુણને લઈને મહેલ્લાના છોકરા મારી વાતને લઈને આકર્ષાયેલા. મેં બધું વર્ણન કર્યું પણ એક વાતને મેં જરા ખાંડ વગરની ચા જેવી કરી કે આખા રસ્તે એક પણ સિંહ જોવા ના મળ્યો. અને વાત પણ ખરી હતી. મારો આખો પરિવાર બેય આંખોને જાળા ને ઝાંખરામાં ખોડીને બેસી ગયેલો કે ક્યાંક સાવજ જોવા મળી જાય. એક બે હરણ અને નીલગાયને બાદ કરતા જંગલી ભૂંડ વધુ જોવા મળેલા. જોકે દેખાવે સામાન્ય લાગતાં ભૂંડ આમ તેમ રખડતા હતા. અને અવાજ પણ એવોજ. પણ જયારે ડ્રાયવરે વાત કરી તો બધા ચક થઇ ગયા. “ આ ભૂંડ આપણા ઘરની બહાર ખાંખા ફોળા કરીને કશું ખાતા ભૂંડ નથી, પણ જંગલી ભૂંડ છે; ભીડમાં આવે તો ભલ ભલાને ભારે પડે એવા. ”
વાત તો મહેલ્લામાં મેં એટલા માટે કરી કે આપણા ગુજરાતમાં આવું પણ એક જંગલ છે. જે દુનિયાભરમાં પ્રખ્યાત છે. અને એય ખાસ કરીને સિંહો માટેથી ! સિંહ માટેથી તો કોને ખબર કેટલ કેટલાં નામો પડેલા છે. જેમકે નરકેશરી, વનરાજા, ડાલામથ્થો, ગીરનૃપ, નર ભક્ષક વિગેરે. વધારાના નામો તો તમેય ઘણા જાણો છો એટલે આટલા ઘણા. હું તો ખાલી ગીરના જંગલમાંથી પસાર જ થયો હતો, પણ મહેલ્લામાં તો એવી વાતો થવા લાગી કે જાણે હું ગીરમાં જઈને સિંહનો શિકાર કરી આવ્યો હોય. મહેલ્લાના આધારભૂત ખબરપત્રી એવા મારા પરમ અને ધરમ મિત્ર હકાના જણાવ્યા મુજબ; આમાં મુખ્ય ફાળો જીગાનો છે.
“ અલ્યા જીગલા, ડફોળ, અમે લોકોતો બારીમાંથી પણ માંડ માંડ જોતા હતા. બહુ ચલાવ્યા ના કર. ” મેં જીગાને અમારી પોળની ભાષામાં થોડી આપી દીધી.
“ ટીનો કહેતો કે…..”
“ બસ યાર જીગ્નેશ બસ કર ” મેં તેને આગળ બોલતો અટકાવ્યો અને માનથી એનું નામ લીધું.
વાત તો એટલેથી ના પતી. વાતે બીજું અવળું જ સ્વરૂપ લીધું. કોને ખબર કોના ભેજાનો એ આઈડિયા હશે. ક્યારેક અમે લોકો તળાવની પાળે ભેગા થઈએ. અને ખાસ મોટા થઇ ગયેલા એટલે પકડા પકડી કે પૈડા ફેરવવા જેવી રમતો તો રમાય નહિ. પણ તળાવની પાળ અમારે મન તો ઘણી મહતવની હતી. “ દિલા, હમણા ઘણા સમયથી કોઈ પીકનીક નથી થઇ. ”
“ હાઇસ્કુલ પૂરી થાય પછી પીક્નીકો બંધ વાલીડાવ ! ” મેં કહ્યું.
“ તું હમણા ચુપ રહીશ…તારી સલાહ લેવાની તો થશેજ, ત્યારે બોલજે. ” અશ્કાએ મને ચુપ કરી દીધો. “ તો વાત શું છે ભસીશ કે ? ” વિનાએ ઘાંટો પાડીને ટીનાને કહ્યું.
“ આપણે બધા ગીરમાં જઈએ, પીકનીક ની પીકનીક અને સિંહ પણ જોતા આવીશું. ”
“ ઓહ રે, તે દિવસે જમના પોળમાં ગયો ને ખુબ ભાગેલો તે યાદ છે ને ? ” મેં ટીનાને એક જુનો પ્રસંગ યાદ દેવરાવ્યો કે તે ચુપ થઇ ગયો.
“ ટીનો કુતરાથી ભાગેલો; તે બધા થોડા બીવે છે. ” છાતી કાઢતો નરીયો આગળ આવ્યો.
“ અલ્યા નરેશ, સાપ અને સિંહ માં કોઈ ફેર નહિ ? અમે જાણીએ કે તું સાપમાં ખેલાડી પણ સિંહમાં……હમ….? ” બાજુની પોળ વાળા રઘાએ નરીયાને ચુપ કર્યો. એટલે મને થોડી હાશ થઇ કે કાશ આ પીકનીકની વાત ઉડી જાય. હું સિંહ ના બીવાના કે ભાગવાના વિચાર તો હજી મનમાં લાવી શકયો નહોતો, પણ ઘરેથી રજા ના મળે તેની બીક વધુ લાગી હતી. ઘાસમાંથી ખડમાકડી નીકળે તેમ સળવળતો હકો બોલ્યો. હકો બોલે એટલે મારે ઘણી વાર સાંભળવાનું જ હોય.
“ બીજું બધું તો ઠીક પણ ડીસ્કવરી ચેનલમાં બતાવે છે તેમ સિંહ કઈ કાંકરિયા ની જેમ પૂરેલા ના હોય. અને એને જોવા માટે કોઈક જાણીતો સાથે જોઈએ. ”
હકાએ જે વાત કરી તે વિચાર માંગી લે તેવી હતી. અને મને પણ બોલવાની તક મળી ગઈ.
“ હા હકા, પ્રોગ્રામ બંધ; ચાલો ઘરે… ” ને હું ઉભો થયો.
“ તું બેસ તો.. ” ને ટીનાએ મને બેસાડી દીધો.
“ થોડું થોડું મને યાદ છે કે રઘા તારી પોળમાં પેલા, દેવાને ત્યાં કોઈ મિત્ર તાલાળાથી આવેલો. ”
“ તેના ગામની કેરી દેશ પરદેશમાં વખણાય છે એની મને ખબર; પણ તાલાળાની મને ખબર નથી. ”
બસ આટલી કળ મળે કે પછી અમારા વાળા એકેય જાલ્યા રહે નહિ ! ગમે તેમ કરીને દેવા ને પણ પીકનીક માટે મનાવી લીધો; અને બીજા રવીવારે જ પીકનીકનું નક્કી થયું.
બધાના નસીબ પણ જુઓ; ઘરેથી રજા મળી ગઈ. એકલા જીગાને બાદ કરતા બધા એ પીકનીકમાં જોડાવા નક્કી થયું. અને એના માટેની તૈયારીઓ પણ થવા લાગી. જીગો બુમ પાડીને મને શાંત પાડતો હતો તે બિચારાને એને જ પીકનીક કેન્સલ. શનિવારની રાતે વળી બધા તળાવની પાળે ભેગા થયા. અને પાકા પાયે જવાનું નક્કી હોઈ, વહેલી સવારે જુનાગઢની બસમાં જવા માટે વ્હેલા વ્હેલા સુઈ પણ ગયા.
જુનાગઢથી વિસાવદર ગયા ને ત્યાં જઈને પૂછ્યું તો કોઈએ કહ્યું કે તાલાળા જવા માટે પ્રાયવેટ વાહનો મળી જશે. હેમખેમ તાલાલા પહોંચી ગયા અને એક સામાન્ય હોટેલમાં ધામા નાખ્યા. રૂમમ બધા ગયા ત્યારે લગભગ અંધારું થઇ ગયેલું, થાક પણ લાગેલો આથી બધા જેમ તેમ રૂમમાં ગોઠવાઈને સુઈ ગયા. અમારી ટોળી જ્યાં જાય ત્યાં કંઈક ને કંઈક ધમાલ ના થાય તો નવાઈ ! સૌથી પહેલો વિનો ઉઠી ગયો. કોઈએ કહ્યું કે “ બહાર જવાની વાર છે સુઈ જા ” એતો કોઈનુંય સાંભળ્યા વગર એક હાથ પેટ પર રાખીને સીધો સંડાસમાં ભાગ્યો. એ ગયા પછી જે ધડાકાઓ સંભળાયા કે બાકીના પણ બધા જાગી ગયા. ટીનો, દિલો, હકો, નરીયો,હું, વિનો, દેવો, અને અશોક થઈને અમે કુલ આઠ વ્યક્તિઓ. રાત્રે તો ઠંડીને લીધે અંડાકારે સુઈ તો ગયા પણ રૂમમાં એક જ બાથરૂમ. આઠ ને તૈયાર થતાં તો વાર લાગેજ. હવે થયું એવું કે અમે પાંચ જણે નહિ લીધું કે બાથરૂમનું હિટર બગડી ગયું. નારિયો બાથરૂમમાં અને હિટર ખરાબ.
“ અલ્યા હકા, આટલી ઠંડીમાં, આવા પાણીએ તું નાહ્યો ? ”
“ ના રે, મજાનું ગરમ ગરમ પાણી કેવાનું છે. ”
“ બુધિયા, અહી આવીને જોઈ જા. ” એક નવું નામ પાડીને નરીયો હકાને બાથરૂમમાં રિયો રિયો ભાંડવા લાગ્યો.
આથી હકાને નરીયાની દયા આવી તો હોટેલના માલિકે કહ્યું કે “ નીચે બથારુમમાંથી પાણી લઈલો. ” હકો, એક ગરમ પાણીનું તપેલું લઈને નરીયાને આપવા ગયો. અમે લોકો વિટામીન ડી ને ચામડીમાં ઓગળતા હતા. તો કોઈએ હકાને તપેલું લઈને જતા જોયો કે ઉભો રાખ્યો. હકાએ ટૂંકમાં પતાવીને વળી રૂમ બાજુ ભાગ્યો. આ બાજુ નરીયો તો જેવું તપેલું આવ્યું કે ઠંડુ પાણી ઉમેરીને ફટાફટ નાહીને અમારી પાસે આવવા તલપાપડ હતો. ટમલર ભરીને શરીર પર ઢોળ્યું કે “ ઓ માં રે ” એવી બુમ અમે સાંભળી.
“ અલ્યા, લાગે છે સાવજ બાથરૂમમાં ઘુસી ગયો લાગે છે, ચાલો રૂમમાં ” વિનો તો ભાગ્યો. એની પાછળ અમે પણ ભાગ્યા. પણ જેવા થોડા આગળ ગયા કે નરીયો તો નીતરતા પાણીએ અમારી બાજુ આવે. કોઈની સામે જોયા વગર સીધો અમે લોકો બેઠેલા ત્યાં પહોંચી ગયો.
“ હકલા, તારે પાણી નહોતું આપવું તો કઈ નહિ પણ ઠંડુ કેમ આપ્યું ? હું તો મરી ગયો ” ધ્રુજતો ધ્રુજતો નરીયો હકાની પાછળ દોડ્યો. અમે એને શાંત પાડ્યો.
હાકાને અમે ગરમ પાણી લઈને જતા જોયેલો. પણ કોઈનો વાંક નહોતો, ખુબ ઠંડી હતી આથી ગરમ પાણી ઠંડુ બની ગયેલું અને એમાંય વચ્ચે અમે લોકોએ તેને ઉભો રાખેલો. આમાં અમને ટીખળ થઇ જાય અને આનંદ મળી રહે ! મજા તો બીજા દિવસે આવી.
એક પ્રાયવેટ વાહનમાં, અમને દેવાનો ભાઈ કનકાઈ લઇ ગયો. રૂડું મજાનું સ્થળ, ઝરણા જેવી નદી વહે, એક બાજુ કનકાઈ માનું મંદિર. દેવાના ભાઈ વિહલે અમને ચેતવી રાખેલા કે અહિયાં સાવજની ધક ખરી. જતા આખા રસ્તે બધાએ જોયું પણ ક્યાંક સાવજ ના મળ્યો જોકે સિંહ જોવા જવાનો પ્રોગ્રામ તો બીજા દિવસે હતો. પણ એક કુદરતી વાતાવરણ અને એકાંતમાં સુંદરતાને મનમાં અને આંખમાં ભરીને અમે પાછા વળ્યા. પાછા વળતા અમારો ટીનો થાકી જવાથી ઊંઘી ગયો અને ઊંઘમાં જ સપનું આવ્યું. સાંજે જમીને બધા ગપ્પા મારવા બેઠા કે ટીનાએ પોતાના સપના વાળી વાત કરીકે અમે લોકો તો એવા હસ્યા કે ઊંઘમાં પણ હસતા રહ્યા. એનું સપનુ કંઈક આવું હતું.
વિહલ બધાને લઈને ખુલી જીપમાં સિંહ જોવા લઇ ગયો. ઘણું ફર્યા છતાં સિંહ ના દેખાયો તો વિહલ બધાને થોડા ગાઢ જંગલમાં લઇ ગયો. અને થોડા આગળ ગયા હશે કે એક માતેલો સાંઢને પણ ભરખી જાય એવો સિંહ દેખાણો. સિંહને જોઇને તો મારા છકકા છૂટી ગયેલો તો હું તો સીધો જીપ બાજુ ભાગેલો અને બીજા ચાર મને જોઇને ભાગેલા. હકાએ કહ્યું કે “ “વીહલ, સિંહ તો એકદમ નજીક આવી ગયો જલ્દી ભાગો. ”
“ ના રે…બીવો નહિ… ”
“ શું બીવો નહિ; તું પછી પેલા જોક્સ જેવું ના કહીશ કે સાલું સિંહ તો બહેરો છે. ” દેવાએ એને ટપાર્યો. એટલે એણે ભાગવા કહ્યું. પણ ટીનો કોઈનું ના માન્યો. તો આ બાજુ સિંહ પણ મૂડમાં આવી ગયો કે કોઈતો માથાનું મળ્યું. આથી તેને તરાપ મારવાની ટ્રાય કરી કે ટીનો ભાગ્યો. એ આગળ ને સિંહ લપછતો લપછતો પાછળ ભાગે. ટીનો તો એક જ શ્વાસે આવીને જીપમાં ભરાઈ ગયો. અને બધી વાત કરી. અને એટલો ભોળો કે સપનામાંય પેન્ટ ભીનું થઇ ગયેલું તે અમને બતાવ્યું. પણ સિંહ વારંવાર કેમ લપસી જતો તે સવાલ અમને કોઈને ના થયો. લો બોલો કેવી ટીખળો !!!
બીજા દિવસે બધા સિંહ દર્શન માટે ઉપડ્યા. ખુલ્લી જીપમાં હકો આગળ અને હું વચ્ચે. ટીનો તો ખાલી બે આંખ દેખાય એમ લપાઈને જુએ. અમારા નસીબ સારા કહો કે ટીનાના ખરાબ, દુરથી અમે સિંહ જોયો. પહેલી વાર સિંહને કુદરતી રીતે હરતો ફરતો જોવાનો આનંદ મળ્યો. પછી બધા એક જગ્યાએ બપોરનું જમવા માટે રોકાયા. હકો અને દિલો ખબર નહિ થોડી વાર માટે છટકી ગયા. થોડે આગળ ગયા કે દિલો પણ એકલો પડી ગયો. દિલો શાહરુખ જેમ સ્ટાઈલ થી બે હાથ પહોળા કરીને ઉભો રહ્યો કે એ જમીન સાથે જડાઈ ગયો. ઓબામા તો એની સામે આવતા હોય તેવું લાગ્યું. “ અરે, ઓબામા અહીં ? આવડા મોટા દેશનો નેતા, આમ મને પણ મળી જાય એવું તો કલ્પી પણ કેમ શકાય ? ” એમ વિચારતો દિલો બાઘાની જેમ ઉભો રહી ગયો. પેલો તો આવીને તેની સામે ટગર ટગર જુએ છે. આથી દિલાને થયું કે લાવ ને તેમના ખબર અંતર તો પૂછું. એમ વિચારી તેમની સામે જોઇને પૂછ્યું
“ હાઉ આર યુ સર ? ”
પણ પેલો તો કઈ ના બોલ્યો કે દિલા એ ફરી તૂટ્યું ફૂટ્યું અંગ્રેજી વાપર્યું. “ વ્હાય યુ ઓન્લી અકેલા ? ”
“ ધામ્ષા ” એવી જોરથી ઓબામાએ બુમ પાડી તો દિલાને થયું કે ઓબામા બી ગયા લાગે છે; અને એના કોઈ અંગ રક્ષકને બોલાવે છે. એટલામાં કોઈ એક વ્યક્તિ દોડી આવી.
“ અલ્યા, જુ ને આ ભુન્ધીયો કોક અંગ્રેજીમાં ગાઈરું બોલતો લાઈગેશ. ”
દિલો તો ખુશ થઇ ગયો કે સાલું નરેન્દ્ર મોદી પાકા ખરા, એ અંગ્રેજી ના શીખ્યા પણ આને ગુજરાતી બોલતો કરી દીધો.
“ ભુન્ધીયો ….? ” એમ દિલો બોલ્યો કે એકે બુમ પાડી કે દુર થી હાથમાં લાકડાને ગાડાના આડા લઈને પાંચ છ માણસો આવતા દેખાયા. આથી દિલાને થયું કે પોતાના ભુક્કા. આ લોકોનો કોઈ ભરોષો નહિ, સદ્દામ ને એના દેશમાં જઈને ય મારેલો. બે હાથની મુઠ્ઠીઓ વાળીને દિલો સીધો અમારી પાસે. અને બધી વાત કરી.
“ અલ્યા દિલા એ ઓબામા નહિ પણ સીદી હશે. આહીં કેવો ઓબામા ? ગીરના જંગલમાં ઘણા સીદી લોકો રહે છે જે આફ્રિકન હોય એવા લાગે. ” વિહલે ચોખવટ કરી કે અમારો હકો અને વીનો તો જમીન પર આળોટવા લાગે એટલું હસ્યા.
ભલી થઇ ઓબામાની ઓળખાણ !!

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s