કદાચ મોડું થઇ જશે !

કદાચ મોડું થઇ જશે !
બેન્ડવાજા વાળાના સુરો હવામાં રેલાઈ રહ્યા છે, ‘ આજ મેરે યાર કી શાદી હૈ ….’ શરણાઈ ના સુરો કોઈનો વરઘોડો જતો હોય તેની સાબિતી આપતા હતા.સૌના હૈયામાં ઉમંગ છે. દિલથી બધા વરઘોડાને આકર્ષક ને લોકમય બનાવવા નાચી રહ્યા છે. બેન્ડ વાળો તો યાર કી શાદી હૈ ગાય છે,પણ વરના મિત્રો તો ઠીક પણ માં બાપ થી લઇ લગભગ માણસો લગ્નનો લ્હાવો લઇ કુદી કુદી ને નાચી રહ્યા છે. પરસેવે રેબઝેબ શરીરો નીતરે છે પણ કોઈ ઉભું રહેવા માંગતું નથી. ને વળી કોઈ ઉભું રહે તો પાછા ધક્કા વાગીને નાચવા લાગે છે ‘ અમારો માનવ પહેલી વાર પરણી રહ્યો છે નાચો રે નાચો ! ’ આહ્હા……ને બધા નાચે છે વરઘોડો મંદર ગતિએ પસાર થાય છે.સૌ કોઈ જોવાનો આનંદ માણી ને સુખી માને છે. જે કુંવારા છે તે તાકી ને ઉભા છે, લળી લળી ને સુકન્યાઓ સામે જુવે છે ને મનમાં કહે છે કે એક દિવસ હું પણ આમજ શાનથી ઘોડા પર બેઠો હઈશ ને લોકો નાચતા હશે.તો વળી જેના લગ્ન થઇ ગયા છે તેઓ થોડો અફસોસ પણ કરે છે ને સરખામણી પણ કરે છે. કાશ ! મારા લગ્ન માં આવી બગી મળી હોત! કેમ એવી બગી મળી હોત તો શું થાત ? ખરી વાત છે લગન વખત ની વાત જ કંઈ ઓર હોય છે.  
ધીરે ધીરે વરઘોડો આગળ વધે છે.પણ થોડી પળો એ નાચથી ઉછળતા કુદતા પગો થંભી ગયા.સામે થી કોઈની અર્થી આવતી હોય તેમ લાગ્યું. એકબાજુ ‘આજ મેરે યાર કી શાદી હૈ કે લે જાયેંગે લે જાયેંગે દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે ’ ..જેવા ગીતો વાગે છે તો બીજી બાજુ ‘ રામ બોલો ભાઈ રામ ’ ના શાંત સુરો સંભળાયા ને બેન્ડ વાળા પણ મરવા વાળા ની અદબ જાળવવા થોડી પળ હાથ ને સ્થિર કરી ને નત મસ્તક ઉભા રહી ગયા. અચાનક સંગીત ના સુરો બંધ થયા કે માનવે ઉત્સુકતા થી જોયું શા માટે આમ ? ને એ પણ દિગ્મૂઢ બની ગયો.વરઘોડો થંભી ગયો છે બધા અર્થી નીકળી જાય તેની રાહ જોઈ રહ્યા છે, પણ ઘણી મોટી સંખ્યામાં લોકો ને જોયા. કશું પણ બોલ્યા વગર માનવ બગીમાંથી નીચે ઉતર્યો.હાથમાં ના ગુલ્દાસ્તાને બાજુમાં મૂકી દીધો ને વળી પાછો ઉપર ચડી ને ગુલદસ્તો જે નાનો હતો તેમાંથી થોડા ફૂલ ચૂંટી ને મુઠી વાળી લીધી.બધાનું ધ્યાન તો અર્થી પસાર થઇ જાય તેમાં હતું.સૌની નજર ચુકાવીને માનવે ધીરે ધીરે સાફો ને શેરવાની કાઢી,બગીમાં ફેંકી દીધા.પગ આગળ વધવા થોડા લથડાયા અને વળી મન ને મક્કમ બનાવી આગળ વધ્યો.સારું થયું કે શેરવાની થોડી ફીટીંગ માં લુઝ પડતી હતી તો નીચે ટી-શર્ટ પહેરેલું જે કામ લાગ્યું.થોડા સમય પહેલાનો વરરાજાનો જે ભપકો હતો તે વિલાઈ ગયો.ને એક સામાન્ય માનવી ની જેમ માનવ પણ એ બધા શ્વેત વસ્ત્રોધારીની સાથે ભળી ગયો. ‘ રામ બોલો ભાઈ રામ ’ ને સંઘ પહોંચી ગયો અનંત યાત્રા ધામે. પહેલી વાર કદાચ માનવ આ ધામમાં આવ્યો હતો. ને આવી વિધિથી થોડો પણ પરિચિત નહોતો.હજી એ નક્કી ના કરી શક્યો કે પોતે બગીમાં બેસી ને લગ્નના મંડપમાં જવા માટે કેટલો બેતાબ હતો ને ઉત્સાહમાં ને ઉત્સાહ માં ખાસો બધો સમય પોતાને સજવા પાછળ બગાડેલો !
મન પર નો કાબુ કોઈને નથી !
છતાં માનવ આમ મૂંગા મોઢે ગાય ની જેમ બધા સાથે દોરાઈ ગયો. નથી એને એ પણ ખબર કે મરનાર વ્યક્તિ કોણ છે?  કે નથી તો આ ટોળામાં કોઈ એને ઓળખતું !
તો શા માટે અહીં આવી પહોંચ્યો ? જે બધા નાચ ગાન માણી ને જુમતા હતા તેમનું કંઈ વિચાર્યું કે કેમ ?
નહિ,એનું મગજ દિશા શૂન્ય બની ગયું છે. સ્મશાનમાં ચાલતી પ્રવૃતિને એ નીરખવા લાગ્યો. અર્થી પરથી શબ ને ધીરે ધીરે છોડી ને બધા બંધનમાં થી મુક્ત કરી નાખ્યું.એક હોજ ની પાળી પર લાવી ને અમુક લોકો એને નવરાવે છે પછી ધૂપ અબીલ ગુલાલ ને ચંદન થી આચ્છાદિત કરે છે. ફૂલો ને સુખડના નવા હારો આરોપાય છે. કોઈ માનવ ને ઓળખતું નથી આથી, એક ખૂણામાં જઈને બેસી ગયો. ત્યાંથી પણ બધી પ્રવૃત્તિ ને આસાનીથી જોઈ શકતો હતો. એક ભાઈ એ ઘી નો ડબ્બો ઉપાડ્યો ને શબના મોઢા પર ધાર કરી, પછી જે માનવે જોયું તે માન્યામાં ના આવે તેવું હતું. તેને આંખો ચોળી જોઈ પણ ના, તે સોના જેવું સો ટચ સાચું હતું !
શબમાંથી માણસ સળવળ્યો ને ઉભો થયો.ને તે વધુ અવાક થઇ ગયો કારણ કે તે માણસ પોતાની તરફ આવી રહ્યો હતો.તે તો સડપ દઈ ને ઉભો થઇ ને લગભગ બી પણ ગયો.ને બે ડગલા પાછો હટી ગયો પણ દીવાલ કેમ ખસે ! ને તે દીવાલ ને ધક્કો આપતો દબાઈ ને ઉભો રહી ગયો.
મારી નજીક આવી ને એ ભાઈ બોલ્યા ‘ ચા પીવે છે ? ’
માનવથી માથું હા માં હલી ગયું. તે પ્રતિકૃતિ  આગળ થઇ ને માનવ એને અનુસરવા લાગ્યો.
‘ જાણે છે, ઘણા સમય થી હું કહેતો કે મને ઘીનો શીરો ખાવો છે, ઘી ચોપડેલી ભાખરી ખાવી છે, પણ બધા એમ કહી ને મને નહોતા આપતા કે મને વધુ પડતા કોલેસ્ટેરોલ છે વધુ પડતી સુગર છે..ને હવે મારા મોઢા પર આખો ઘી નો ડબ્બો ઢોળે છે બધા પાગલ છે…બે ચમચી માંગતો ત્યારે મળી નહિ ને આખો ડબ્બો ..! યાર તુંજ કહે આખો ડબ્બો ઘી કંઈ પચે ખરું ? એટલે ઉઠી ને આવ્યો , ખરું કર્યું ને ? ’
પણ માનવ તો બધો વાર્તાલાપ સાંભળી રહ્યો છે પણ કોઈ વાત મગજમાં જતી નથી. દિગ્મૂઢ બની પેલા સામે જોઈ રહ્યો છે અંખની પાપણો પણ હલતી નથી.
‘ અલ્યા, મૂંગો તો નથી ..હું બોલું તે બધું ગગન માં જાય છે કે ? કંઈ બોલ તો ખરો ! ’
‘ તમે બરાબર વાત કરી ’
‘ હમ ….હવે વાત જામશે. ’
ને બે કડક મીઠી ચા નો ઓર્ડર આપ્યો. ‘ તને નવાઈ નથી લાગતી ? ’
મનમાં માનવ બોલ્યો …નવાઈ !! અરે ઘણી નવાઈ લાગે છે પણ શબ્દો તે બહાર ના લાવી શક્યો. ‘ હા લાગે છે ’ એટલું બોલી અટકી ગયો.
‘ લોકો અહી સ્મશાન માં ચા પીએ છે બોલો…મારા ડોહા કહેતા કે એ લોકો સ્મશાન જાય એટલે ઘરે આવીને ન્હાય નહિ ત્યાં સુધી કંઈ પીવા ખાવાનું તો ઠીક પણ બીજા ને અડકતા પણ નહિ…તારા દાદા પાસે આવું કંઈ સાંભળ્યું છે કે કેમ ? ’
‘ ના ..તો ..’
‘ ચલ આપણે નદીના ખુલા પટમાં બેસીએ ત્યાં જરા વાતાવરણ સારું હશે. કોઈ ના કાવાદાવા કે રાજકારણ નહિ હોય ! ’
ચાના કપ લઇ ને બંને નદી બાજુ વળ્યા..માનવ તો પેલાભાઈ ને અનુસરતો હતો. જાણે એના હિપ્નોટીજમ ની અસર નીચે ના હોય !
‘ તને એવું લાગતું હશે કે હું જ કેમ એકલો બોલ્યે જાઉં છું. ને તારા વિષે કશું પૂછતો નથી રાઇટ ? ’
‘ એવું થાય છે પણ પુછવાની ઈચ્છા નથી થતી. ’
‘ કોઈ વાંધો નહિ ….તારી જેમ હું પણ એક દિવસ ઘોડા પર બેઠેલો..વાજતે ગાજતે દુલ્હન લઈને સંસાર માંડેલો..બહુ ખેલ ખેલ્યા, બહુ રડેલો, બહુ હસેલો..બહુ રૂપિયા બનાવ્યા ને બહુ વાપર્યા પણ ખરા ! ’
‘ હં તો  ?? ’
‘ મારી અર્થી ને તારી બગી સામસામે થઇ ગઈ ..સુતા સુતા મેં તને જોયો તારા ચહેરા ના હાવભાવ નીરખ્યા. તારી બદલાતી લાગણી જોઇને થોડો ખિન્ન પણ થયો. ’
‘ પણ શા માટે ? ’
‘ હા, હવે તારી વાત પર આવીએ..તારો આભાર,મારી અનંત યાત્રા ના છેલ્લા પગલા માં જોડાવા બદલ ’
‘ આભાર શેનો ? મનેય ખબર નથી કે હું શું કરી રહ્યો છું. ’
‘ એજ તો મારે વાત ખોલવી છે. તારા મગજ માં એક પણ એવો વિચાર આવેછે કે થોડા સમય પહેલા ના તારા હાવભાવ ને અત્યારના ? અરે એક પળ વિચાર તો કર કે કેવી રીતે તું અહી આવ્યો ને જોડાયો મારી યાત્રા માં ? ’
‘ હું યાત્રામાં જોડાયો …ના ના મેં મારી યાત્રા નો આરંભ કર્યો છે જીવન અસાર છે ને એક દિવસ મારી પણ તમારી જેમ યાત્રા નીકળશે ને સૌ રોતા કકળતા વિદાય કરશે ’
‘ મતલબ તને આ સંસાર માં રસ નથી ?  ’
‘ હા, એટલે જ તો મેં સર્વ તજી ને આ રાહ અપનાવ્યો છે.’
‘ તો હવે તારે પાછા એ મંડપ માં નથી જવું ? ’
‘ હા, ચોક્કસ નથી જવું, મંડપ માં પણ હું જઈશ બીજા મંડપ માં ને દીક્ષા લઇ સાધુ બની જઈશ ’
‘ સારું, મને એ કહે કે સાધુ થયા પછી નો તારો અભિગમ શું છે કે તારી ઈચ્છા કંઈ છે ?? ’
‘ એજ કે સંસાર છોડી ને સન્યાસી થવું છે ..’
‘ પછી ?? ’
‘ પછીની મને અત્યારે ખબર નથી ’ ને તે નીચે જોઈ રેતીની ઢગલી બનાવતો હતો.
‘ સાધુ નું જીવન પરોપકારી ને પ્રિય એટલા માટે હોય છે કે તે કોઈને દુખ નથી દેતા , કોઈ ના સુખની ઈર્ષ્યા નથી કરતા ને પોતાના જીવનને પરોપકારમાં જ વિતાવે છે..એજ ને ? ’
‘ એથી વિશેષ પણ ખરું ’
‘ વિશેષ હવે તું કહે.’
‘ વિશેષ નું મને અત્યારે નોલેજ નથી પણ મારા જીવન ને હું ધન્ય બનાવવા માંગું છું.’
‘ ચોક્કસ બનાવ પણ કોઈના જીવનને રગદોળી ને કે સૌ સગાવ્હાલા ને રડતા રાખી ને કેવી રીતે ધન્ય જીવન બને એ કહે ? ’
‘ રોતા કેવી રીતે ? ’
‘ અરે ભોળિયા જીવ..ઉભો રે, ને જો આ રેતમાં તને પ્રતીતિ કરાવું છું. જો ત્યાં. ’
ને માનવે રેતીમાં નજર નાખી ને બધું જોવા લાગ્યો જે એક ચિત્રપટ માફક દેખાતું હતું.
અર્થી નીકળી ગઈ ને પાછા બધા નાચવા લાગ્યા.પણ જેવો લગ્ન હોલ આવ્યો કે બધા સ્તબ્ધ થઇ ગયા.વરરાજા દેખાતા નથી..પણ વાત ને બહુ વણસ્યા વગર આમતેમ માનવની તપાસ કરી ..બધા અલગ અલગ દીશામાં શોધવા લાગી ગયા.માનવ ની મમ્મી તો ખોબા આંસુ એ રડવા લાગી ને પપ્પા પણ ઊંચા જીવે આમતેમ દોડે છે ને બધાને જલ્દીથી થી માનવ ને લઇ આવવા કરગરે છે.
‘ જોઈ તારા માં બાપ ની હાલત ? ’
‘ હા, તો ..? ’
‘ ઓકે હવે આ પણ જો ..’
ને એની ફિયાન્સી દેખાઈ..સોળે શણગાર સજ્યા છે,એક આબેહુબ અપ્સરા સમાન લાગતી વિધિ કોઈ ને પણ ઈર્ષ્યા આવે તેવી તૈયાર કરેલી હતી.મનમાં ઉમંગ છે ને હૈયા માં ધક ધક છે. જે એક સામાન્ય છોકરીની લગ્નના દિવસે હોય તેવા બધા ફીલિંગ્સ એ અનુભવી રહી છે ..ઘડિયાળ સામે જોયું તો આઠ વાગી ગયા હતા ..દુરથી એના કાનમાં બેન્ડવાજાના સુરો સંભળાતા હતા. તેણે અનુમાન કર્યું કે હજી વધુ અડધો કલાક લાગશે .. રૂમમાં આમતેમ આંટા મારવા લાગી. અહો !! કેટલી વાર બંને મળ્યા હતા એકમેક ની સાથે વાતો ને નિત નવા સપનામાં રાચ્યા હતા,ને આજ એમનું એક સપનું પૂરું થશે તેવી મન માં ધરપત ને ધરબી દીધી છે.મન અનેક ઉમંગો માં વહી રહ્યું છે ને પોતાના ભરથારને એક દુલ્હા ના રૂપ માં જોઈ ને જીવન કેટલું ખુશ થશે તેની અવનવી કલ્પન માં લાગી ગયું.
ક્યારે વાલમ આવશે ને કયારે મજાના હસ્તમેળાપ ના સિક્કાથી એક નવા બંધનમાં બંધાઈ જશું તેવી અનેરી રંગીન કલ્પનાઓના સહારે રાચતી વિધિ અત્યારે ખુબ ખુશ છે ને થોડી મુંજાય છે પણ ખરી કે કાલથી જે મા બાપે મોટી કરી ને ઉછેરેલી છે તેમને છોડી ને જવું પડશે. પોતાના પાપાની એ લાડકી ને મમ્મી ની પ્યારી દીકરી હતી જે હવે કોઈ ની પત્ની કે કોઈની પુત્રવધુ થવાનું હતું.
રે !  સમય, હવે તો તું ધીરો ચાલે કે ઉતાવળો ! મારે તો બેય બાજુ ફાયદો ને નુકશાન પણ છે !!!
‘ વિધિના આ પ્રસંગની લાગણી ના તું અનુમાન લગાવી શકે છે ? ’
માનવ દિગ્મૂઢ બની ગયો હજી પણ એ રેતી માં દેખાતા ચિત્રપટ ને નિહાળી રહ્યો છે ને વિચારી રહ્યો છે કે આ વાસ્તવિક છે કે એક પરિકલ્પના. ??? કશું પ્રત્યુત્તર વાળ્યા   વગર એ બેસી રહ્યો.
‘ તને નહિ સમજાય બાલીશ જીવ…એના માટે તારે છોકરીનું દિલ ધારણ કરવું પડે !.. હજી કંઈ વાર નથી થઇ …ઉઠ ને તારું કર્તવ્ય જે અધૂરું છોડી ને આવ્યો છે એ પૂરું કર ’
‘ હવે પાછા વળવાની ઈચ્છા નથી કાકા..મને સમજાવો નહિ પ્લીઝ .’
‘ સાધુ તો એ ભલો કે જેને કોઈનું ભારણ ના લાગે ..નરસિહ મહેતા થઇ ગયા કે જેમણે સંસાર માં રહી ને સાધુત્વ અપનાવ્યું ..મીરાબાઈ ને જોઈ લે એવા તો અનેક  લોકો જે અમર થઇ ગયા ને આપણા માટે મિશાલ રૂપ બની ગયા. કહેવાય છે કે મરતો માણસ ખોટું ના બોલે પણ હું તો ઓલરેડી મરી ચુકેલો છું ને મારી વાત તો તારે માનવી જ રહી ને માનવ ને વળી મનાવવા નો કેવો ? ’
‘ મારું નામ તમને કેવી રીતે ખબર ? ’
‘ મેં તો મારું સર્વસ્વ ગુમાવી દીધું છે ને જો લોકો મારા શરીર ને સળગાવી રહ્યા છે..પણ હું તાર જીવન ને સળગતું જોવા નથી માંગતો.જલ્દી જઈને તારા માં બાપા ને શાંત પાડી ને હૈયે ધરપત આપ. ને માબાપ ની સેવાથી ચડિયાતી કોઈ ભક્તિ નથી. એમને વાલોપાતમાંથી મુક્ત કરાવ ! ’
‘ મારું નામ તમને કેવી રીતે ખબર ? ’
‘ મને કેવી રીતે ખબર એની તને ચિંતા છે કે લોકો માનવ માનવ કરી ને અધમૂવા થઇ ગયા છે તેની ચિંતા છે  ? ’
ને માનવ નું મગજ ધીરે ધીરે પરિવર્તન અનુભવવા લાગ્યું. તે ધીરે થી ઉભો થયો ને પેલાને વંદન કરી આશિષ મેળવ્યા
‘ જા હવે વત્સ..મારું શરીર બળે તે પહેલા હું પણ એમાં શમાઈ જાઉં મારો પણ સમય પાકી ગયો છે, ને બને તો મારી જેમ કોઈના પરમાર્થ માટે કામ માં આવીશ,તો માનજે કે તારી ભક્તિ સફળ છે ! ’ ને તે દોડી ને ચિતા માં કુદકો માર્યો ને માનવ તેને પ્રણામ કરી ને થોડો આગળ ગયો કે લગ્ન મંડપ સામે જ દેખાયો.જઈને તરત તે બાથરૂમ ભણી ભાગ્યો ને જેવો રૂમમાં આવ્યો કે બધા ઘેરી વાળ્યા ..માનવ….માનવ………માનવ ……ને લગ્નમંડપમાં ચારેકોર ખુશીઓના ફુવારા ઉડવા લાગ્યા.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s