ઘેલું લગાડે નવરાત્રી !!

ઘેલું લગાડે નવરાત્રી !!

નવરાત્રી એટલે નવ રાતોનો ઉત્સવ. ભક્તિ ભક્તિ અને ભક્તિનો ભવ્ય ભાતીગળ મેળાવડો ! ભક્તિ, પૂજા, અર્ચન, આરતી અને પ્રસાદનો મહાસંગમ એટલે ‘ નવરાત્રી. ‘ નવરાત્રી ઉજવણી અને તેનો મહિમા તો સૌ કોઈ જાણે છે તેને દોહારાવવો કોઈને કંટાળાજનક પણ લાગશે. આપણો દેશ અને તેના લોકો અનેક તહેવારોના રંગે રંગાઈને જે જીવન જીવે છે તે આખા જીવનનો પા ભાગ કદાચ બની જાય !
નવ વર્ષનો થયો ત્યાં સુધી; મારું બચપણ એક સાવ નાના ગામડામાં વીતેલ છે. દરેક તહેવાર તો બાળકો માટે પૂર્વ ભૂમિકા બાંધીને થી લઈને પૂરો થાય ત્યાં સુધી રમત ગમતને અનુલક્ષીને ઉજવાતા. નવરાત્રી તહેવાર અમારા માટે બધાથી અલગ એટલે હતો કે રમતગમતની સાથે આવકનો તહેવાર હતો. આજની પેઢીને અને ખાસ કરીને શહેરમાં વસતા લોકોને નવાઈ લાગશે કે રમતની સાથે આવક ? તો જરા વિગતે લખું.
નવરાત્રીની થોડા દિવસની વાર હોય એટલે અમે લોકો, સ્કુલમાં રજા પડે કે સાંજે તળાવની પાળે પહોંચી જતા. અને તળાવની ભીની માટીમાંથી ‘ઘોઘો’ બનાવતા. ગામડામાં સાપને ઘોઘા બાપજી કહેતા કોઈએ સાંભળ્યું હશે. માટીથી ઘોઘો બનાવતા ને અંદર કોડિયું સમાય તેવી જગ્યા બનાવતા. અમે લોકો નવરાત્રી ને નોરતા કહેતા. જેવા નોરતા ચાલુ થાય એટલે બધા શેરીના મિત્રો પોતપોતાના ઘોઘામાં દીવડો મુકીને ઘરે ઘરે નીકળી પડતા. ઘર ના આંગણામાં અમારી ઘોઘા ટુકડી જાય અને બધા સમુહમાં ગાઈએ ” ઘોઘા ઘોઘા ઘોઘ સલામ નાથી બાઈના વીર સલામ……” આખું ગાન તો અત્યારે હું ભૂલી ગયો છું. અને ગામની દીકરીઓ માથે ગરબો લઈને ગાતી ” ગરબડીયા ગોરાવો ગરબે જાળીડા મેલાવો રાજ…..” અને એના બદલામાં અમને પૈસા કે અનાજ મળતું. જે અનાજ દુકાને વેચીને પૈસા કે કોઈ ખાવાની વસ્તુ મેળવતા. જે અમે રાત્રે ચાલતી ભવાઈ જોતા જોતા ખાતા. પછી હું ગામ છોડીને નાના શહેરમાં ગયો; તો ત્યાં ઘોઘા ટોળી નહોતી ચાલતી. બની શકે કે દરેક ગામે કોઈ ને કોઈ નવી સંસ્કૃતિ હોઈ શકે !
જેવા અમે ઘોઘા ને ગરબા વાળા નો માહોલ પૂરો થાય કે જમીને બધા ગામના ચોકમાં ભેગા થતા. જ્યાં માતાજીની ગરબી પધરાવાતી. ઘણા બધા દેવીઓ ના ફોટા લગાડેલી અને ઘણા બધા દીવડાથી શોભતી ગરબીને વચ્ચે રાખીને ગામ લોકો પાંચ ગરબા ગાતા. ગરબા પુરા થાય કે ભવાઈ ચાલુ થતી; જેમાં રમુજ, ભક્તિ, એકતા સંપ-સહકારથી ગામ આખું રંગાઈ જતું. અને અમારી એક બીજી એક્ટીવીટી વધી જતી. ઝાડ પર ચડીને લાકડાની તલવાર, ભાલા અને બાણ વિગેરે બનાવીને ખેતરોમાં કે ખુલ્લા મેદાનમાં જઈને કોઈ અર્જુન, કર્ણ, અભિમન્યુ કે રામ બનીને નકલો કરતા. જેવો શહેરમાં આવ્યો કે તે બધું એક સ્વપન જેવું બની ગયું. બાળ મિત્રો બધા વિખૂટું પડી ગયા. વિખુટા પડતી વેળાની ક્ષણોને મેં નવલિકા રૂપે ઓપ આપ્યો છે. મારા પહેલા પુસ્તક તારલિયા-1 માં ” ભમરડો ” વાંચશો તો થોડો ઘણો ખ્યાલ આવશે.
નવરાત્રી ને સંગે વણાયેલી ઘણી વાતો છે…જેમ જેમ ઉંમર વધતી ગઈ, નવરાત્રી ઉજવવાની પરંપરા બદલાતી ગઈ. એક વ્યક્તિ ગરબો ગાય અને બાકીના જીલે (એક સાથે તે જ લાઈન ગાય.) જયારે હવે તો અર્વાચીન ગરબા તો એકદમ બદલાઈ જ ગયા છે. ગરબામાં ફિલ્મી ગાયનો ઘુસી ગયા અને ગરબાની અવનવી સ્ટાઈલો આવી. પ્રાચીન ગરબાથી લઈને અત્યાર સુધીના ગરબામાં એક વાત કોમન રહી અને એ છે ઘેલાપણું. એક ગરબો અહી રજુ કરું છું કદાચ એક બે રાગ માં ટ્રાય કરશો તો તમે પણ મારી જેમ ગઈ શકશો. માં જગદંબા, આપ સૌના જીવન ગરબામય, દીવડાથી પ્રકાશમય અને રોગ-શત્રુને દાંડીયાથી ભગાડતું બની રહે એજ પ્રાર્થના !!

જીણા જીણા નાદ ઝાંઝરના સાંભળી

જીણા જીણા નાદ ઝાંઝરના સાંભળી
જબકી જબકી ને હું તો જાગી જવાય
આજુ જોઉં બાજુ જોઉં તો પણ દેખાય ના
ઉપર જોઉં નીચે જોઉં તો પણ દેખાય ના
આતે ગજબ વાત કેવી કહેવાય……….
જીણા જીણા નાદ ઝાંઝરના સાંભળી
જબકી જબકી ને હું તો જાગી જવાય
ચોરે જોઉં ચૌટે જોઉં તો પણ દેખાય ના
શેરી જોઉં નાવેરી જોઉં નજરે દેખાય ના
આતે ગજબ વાત કેવી કહેવાય……….
જીણા જીણા નાદ ઝાંઝરના સાંભળી
જબકી જબકી ને હું તો જાગી જવાય
ઘડી દુર ઘડી પાસ નાદ સંભળાય છે
હવે માત અંબા ધીરજ વહી જાય છે
આતે ગજબ વાત કેવી કહેવાય……….
જીણા જીણા નાદ ઝાંઝરના સાંભળી
જબકી જબકી ને હું તો જાગી જવાય

 

Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in પ્રકીર્ણ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s