અનોખી જોડી

અનોખી જોડી

પોલીસની ગાડીઓના સાયરન ચારેબાજુ બધાને ચેતવી રહ્યા છે. રોડ પર અને શેરીઓમાં પણ ભાગંભાગ મચી ગઈ છે. લોકો અફડા તફડી મચાવે છે. બધા પોલીસના મારથી બચતા ભાગી રહ્યા છે. કોઈની કોઈને પડી નથી. અચાનક નાના એવા તોફાને શહેરમાં કર્ફ્યું લાગી ગયો છે. દુકાનો વાળા દુકાનો બંધ કરીને ઘરે જાય છે. નોકરિયાત વર્ગ પણ ઓફિસો છોડીને નાસી જાય છે. નાના છોકરાઓને બગલમાં દબાવતી મહિલાઓ પણ ભાગે છે. આવામાં ભાગતી ભાગતી એક છોકરીનો પગ બીજી છોકરી પર પડ્યો.
“ દેખાતું નથી, કે હું અહી બેઠી છું ? ” પેલી ચિલ્લાઈને બોલી.
“ અરે માફ કરજો, હું તો અંધ છું પણ તમે કેમ અહી બેઠા છો ? તમે સાંભળ્યું નહિ કે શહેરમાં કર્ફ્યું લાગી ગયો છે ? ”
“ મારે પણ ભાગવું છે પણ કેમ ભાગું ? ”
“ કેમ કોઈ વજનદાર કે મોંઘી વસ્તુ છે જોડે ? ”
“ હું તો એક ભિખારણ બાઈ છું. એક અકસ્માતમાં અડધો પગ ખોઈ બેઠી છું. ”
“ ઓહ હું પણ તારા જેવી જ છું. આમ બેસી રહેવાથી તો પોલીસ પકડીને જેલમાં પૂરી દેશે. ”
“ મોટી જેલમાંથી નાની જેલમાં જવાનું થશે. ” કહીને તેને બળાપો કાઢ્યો કે એક પોલીસ વેન એકદમ નજીક આવી. લાઉડ સ્પીકર ગરજતું હતું ‘ રોડ, ફૂટપાથ બધું ખાલી કરો, નહિ તો દશ મિનીટ પછી અમારે ના છુટકે કડક પગલા લેવા પડશે. ’
“ જુઓ વિચારવાનો બહુ સમય નથી, ચાલો હું તમને ટેકો આપું છું; તમે મને શેરીમાંથી ભાગવામાં મદદ કરો ” કહીને પેલીએ તેનો એક હાથ પકડીને ઉભી કરી. બીજો હાથ પોતાના ખભે રાખીને ચાલવાનું ચાલુ કર્યું. બંને ધીમે ધીમે મુખ્ય રોડ વટાવીને એક એક નાની શેરીમાં આવી ગયા.
“ અહી કદાચ પોલીસ નહિ આવે, અને મારો પગ પણ દુખવા લાગ્યો છે. ”
“ મને તો કેમની ખબર પડે પણ તમારા ભરોસે દોરાઉં છું. બાકી તો કોણ જાણે ભટકાતી ભટકાતી ક્યાંય જાત ! ”
“ લાગે છે આ જગ્યા થોડી સુરક્ષિત છે, પણ છતાય થોડી વાર પછી બીજે જતા રહીશું. ”
“ ક્યાં ?? તમે ક્યાં રહો છો ? ”
“ હું તો આપણે જ્યાંથી ભાગેલા ત્યાજ ફૂટપાથ પર જ સુઈ રહું છું. એક જોડી કપડાને બે ત્રણ વાસણ હતા તે એક કોથળીમાં ભરીને એક દુકાનની છત પર મુકાવી દીધા છે. અને તમે ? ”
“ હું પણ ત્યાંથી થોડે આગળ એક નાની માર્કેટ છે ત્યાંજ રહું છું. દિવસે માંગીને પેટ ભરું છું તો રાત્રે એજ માર્કેટની સીડી નીચે સુઈ જાઉં છું. ”
“ ઓહ…..વાહ રે ભગવાન !! ”
“ હવે ક્યાં જઈશું ? આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જવાશે નહિ. ” કહીને તે નીચે બેઠી. ” લો તમે પણ બેસો, કંઈ વિચારીએ. ”
“ હા, કંઈક તો વિચારવુજ પડશે. ” કહીને તે પણ બેઠી.
“ મારું નામ ગોત્રી છે, ગરીબ માંબાપની એકની એક દીકરી છું. ઘણી મોડી ઉંમરે મારો જન્મ થયેલો. માબાપ બિચારા મરી પરવાર્યા, મજુરી કરીને પૂરું કરતી હતી લગન કરીને ઠરીઠામ થઇ કે વરની ઉપર દીવાલ પડી અને બિચારો મરી ગયો. આથી હું એક એસિડના કારખાનામાં બાટલા ભરવા જતી. એક વાર ઉતાવળે એસિડનો બાટલો મારાથી પડી ગયો ને બેય આંખો ગુમાવી બેઠી; અને સાથોસાથ નોકરી. પછી તો ભીખ માંગવાના દા’ડા આયા.” કહીને અંધ ગોત્રીએ હૈયા વરાળ કાઢી.
“ અરે રે, આતો આવ બાઈ હરખીને આપણે બેય સરખી જેવું થયું. ”
“ કંઈ સમજાયું નહિ ”
“ એજ કે હુંયે ત્યારે ક્યાં કોઈ મોટા ઘરની દીકરી છું. માં બિચારી અડધી પાગલ હતી, આથી કોણ લંપટ એનો લાભ લઇ ગયો ને મને પૃથ્વી પર લાવારીસ બનાવતો ગયો. નામ તો માં એ રૂડું ગુણવંતી રાખેલું પણ ભીખ માંગતી ગુણી થઇ ગઈ છું. હુંયે તારી જેમ મજુરી કામે જતી હતી પણ એક દિવસ ટેમ્પામાં પાછળ ઉભી હતી ને એક મોટા ખાડામા ટેમ્પાનું વ્હીલ ગયું કે હું પાછળથી નીચે પડી ગઈ. અને મારો અડધો પગ ખોઈ બેઠી. ” કહીને ગુણી રડવા લાગી.
“ તમારી વાત સાચી છે, આપણે બેય સરખા. ” ને તે પણ રડવા લાગી. બેયને જોઇને દીવાલો પણ રડમશ બનીને ભેંકારે છે. ઘણી પળો એમને એમજ વહી ગઈ.
“ હવે કશે બીજે જતા રહીએ તો કેમ ? ” ગોત્રીએ પૂછ્યું.
“ હું પણ એવુજ વિચારું છું. તમે કહો ક્યાં જઈશું ? ”
“ મારી તો દુનિયાજ સીમિત છે, તમે જ્યાં લઇ જાવ. તમને ટેકો જરૂર આપીશ. ”
“ ચાલો અહીંથી તો વટીયે, બાકી નથી તો આપણી કોઈ રાહ જોવા વાળું કે ચિંતા કરવા વાળું ” કહીને ગુણીએ ઉભા થઈને ગોત્રીના ખભે હાથ મુકીને ચાલવા લાગી. ચારે બાજુ દ્રષ્ટિને ઘુમાવતી જાય છે, રખેને કોઈ આશરો મળે તેવી જગ્યા દેખાય ! થોડે દુર ગયા કે એક પડી ગયેલું મકાન દેખાયું; આથી તેના મોઢા પર મુશ્કાન છવાઈ ગઈ.
“ એક પડી ગયેલું મકાન દેખાય છે, તમે કહો તો ત્યાં જઈએ, આગે આગે જોયું જશે. ”
“ સારું, પણ એક વાત કહું ? કદાચ આવી રીતે આપણું મિલન એક કુદરતી મિલન છે. આજથી બેય સખીઓ. ”
“ કોઈ વાંધો નહિ ગોત્રીબેન, આમેય હું ટેકા વગર અધુરી છું. ”
“ ને હું દ્રષ્ટિ વગર ” કહીને ગોત્રીએ ગુણીનો હાથ પકડી લીધો.
“ વાહ રે ભગવાન, કયારે શું લઇ લે છે ને ક્યારે શું આપી દે છે ! જાણે છે ? મારી માં મર્યા પછી; આજે પહેલી વાર કોઈએ મારો હાથ પકડીને એક સુંવાળો સહવાસ યાદ અપાવ્યો છે. ” કહીને તે ગળગળી થઇ ગઈ.
“ એમ ઓછપ ના લાવ બેની, આપણે તો જાતેજ રડીને જાતે છાના રહી જવાની ટેવ પાડવી પડે ! ”
“ હા, ઘર આવી ગયું છે જરા સંભાળજે, ” કહીને ગુણીએ જાળવીને ગોત્રીને અંદર લીધી. ખુલ્લી જગ્યામાં બેય બેઠા.
માણસોની હેરફેર બંધ થઇ ગઈ છે. લોકો ઘરમાં પુરાઈ ગયા છે. પોલીસની જીપ અને વેનના અવાજ આવે છે. પંખીઓ પણ ઉડી ઉડીને માળામાં ભરાઈ ગયા છે. કોઈ તો રોડ પર ફરકતું નથી. આવામાં આ બેય અસહાયનું કોણ વિચારે ? કોની પાસે ભીખ માંગે ? કોની પાસે દયા યાચના કરે ?
“ કાળો કાગડોય આસપાસ દેખાતો નથી. ” ગુણી બોલી.
“ આમાં ક્યાંથી દેખાય, કહે તો આજુબાજુમાં તપાસ કરીને કશું માંગી લાવું ? ”
“ ના ના, ભીખ માંગે તેને તો વળી શરમ કેવી ને માન-અપમાન કેવું ? હું તો ભીખ અને ભૂખ બેયથી ટેવાઈ ગઈ છું. ”
“ એ બેજ તો આપણા આભૂષણો છે, સારા ગણો કે નરસા ! હું તો બેય માટે વિચારતી હતી. ”
“ રાતનું તો થઇ પડશે, ચાર રોટલી બપોરની પડેલી તે કાગળમાં વીંટીને લેતી આવી છું; સવારે ઉઠીએ ત્યારે થઇ પડશે. ”
“ વાહ રે શું મગજ દોડાવ્યું છે બેની ”
“ બસ કર ગોત્રી, એક જ દિવસમાં આટલો પ્યાર આપીને મને ગાંડી કરી દઈશ. ”
“ ના ના તને ગાંડી કરીને મારી દ્રષ્ટિ ખોવા નથી માંગતી ” ને બેય હસવા લાગી.
ગુણી અને ગોત્રી પછી તો સાથેજ રહેવા લાગી. આખો દિવસ ભીખ માંગીને વળી પેલા પડી ગયેલા મકાન પર આવી જાય. બેય એકબીજાને સહારે પાકી સખીઓ બની ગઈ. કહેવાય છે કે અમુક ઘટના જીવનમાં વળાંક લાવે !
છો ને તે વળાંક દુઃખદ હોય કે સુખદ !
એક સંધ્યાની પળે, ગોત્રી ગીત ગણગણવા લાગી ‘ પનઘટ છોડી કેમ રે જાઉં જ્યાં આવશે રે નટખટ શ્યામ….’ મધુર શબ્દો હવામાં રેલાવા લાગ્યા. સંગીત અને નૃત્ય એક બીજા સાથે સંકળાયેલા છે. આ બાજુ મધુર શબ્દોએ પોતાની અસરના જાદુ પાથર્યા. એક હાથના ટેકે ગુણી ઉભી થઇ ગઈ અને શબ્દોના તાલે તેના પગ થીરકવા લાગ્યા. ‘ નટખટ શ્યામ આવશે, વાંસળીના શુર રે રેલાવશે….’ સુરો રેલાય છે ને આ બાજુ ગુણી પોતાના પગને કંટ્રોલ ના કરી શકી. કહે છે કે કલા તો છાપરે ચડીને પોકારે, ધૂળથી દટાઈ ના. એક પગે પણ તે જુમી ઉઠી છે. આ વરવું દ્રશ્ય જોઇને ભીંતો પણ સ્થિર બનીને નિહાળવા લાગી. પવન પણ સ્થિર બનીને રોકાઈ ગયો. વાદળા પણ પાણી ભરવા જતા તે સ્થિર બનીને જોવા લાગ્યા. પક્ષીઓ પણ પાંખોને સંકોડી શાંત બની ગયા છે. એવામાં રસ્તા પર એક માણસ પસાર થાય છે તેનું ધ્યાન તે તરફ દોરાય છે; તેના પગ પણ સ્થિર બની ગયા. ગીત ગણગણતી ગોત્રી એ ગાવાનું બંધ કર્યું કે ગુણીના પગ પણ થંભી ગયા.
“ કેમ અલી, ગાને આજે ઘણા સમયે મારાથી નચાઈ ગયું. ”
“ ઓહ, શું વાત છે ? હું તો બસ યાદ આવ્યું તો ગીત ગણગણતી હતી. કાશ મારી આંખો સલામત હોત ! તું એટલી તો ભગ્યશાળી છે કે મારું ગીત સાંભળીને નાચી શકી ! ”
“ એવો અફસોસ ના કર, તારે શું જોવું છે ? હું તને સંજય જેમ વિવેચન કરી ને કહીશ. ”
“ આજે ઘણા ટાઈમે અંધ હોવાનો વસવસો થયો બેની. ”
“ અરે ગાંડી, જેના જીવનમાં પ્રકાશ હોવા છતાં અંધકાર હોય તેને મનને વાળી લેવું પડે ! ”
બંનેનો વાર્તાલાપ સાંભળી રહેલ વ્યક્તિ એકદમ નજીક આવી કે ગુણી બોલાતી બંધ થઇ ગઈ. અને થોડી ભયભીત બનીને આવનાર વ્યક્તિ સામે ટગર ટગર જોવા લાગી. તેઓ એકદમ નજીક આવ્યા કે તે બોલી ઉઠી.
“ અમે લોકો મેઈન રોડ પર ભીખ માંગીને ગુજારો કરીએ છીએ. અને ખાલી રાત્રે જ અહી સુઇએ છીએ….કાલથી અમે જગ્યા બદલાવી નાખીશું. ”
“ ગભરાવ નહિ, પણ હું તો તને ડાન્સ કરતા જોઇને પ્રભાવિત થયો છું. ” કહીને તે ગુણીની એકદમ નજીક ગયા. અને બધી વિસ્તારથી વાત કહી.
આવનાર વ્યક્તિ એક થીએટરમાં સ્ટેજ શો કરીને લોકોનું મનોરંજન કરનાર હતો. નાચતી વેળા એ ગુણીના સ્ટેપ અને લય સાથે ગાનની તાલ બધ્ધતાથી તેઓ અંજાઈ ગયા હતા, તે ગુણીને સ્ટેજ શોમાં તૈયાર કરવા માંગતા હતા. સાચા હીરાને એક ઝવેરીએ પારખી લીધો. પણ ગુણીએ એમ જટ દઈને હા ના પાડી. અઠવાડિયા પછી જવાબ દેવા કહ્યું. તેમના ગયા બાદ તો ગોત્રી એકદમ ચિલ્લાઈને કહેવા લાગી.
“ શા માટે તરત હા ના પાડી ? અગર તું મને પ્રિય સખી માનતી હોય તો તું હા કહી દે જે. તને ખયાલ છે, ભગવાન તારા પર ન્યાય કરી રહયા છે. અને તેમનો અનાદર કરવો એટલે પાપમાં પડવું. ”
“ કોઈ વાંધો નહિ ભલે હું પાપના કુવામાં ધકેલાતી પણ તને છોડીને નહિ જાઉં. કેટલા વર્ષો બાદ મારા જીવનમાં ખુશી આવી છે, બેની બેની કરીને મારા રૂદિયાને પલાળવા વાળી મળી છે, તેને કેમ કરીને ખોવું ? ”
“ મારે તારું કશું સાંભળવું નથી, એક વાત કહે, મને આવી તક મળી હોત તો તું શું કરેત ? ”
“ એજ જે તું મને કહી રહી છે. ”
“ તો બસ હવે ચુપચાપ રહે ને કોઈ બબાલ નહિ જોઈએ બેની. ” કહીને ગોત્રીએ તેનો હાથ પકડીને છાતી સાથે લગાવી દીધો કે એક સાથે બે બે દિલ પીગળવા લાગ્યા.
અઠવાડિયા પછી તો ગુણીને પેલી વ્યક્તિ આવીને લઇ ગઈ. દવાખાને જઈને નકલી પગ લગાવડાવી આપ્યો. આથી ગુણી તો હવે ટેકા વગર ચાલવા લાગી. પેલો વ્યક્તિ પણ રાજી થઈને સ્ટેજ શો માટેના રિહર્સલમાં લાગી ગયો. ગુણીને બધા સ્ટેપ શીખવવામાં આવે છે. નામ જ એનું ગુણવંતી હતું, એક બે વાર બતાવે કે સ્ટેપ શીખી જાય છે. થોડા દિવસમાં તો તે શીખી ગઈ. અને સ્ટેજ શો માટેના આખરી ઓપ આપવા માટે એક પણ જાતના રીટેક વગર ડાન્સ માટેનું આયોજન ગોઠવાયું જાણે સ્ટેજ શો જ હોય !
ગુણીને શણગારવામાં આવી, જયારે તે અરીસા સામે આવી તો મનોમન કહેવા લાગી “ હે ભગવાન, કેવી રે બલિહારી, હવે લોકો જે હાથથી લાત મારતા તે તાળીઓથી પોતાને વધાવશે. ” પોતાને સ્ટેજ પર આવી જવાની બુમ પાડી કે તે નજરને અરીસામાંથી હટાવીને આવી ગઈ. સંગીતના શૂરો રેલાયા, ગીટારના તાર જણ જણી ઉઠયા. સંતુરે શુર રેલાયા, ગુણીને ઈશારો મળ્યો કે ગુણી નાચવા લાગી. નાચતા નાચતા ગુણીને વ્હાલી સખી ગોત્રી યાદ આવી ગઈ. અરે રે, પોતે કેવી અભાગી છે કે જીગરજાન સખીને છોડીને અહી આવી ગઈ ? સ્ટેપ થી સ્ટેપ અથડાય છે, પગલા થીરકાય છે. નાચના તાલ મળતા નથી આ જોઇને સ્ટેજ ડાયરેક્ટર ચિલ્લાય છે.
“ અરે, ગુણવંતી, અત્યાર સુધી તો બરાબર સ્ટેપ આવતા, તાલ અને લયબદ્ધ, કેમ અત્યારે આવું કરે છે ? ”
ઘણી બધી વાર પ્રયત્નો છતાં પણ અસલ જેવો તાલ મળતો નથી. જયારે ગુણી તો બસ પોતાની પ્યારી સખીની જ ચિંતા કરે છે. એક પળે એના મગજમાં વીજળી જેમ જબકારો થયો.
“ લાગે છે તમે અસલી હીરા પારખું નથી ”
“ કેમ ગુણવંતી એમ બોલે છે ? મારો આટલી સાલનો અનુભવ કહી પાણીમાં નથી નાખ્યો. મારી આંખોએ ધોખો નથી ખાધો. ”
“ ધોખો ખાધો છે, સંગીત વગર ગાન નકામું ને ગાન વગર તાન નકામું ! ”
“ મતલબ ? ”
“ એજ કે તે દિવસે મારો એક પગ નાચતો જોઇને તમે અંજાઈ ગયા પણ થિરકત પાછળનો જાદુ નજરમાં ના આવ્યો? ”
“ કઈ સમજાય એવું બોલ ને ગુણવંતી ”
“ એજ કે મારી સખી ગોત્રી ના ગળામાંથી રેલાતા શુરે જ હું નાચવા લાગેલી. હવે તમેજ કહો કે એ શુર અને મારો નાચ મળે તો કેવો મિલાપ સર્જાય ? ”
“ અરે તારી……એક મહાન પુણ્ય મળવા માટે પ્રેરી લીધો તે ” કહીને તે ઉભા થયા. અને જઈને જ્યાં ગોત્રી ભીખ માંગતી હતી ત્યાં જઈને લઇ આવવા કહ્યું. શરૂમાં તો ગોત્રી રાજી ના થઇ પણ ગુણીએ મનાવવા મદદ કરી.
“ તમે બેય જો જો, તમારી જોડીને અનોખી જોડી ના બનવી દઉં તો ફટ ભૂંડો કહેજો. ” છાતી ફુલાવતા તે બોલ્યા.
લીધેલ પણ ને પૂરી પાડવા કમર કસવા લાગ્યા. ગોત્રીનું ગળું સારું હતું અને રિયાજ કરાવી કરાવીને ગાયક બનાવી દીધી. ગુણી તો થોડી વધુ પ્રેક્ટીસ મળતા સારી નૃત્યાંગના બની ગઈ. ઉપર રિયો રિયો ભગવાન પણ મુશ્કુરાવા લાગ્યો, પરિસ્થિતિ અને ઠોકરોથી પણ માણસ ઘડાઈ શકે !
હવે ગોત્રી ગાય છે અને ગુણી નાચે છે. અલગ અલગ નુત્ય નાટિકા ભજવાય છે. લોકોની તાળીઓ મેળવે છે. અને ઝવેરીએ કોલસાને ઘસીને ચમકતા હીરા બનાવ્યા. લોકો બેયને ‘ અનોખી જોડી ’ કહેવા લાગ્યા. જોતા જોતમાં અનોખી જોડી લોકોની પ્રિય જોડી બની ગઈ.

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s