અમે રે ખાટા ઢોકળા

અમે રે ખાટા ઢોકળા

અમારા બાજુના ક્લાસમાં હસમુખ બેસે,મજાનો માણસ !થોડો શરારતી આમ તો થોડો નહિ પણ વધુ.જેવો પીરીયડ પૂરો થાય કે અમારા ક્લાસમાં આવી જાય.પાંચ મિનીટના અંતરાલ પછી બીજા સાહેબ આવે એટલે સીધું તેમનું ધ્યાન હસમુખ પર જાય.અને ઘાંટો પડે : “ કેમ આ ક્લાસમાં આવ્યો ? ”
‘ સાહેબ,આજે રબ્બર ભૂલી ગયેલો ને… ’ ને વીર હસમુખ ગૂંગણતો ઉભો રહે.
‘  સ્કુલે આવવાનું ના ભૂલી ગયો ? ’
‘ એય સાહેબ ભૂલી ગયો તો પણ વીનાએ યાદ દેવરાવેલું. ’
‘ બસ હવે બહુ ચાંપલો થયા વિના તારા ક્લાસમાં જા.’ એટલે સૌની સામે હસતો ને તેની સવારી તેના ક્લાસમાં જતી.અને જેવો તેના ક્લાસમાં જાય કે વળી ત્યાં હાજર હોય તે સાહેબ ની પણ સાંભળવાની.
આવો અમારો હજારો કરતુત નો ધણી વીર હકો !
નામ એનું રૂડું હસમુખ પણ ઘરના એને હકો કહેતા તો અમે લોકો થોડા એને હસમુખ કહીએ ? અમારી પોળની ભાષામાં, એના ઘરના લોકોએ જ એનું નામ બગાડેલું !
ભણવામાં અવ્વલ…રખડવામાં જવ્વલ…તોફાનમાં ટવ્વલ…
નવાઈમાં ના ડૂબતા આટલી બધી ડીગ્રી એને કેમ મળી એતો તમે આગળ આગળ તેનો પ્રોફાઈલ વાંચતા જશો તેમ તેમ જાણતા જશો.તેના જન્મ પછી જાણતલ જોશીડો એવું બોલેલો કે આ બાળક મોટો થઈને જરૂર નામ કાઢશે.અને જોશી મહારાજની આગાહી સાચી પડી.
ઉંમરમાં અમારા બધા કરતા મોટો કારણકે એને ક્લાસના મિત્રો સાથે દોસ્તી ગાઢ થઇ જાય એટલે પછી એજ ક્લાસમાં રોકાઇ જાય.અમારાથી ખાસી ઉંમરમાં મોટા હકાલાલ રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યે જાય ! ફરી કોઈવાર તેના રેકોર્ડ વિષે વિસ્તારે માહિતી આપીશ પણ હમણા તેની ડીગ્રીઓ વિશે ઊંડા ઉતરીએ.
હકાને તેની પોળમાં રહેતી એક છોકરી રસીલા બહુ ગમે.અમારા એ જમાનામાં હજી મોબાઇલ નહોતા આવ્યા અને ફોન સુધી અમે નહોતા જઇ શક્યા.આથી ત્યારે ચિઠ્ઠી પુર બહારમાં ચાલે ! જેને પછી લોકો લવલેટર કહેતા થયા ! હવે આ વીર હકેશ્વરને શું સુઝ્યું કે નદીના તટમાં એકલો ઉપડી ગયો,અને ચિઠ્ઠી લખી.એ સમયમાં થીએટરમાં શોલે,અને સ્કુલમાં અવળી લીપી નો જમાનો, બેય એટલાજ ફેમસ અને પોપ્યુલર !હકે અવળી લીપીમાં ચિઠ્ઠી લખી.અત્યારે આ એક એનો વિશિષ્ટ રેકોર્ડ બતાવ્યા વગર નથી રહી શક્યો.પહેલી ચિઠ્ઠી અવળી લીપીમાં લખવાનો અણનમ રેકોર્ડ અમારા પ.પુ.ક.ધુ.10008 શ્રી વીર હકેશ્વર ને નામે ! ( પ.પુ.ક.ધુ. = પરમ પૂજ્ય કરતુત ધુરંધર) 10008 એટલા માટે કે હકે એક દિવસમાં 10008 ભૂસકા કુવામાં મારેલા.(સોરી બીજો પણ એનો રેકોર્ડ કહેવાઈ ગયો.)
ઘણા બધા મારા પ્યારા વાચકો અવળી લીપીથી વંચિત હશે.અને જે વાચકો પહેલી વાર અવળી લીપી વિષે વાંચતા હોય તેમને થોડી માહિતી આપી દઉં કે અવળી લીપી,એક એવું લખાણ જે વાંચવા માટે પેપરને અરીસા સામે જોઇને જ બરાબર વાંચી શકાય.
હકે ચિઠ્ઠી તો લખી નાખી પણ આપવી કેવી રીતે.અને તેને એ પણ ખબર નહોતી કે રસીલા વાંચીને મુશ્કુરાશે કે બધા વચ્ચે ચપ્પલ ની છાપ ગાલ પર પાડશે ! પણ બીવે તો હકો શાનો,યા હોમ કરીને પડો ફતેહ છે આગે ! વાક્યનું પાલન કરવાને મૂળભૂત અધિકાર માનીને એકવાર મોકો જડપી લીધો.રસીલા પોળમાંથી નીકળીને દુકાને કોઈ વસ્તુ લેવા જતી હતી.આથી હકે એક ઓટલા પર ચિઠ્ઠી મૂકી અને રસીલા ને ઈશારો કર્યો.તો સામે રસીલા પણ એટલી બુદ્ધુ નહિ, આજુબાજુ જોઇને ચિઠ્ઠી લઇ લીધી.હકે જોયું કે પોતાના પહેલા કદમની છાપ બરાબર પડી છે.એવો તો ખુશી માં આવી ગયો કે નદીએ જઈને કુવામાં એટલા જોર જોરથી ભૂસકા માર્યા કે એનો અવાજ રસીલાના ભાઈના કાન સુધી ગયો.
રસીલાનો ભાઈ જીગ્નેશ ઉર્ફે આખા યુનીવર્સમાં જીગ્નેશ માટે વપરાતો એક જ શબ્દ જીગો !જીગા અને હકાના સબંધો એટલે,અલગ અલગ શેરીના કુતરા સામે મળે ને જેમ ડાઘીયા કરે તેવા ! આથી જ હકો રસીલા વિશે ઘણી વાર વિચારતો કે,આ સુકા ખેતરમાં ગુલાબ નું ફુલ કેમ ઉગ્યું હશે !
રસીલાના ઘરમાં પણ વાતાવરણ એકદમ કડક.ભાઈ તો હકાનો વેરી,ને તેના પપ્પા નો સ્વભાવ કડક.ત્યારે પોળનું મકાન એટલે એક જ લાઈનમાં લીવીંગ રૂમ બેડરૂમ ને પછી રસોડું.પછી પ્રાયવેસી કેવી ને વાત કેવી.હકાની ચિઠ્ઠી વાંચવી કેમ ?પણ એય તો હકાની પ્રેમિકા,જટ દઈને હાર માને તેવી નહોતી.દાઢી પર અડધો ચાંદલો લગાવ્યો ને અડધો લગાવ્યો ચિઠ્ઠી પર.આથી ચિઠ્ઠી લાગી ગઈ,અને માથું ઓળવા માટે અરીસા સામે ઉભી રહી ગઈ.માથું ઓળતી ગઈ અને ચિઠ્ઠી વાંચતી ગઈ.પણ હજી તો અડધી પણ ચિઠ્ઠી નહિ વાંચી હોય ત્યાં એની મમ્મી આવીને હાથમાંથી કાંસકો લઈને એ અરીસા સામે વાળ ઓલવા લાગી.આથી રસીલા તો દોડીને બાથરૂમમાં ઘુસી ગઈ.આથી ધીમા જટકાથી પેલો ચાંદલો નીકળી ગયો અને ચિઠ્ઠી નીચે પડી ગઈ.
ચિઠ્ઠી આવી ગઈ તેના પપ્પાના હાથમાં,અને વાંચવા માટે ટ્રાય કરી પણ,અવળી લીપી તો માર્કેટમાં એકદમ નવી નવી આવેલી.કઈ પોળ કે મહેલ્લામાંથી આવેલી તેની અમને ખબર નહિ પણ અમે લોકોએ હોંશે હોંશે અપનાવેલી.અરીસા સામે રાખીને જેટલી વાંચવાની સહેલી તેટલી જ લખવાની અઘરી.(કોઈને પણ અવળી લીપી વિશે ઊંડા ઉતરવાની છૂટ છે)હકાની એક સ્વેચ્છિક પ્રમાણિકતા કે ચિઠ્ઠી અડધી તો માંડ લખાયેલી ને લખતા લખતા દમ નીકળી ગયેલો.કેટલાયે કાંકરા તો બાજુમાં ચણતી ખિસકોલીને ભગાડવામાં વાપરી નાખેલા.રસીલાના પપ્પા તો બિચારા ચશ્માં લઈને વાંચવા કોશિશ કરી પણ તોયે કશું હાથ ના લાગ્યું.તેની મમ્મીએ પૂછ્યું ‘કેવાનું બીલ છે કે ચશ્માં પહેરવા પડ્યા ? ’
તેની મમ્મી ને શું ખબર કે કોઈનું બીલ નહિ પણ કોઈનું ફિલ વાંચતા હતા.નક્કી કોક પાગલનું આ કામ છે એમ વિચારીને તેમણે ચિઠ્ઠી ફેંકી દીધી.રસીલા દોડતી જઈને ચિઠ્ઠી ઉપાડી લીધી અને નાના નાના ટુકડા કરીને ફેંકી દીધી.પછી તો હકાને આંખો બતાવીને ધમકી આપીકે ‘ ખબરદાર જો હવે ચિઠ્ઠી આપી તો ’
હકાએ ફરી વાર પણ ચિઠ્ઠી લખી નાખી ને,નસીબ હકાનું પાધરું કે ચિઠ્ઠી આવી ગઈ જીગાના હાથમાં.જીગાને અને હકાને તો બાપના માર્યા વેર છતાંએ ચિઠ્ઠી વાંચવાની સાથે એકવાર તો હસી પડેલો.હસ્યા પછી હોઠમાં થી લોહી નીકળે ત્યાં સુધી હોઠ દબાયા.તે હસી પડેલો એમાં એનો કોઈ વાંક નહોતો, કારણ હકો એવો નરબંકો કે એના કરતુત જ એવા. ચિઠ્ઠીમાં તેણે શાયરી લખેલી પણ લાગે કવિતા જેવી.
અમે રે ખાટા સવારના ઢોકળા
રસીલી તું મીઠી જલેબી રસદાર
તારા રે વગર સવારે ગરમ ચા
ને ગાંઠિયા કેમ ગળે ઉતરે  રે !
આવી એકે ય પ્રાસ કે સાંધાના ય મેળ વગરની શાયરી/કવિતા લખી કાઢી.એના પરિણામ રૂપે તેને જે સજા મળી તે પણ એની આગવી ઓળખ કરાવતી ગઈ.અરીસા સામે એવી રીતે ઉંધો લટકાવ્યો કે અરીસમાં જુઓ તો સીધો લટકાવેલો લાગે !હું કહેતો ને કે જોશી મહારાજની અગાહીઓ સાચી પડતી જતી હતી.
તમને કદાચ સવાલ થશે કે તેને ચિઠ્ઠી લખતા ઢોકળા ક્યાંથી યાદ આવ્યા?તેનો કોઈ વાંક નહોતો એને “અમે રે સુકું રૂ નું પૂમડું ” કાવ્ય ખુબ ગમતું.
પરીક્ષામાં પહેલું પેપર ગુજરાતી વિષયનું ને વીર હકાજી પેપર લખવા બેઠા.રિજલ્ટ આવ્યું તો ખુબ નવાઈમાં ડૂબી ગયો.ગુજરાતીમાં વીસમાંથી પાંચ માર્ક આવેલા.તેને યાદ હતું કે ગમે તે ચાર સવાલના જવાબ આપવાના હતા.તો એક જ જવાબ આપેલો.ભારત દેશનું નામ કોના પર થી પડેલું ? જવાબ-ઇન્ડિયા પરથી.ખાલી જગ્યા તો ખાલી જ છોડીને આવેલો.વ્યાકરણના આકારની સુજ નહોતી પડી.તો રહી કવિતા,એમાં એવું બનેલુ કે જે કવિતા પૂરી કરવાની હતી તે તો તેને હજી યે યાદ નહોતી પણ તેને લખેલી “અમે રે સુકું રૂ નું પૂમડું”.
સવાલ એ હતો કે પાંચ માર્ક મળ્યા શેના ?ઘણો મુંજાયો,અંતે ગુજરાતીના સાહેબને જઈને મળ્યો એટલે ખબર પડીકે તેણે જે કવિતા લખેલી તેમાં એક પણ ભૂલ વગરની હતી,આથી ખુશીના પાંચ માર્ક મળેલા છે !પછી તો એટલો ખુશ થયેલો કે જેનો પહેલો નંબર આવેલો તે પણ ખુશ નહિ થયો હોય.હકા પુરાણને બધ કરીએ કારણ હકા માટે તો લખીએ તેટલું ઓછું પડશે !
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in હાસ્યલેખ/ જોક્સ. Bookmark the permalink.

4 Responses to અમે રે ખાટા ઢોકળા

  1. Vinay કહે છે:

    Yes i remember that language like urdu writting…great fun indeed…….

  2. purvi કહે છે:

    Haka Bhai Ni kahani hriday ma samani

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s