લૂણ ની વસુલાત (નવલિકા)

લૂણ ની વસુલાત 

દૂર દૂર સુધી મંદિર ની આરતીનો ઘંટારવ સંભળાય છે.પક્ષીઓ પણ આરતીમાં લીન થઇ ને ભગવાન નું નામ લેતા લેતા માળાઓમાં વિશ્રામ કરી રહ્યા છે.કુતરા પણ શાંતિથી શેરીમાં આળોટે છે તો કોઈ વળી રોટલાનો ટુકડો મળ્યો છે તેનો સંતોષ માની ને ખાવામાં મશગુલ છે.બળદને પોતાના આશ્રયમાં પુરતા તેની ઘંટડીનો અવાજ આવે છે.આરતીમાં હાજર શ્રદ્ધાળુઓ બે હાથ જોડી આંખો બંધ રાખી ને આરતીમાં તલ્લીન છે.કોઈક ખેડૂત અત્યારે ખેતરેથી પાછા ફરે છે.તેઓ પણ બે હાથ જોડી ને ભગવાન ને નમન કરતા મંદિર પાસેથી પસર થાય છે.પવિત્ર શ્રાવણ મહિનો ચાલે છે એટલે,ગામમાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું છે.તેવામાં દુર એક ઓળો,ખેતરો વચ્ચેની કેડીઓ પસાર કરતો ચાલ્યો જાય છે. થાકીને લથબથ થઇ ગયો છે. પગ પણ લથડાવા લાગ્યા છે. વધુ ચાલવાની હામ પણ તુટતી જણાય છે.મંદિર ની આરતીનો ઘંટારવ સંભળાયો ને માન્યું કે કોઈ ગામ એકદમ નજીક લાગે છે.પગ એના આરતીના ઘંટારવની દિશમાં પહેલ કરવા લાગ્યા. અરે! પોતે તો એ ગામ બાજુ દોરાઈ રહ્યો છે, શા માટે ?ને વળી મન સાથે વધુ લડાઈ ના કરતા ચુપ ચાપ પોતાના પગલા ને અનુસરી રહ્યો.થોડુક ચાલ્યો હશે ને ગામ એકદમ નજીક દેખાયું.અંધારાને ઓઢી ને ગામ જપી ગયું હોય તેમ લાગ્યું. હવે તો આરતી પણ બંધ થઇ ગઈ હતી.ચંદ્રમાનું ધીમું અજવાળું ગામની ઓળખ છતી કરતુ હતું.
ગામનું પાદર આવ્યું કે તે ઉભો રહ્યો.જુના જમાનાનો ગઢ નો દરવાજો જાણે તેનું સ્વાગત કરતો જર્જરિત હોવા છતાં અડીખમ ઉભો છે.બે પળ એના પગલા થંભી ગયા.ક્યાં જવું ?કોના ઘરે જવું ?પાદરમાંજ પોતે ઉભો છે.પોતે ભાગ્યશાળી કે જે ગણે તે પણ કોઈ વ્યક્તિ તેને દેખાઈ નહિ !આથી આમતેમ જોવા લાગ્યો પણ તેની નજરોને વ્યાકુળતા સિવાય કશું ના મળ્યું.તે ચાલી ને થોડો દુર ગયો કે તેના પગ થંભી ગયા.કોઈના પગલા નો અવાજ પોતાના ભણી આવી રહ્યો હતો. તે જમીન સાથે જડાઈ ગયો ને મગજ શૂન્ય !
 ‘ રામ રામ ભાઈ ,  કોને ત્યાં જવાના ? ’
‘  હં…… આમ તો  જવા નીકળ્યો તો બીજે ગામ પણ અંધારું થઇ ગયું તો થયું કે લાવ મુખી ને ત્યાં જતો રહું। ’ એમજ અંધારામાં તીર મારતો હોય તેમ તે બોલી ગયો.
‘  મુખી….કે પછી તમે સરપંચ દીનાભાઇ ની વાત કરો છો ?? ’
‘  હં..અહ અહ હા હા, દીનાભાઇ ના ઘરે ’
‘ બનતા લગી દીનાભાઇ આજ ઘરે નહિ હોય પણ એમના દીકરાઓ હશે.જાઓ તમતમારે.ઘર જોયું છે કે મૂકી જાઉં ?? ’
‘  ઘર તો .. ’
‘  ચાલો ટાણે મારી ભેગા, કદાચ અત્યારે કુતરાય હેરાન કરે ! ’
ને તે પેલા ભાઈ ને અનુસરવા લાગ્યો.ને મનોમન એટલો રાજી થયો કે હાશ ભગવાન,એટલી તો મહેરબાની કરી ને થોડી દિલને રાહત આપી છે. કદાચ આરતીનો આ પ્રતાપ લાગે છે. આરતી ટાણે બે હાથ જોડાઈ ગયેલા તેનો જ આ પ્રતાપ ! ખુશ થતો તે ચાલ્યો જાય છે પણ મનમાં ઘેરો તોપમારો ચાલે છે. પોતે નથી તો સરપંચને  ઓળખતો કે નથી આ ગામ કદી એને જોયું ! પોતાની મજબૂરી ને વશ થયા વિના કોઈ ઉદ્ધાર નથી. આજ પહેલી વાર તેને જાણ્યું કે મજબુરી એક મોટી બલા છે, જે તમને કઈ પણ કરવા સાબદા કરે છે.
‘ તમારા ઘરે મહેમાન આવ્યા છે’ દરવાજાની સાંકળ ને ખખડાવતા તેમને અવાજ કર્યો કે એક આધેઢ વયની બાઇએ દરવાજો ખોલ્યો.
‘  કોણ છો ભાઈ ? ’
‘  એતો હું…દીનાભાઇ છે ઘરે…? ’
‘  ના..આવો અંદર…અલ્યા  દિલા, જો તો કોક મહેમાન આવ્યું છે ’
તેઓ ને અંદર લઇ લીધા એટલે જે ભાઈ સાથે આવેલા તે ‘ લો હાલો તારે રામ રામ ’ કહી ને નીકળી ગયા.દિલો પેલા બાઈનો દીકરો હોય તેમ લાગ્યું ને બાઇ, કદાચ દીનાભાઇ ની વહુ હશે તેમ તેને માન્યું. દિલો પણ આખો દિવસ ખેતરે કામ કરી ને થાકી ગયેલો તે થોડી વાર પહેલા જ સુતો હોય તેમ માન્યું.આંખ ચોળતા ચોળતા તેણે પેલાની સામે જોયું. પણ કોઈ ઓળખાણ ના પડી છતાં બોલ્યો,
‘ રામ રામ , આવો,  રોટલા પાણીનું કેમ છે ?  ’તેના હાથમાં પાણી નો લોટો આપતા પૂછ્યું.
‘ રામ રામ, ના..ના .. ’ કહી ને તે ચુપ રહ્યો. તો સામે દિલો પણ આ ભાઈની ઓળખાણ નહોતી પડતી, આથી તે પણ શું બોલે? થોડી વાર બેય ઘડી એકબીજા સામે તો ઘડી જમીન સામે જુવે છે. આથી કંટાળીને દિલે પોતાની પત્નીને બુમ પાડી
‘ મહેમાન ને બાજુ વાળા રૂમમાં પથારી કરી આપ જોઉં ‘
ને તેની પત્ની ‘ સારું કહી ને પથારી કરવા માં લાગી ગઈ ને પથારી તૈયાર થઇ એટલે બોલી ‘ મહેમાન ને કહો કે પથારી તૈયાર છે, રાત્રે જરૂર પડે તો દરવાજા પાસે લાકડી છે. ’
એટલે ભાઈ તો પથારીમાં ચાલ્યા ગયા. ને આડા પડી ને વિચારવા લાગ્યા કે હાય રે નસીબ ! કેવી વિધિ ને કેવા વિધાન !કેવી પળ ને કેવા પગલા !કરતો ક ને કયારે ઊંઘી ગયો તે ખબર ના પડી.પણ જયારે સવારના રવિભાણના ઉના કિરણો તેના પર પડ્યા કે તે જાગી ગયો.પણ તેના કાને જે શબ્દો પડ્યા કે આંખો બંધ ને કાન સતેજ કરી ને એમ જ પડી રહ્યો.
‘ દિલા ભલે ને મહેમાન તમે ના ઓળખ્યા પણ આજ મારી છાતી ને ગજ ગજ ફુલાવી દીધી છે, મારી એકોત્તેર પેઢી તારી દીધી તે દિલા ’ ને દીનાભાઇ ખુબ હરખાયા.
દિલો મનોમન ખુશ થયો તે કશું ના બોલ્યો.તો પત્ની પણ ઉમંગમાં રાચવા લાગી ને હરખમાં ને હરખમાં માથે બેડું મુકીને દરવાજો ઓળંગી ગઈ.
‘  મને તમે એ ના કહ્યું કે મહેમાન કયા ગામથી આવ્યા છે ’
‘  જો દિલા ગમે તેમ તોય તે આપણા મહેમાન છે, ને તેઓ માથે ઓઢીને સુતા છે તો તેમનું મોઢું પણ કેમ ઓળખી શકાય ! કોઈ વાંધો નહિ સુવા દો એમને નિરાંતે.ઉઠશે પછી બધી વાત કરીશું. ’
આથી પેલાને લાગ્યું કે હવે જો સુઈ રહેતો લાનત છે પોતા પર ! ને તે ઉઠ્યો કે દિનાભાઈની નજર ત્યાં ગઈ. પણ માણસ અજાણ્યો લાગ્યો. દાતણ પાણી કરીને મહેમાન માટે ચા આવી.
‘  રામ રામ ભાઈ..લો ચા પીવો ’
ચાની રકાબી સામે તે જોઈ રહ્યો. આજ સુધી કદી તેને ચા નથી પીધી શું કરવું ?
‘ રામ રામ ’ ચાની રકાબી લેતા તે બોલ્યો, પણ પોતાનો હાથ ધ્રુજવા લાગ્યો ને જો રકાબી નીચે ના મૂકી હોત તો ચા પોતાના ઉપર ઢોળાત !
‘  કેમ શું થયું ? ’
‘  કઈ નહિ, કદી રકાબી મોઢે લગાડી નથી ને એટલે ’
‘  અરે મારા વાલા, શરમાઈ ને તમે મારા ઘરે આજ સુધી નો અભંગ તોડીને મુને નીચું જોવું પડે તેમ કરતા હતા, લાવો તે રકાબી હું પી લઈશ.કોઈ વાંધો નહિ હું બીજીવાર ચા પી લઉં.ને તેઓ ચા ની રકાબી લેતા પૂછ્યું ‘ભાઈ માફ કરજો પણ મહેમાન તમારી ઓળખાણ નથી પડી ’
‘  તમે સાચા છો, વખ નો માર્યો હુજ કોણ છું મને નથી ખબર.ભૂતકાળના ભરડાને ગામના કુવામાં નાખી ને આવ્યો છું. રામ જાણે ક્યાં જઈશ ને શું કરીશ ? આતો ઠાકરની દયા કહો કે જે પણ રાત્રે  ઘણું મોડું થઇ ગયેલું ને તમારા ગામ ની આરતી સાંભળી ને અહી સુધી પુગી ગયો છું. ’ ને તેણે રાત વાળી વાત કહી ને ઉભો થયો ‘ લો લો રામ રામ બાપા…..તમારો ઉપકાર હું જિંદગીભર નહિ ભૂલું. ને દીનાનાથ ચાહશે તો ફરી કયારેક મળીશું ’ ને તે ઉભો થઇ ને ચાલવા ગયો ને દીનાભાઈ એ તેનો હાથ પકડી લીધો.
‘  અરે મારા રામ ! એકબાજુ બાપા કયો છો ને બીજી બાજુ જવાની વાત કરો છો ભલા ! તમે મારા ઘરે આવ્યા નથી પણ મારો કાળીયો ઠાકર તમને લઇ આવ્યો છે, ખેતી કરી જાણો છો ? ’
‘  હા..પણ મહેરબાની કરી ને મને રોકો નહિ ’
‘  કોઈ વાંધો, નહિ મને ઠાકર વચ્ચે રાખી ને કહો કે તમને મારા ઘરે નહિ ફાવે અને અમારી મહેમાન ગતિ માં કોઈ ખોટ હતી..આ દરવાજો ખુલ્લો જ છે ને તમે જઈ  શકો છો. ’ ત્યાંતો ભાઈ ની આંખોમાંથી શ્રાવણ વરસવા લાગ્યો.
‘ અલી દિલાની માં… આજથી  આપણા ત્રણ દીકરા છે ને બે દીકરી છે. ’
રસોડામાં રોટલી બનાવતી દીનાભાઇ ની વહુને જાણે છાતીમાં જરણું વહ્યું કે ફૂલતી જતી રોટલી ની સાથે સાથે તેઓ પણ ફુલાવા લાગ્યા. ‘ ઓ ભગવાન આમજ આ ઘરને ભર્યું ભાદર્યું રાખજે ’
પેલો તો દીનાભાઇ ના પગમાં પડી ગયો ‘ બાપા ભુલ થઇ ગઈ…. ’ જાણે વાદળો દીનાભાઇ ના પગ પર વરસી રહ્યા.
પછી તો કેટલાયે શ્રાવણ મહિના વરસી ગયા. પેલા ભાઈ પણ એક ઘરના સભ્યની જેમ રહે છે ને ગામ પણ હવે તો તેમને નવું નામ આપીને દલાથી ઓળખે છે.કોઈ માણસ દીનાભાઇ ને ત્યાં આવે તો ખબર પણ ના પડે કે દલો કોઈ આગંતુક છે ને ઘરનો સભ્ય નથી.દલો પણ બધા સાથે હળીમળી ગયો છે જાણે આ ઘરમાં ને ગામમાં જ જન્મ્યો હોય !સમય ને પસાર થતા વાર નથી લાગતી.દીનાભાઇ ની નાની દીકરી હવે તો યુવાન થઇ ગઈ છે. કોઈ ની પણ નજર માં વસી જાય તેવી ! તે પણ દરેક રક્ષા બંધને ત્રણે ભાઈ ને રાખડી બાંધે છે. ને દર રક્ષા બંધનના દિવસે દલો બિચારો મનમાં મુંજાય છે કારણ કે બેન રાખડી બાંધે છે પણ પોતે તેને કઈ આપી શકતો નથી. કેટલું બધું લૂણ તેના પર ચઢ્યું હતું ! પણ રાત્રે પથારીમાં સુવે ત્યારે આંસુઓ સારવા સિવાય કશું નહોતો કરી શકતો. પણ હા,તે બેન ને કદી રોવા નહોતો દેતો.
સુખના દિવસો જડપથી પસાર થાય છે ! આજે ત્રણે ભાઈ, બે ભાભીઓ ને દીનાભાઇ  સવાર થી ખેતર નીકળી ગયા છે. બધા કામમાં મશગુલ છે. ત્યાં દીનાભાઇને કંઈક કામ યાદ આવ્યું એટલે તેઓ ઘરે જવા નીકળી ગયા. ઘરે જઈને તે બેન ને બપોર નું ખાવાનું લઇ મોકલશે તેમ બોલી નીકળી ગયા. બધા વળી પાછા કામ ને જટ આટોપીને વહેલા નવરા થઇ જવા મથી રહ્યા.
દિલાના કાન કંઈક સતેજ થયા કોઈ સ્ત્રી કે બાળા મદદ માટે પોકારતી હોય તેમ લાગ્યું ,પણ વળી મનનો વહેમ માની ને કામે લાગી ગયો.વળી પાછું તેવુંજ લાગ્યું કે તેને દલાને કીધું ‘ અલ્યા દલાભાઈ, કોઈક દીકરી નો અવાજ આવે છે કે મને ભણકારા વાગે છે ? ’
‘  ભણકારા નહિ પણ સાચી વાત છે ’ તેના કાન ચમકયા.
‘  લાવ મને જઈને જોવા દે હું હમણા આવ્યો. ‘
‘ મોટાભાઈ, તમે કામ ચાલુ રાખો હું હાલ જોઇને આવ્યો. ’ ને લગભગ દોડતો જ દલો  ઉપડ્યો કે રખે તે મોડો ના પડે !જેવો નજીક ગયો કે તેનો વહેમ સાચો નીકળ્યો પણ પાછો ધ્રુજી પણ ગયો કે પોતાની વ્હાલી બેન આજ ધર્મસંકટમાં હતી. ગામનો નરાધમ ને લંપટ લાલો આજ પોતાની કોમળ બેનની ઈજ્જત લુંટવા મથતો હતો.તેના માં એક ઉત્સાહ આવ્યો રગેરગમાં લોહી જડપથી વહેવા લાગ્યું.નસો ફૂલવા લાગી.ને રાવણ સરીખી બુમ નાખી ‘ ખબરદાર જો કોઈ મારી બેનને હાથ લગાડ્યો છે તો ! ’ ને તે સિંહ ફાળે દોડયો.ને પેલા બેય જણા થોડી વાર માટે થોભી ગયા.તેની વ્હાલી બેન જાણે જીવમાં જીવ આવ્યો હોય તેમ અનાથ બનીને બે હાથ જોડી ને ઉભેલી તે હૂંફમાં આવી ગઈ. ‘ લાલા થા હવે ભાથી ’ ને તે ગરજી ઉઠી
‘ ભાઈને જોઇને ભડક નહિ વ્હાલી એનેતો ધૂળ ચાટતો કરીશ પછી ? ’ ને લાલો , દલાથી ના જોવાય તેવા ચાળા કરવા લાગ્યો ને દાંત પીસવા લાગ્યો.
દોડતોક ને દલો તો લાલા ઉપર સિંહ જેમ હુમલો કર્યો ને બેન તો બિચારી તરફડતી ઉભી ઉભી બધું જોઈ રહી.દલો આજ બધું ખુન્નસ ભેગું કરીને લાલા સામે બાથ ભીડી રહ્યો છે. તેને ખબર છે કે લાલો કોઈ પણ કાળે પોતાને જીતવા નહિ દે પણ આજ દલાને બધું યાદ આવ્યું.કેટલીયે રાખડીઓ નું લૂણ પોતા પર ચઢ્યું છે.પોતે એકલો બેય સામે જજુમી રહ્યો છે. લાલાને કોઈ રીતે ફાવવા નથી દેતો. ત્યાં બેન ને યાદ આવ્યુંકે પોતાના ખેતર તરફ દોડી.જઈને દિલાભાઈને તેડી આવી.પણ દિલો જયારે આવ્યો ત્યાતો દલો લોહીના ખાબોચિયામાં તરફડતો હતો. લાલો ને  તેનો ભાઈબંધ તો ભાગી ગયા હતા.જેવો દિલાભાઈ નજીક આવ્યો કે દલાથી  એટલું જ બોલાયું ‘ મોટાભાઈ,આપણી બેનની આબરૂ મેં સાચવી છે ’ દલો સદાને માટે આંખ બંધ કરી ને સુઈ ગયો.ને એક સાથે કેટલાયે વાદળા વરસી રહ્યા.
મુખવાસ : મનની મોટાઈ અને તનની ત્રેવડાઈ માપની રાખવામાં મજા છે.
Advertisements

About રીતેશ મોકાસણા

દરેક વ્યક્તિ કોઈને કોઈ શોખ સાથે સંકળાયેલી હોય છે.હું પણ મારો એક શોખ અહી કલમ દ્વારા રજુ કરું છું.આશા રાખું કે મારો બ્લોગ વાંચીને એટલા નિરાશ નહિ થાવ કે ફરીવાર આ બ્લોગની મુલાકાત લેવાનું પણ ટાળો.સૌની આશા એવી હોય કે વધુ અપેક્ષાને પ્રાધાન્ય આપીને પહેલ કરીએ,પણ ક્યાંક તેનું અવમુલ્યન થાય ત્યારે દિલ ને ઠેશ લાગે છે.સર્વે પ્યારા વાચકો ને મારા નમસ્કાર !!
This entry was posted in નવલિકા. Bookmark the permalink.

4 Responses to લૂણ ની વસુલાત (નવલિકા)

 1. ધ્રુવ પરમાર કહે છે:

  મેઘાણી ના સાહિત્યની ઝલક ની યાદ દેવારાવતી આ નવલિકા વાંચવાની મજા આવી. સરસ ઉપકારનો બદલાની વાત કહેતી કથા છે.

  • riteshmokasana કહે છે:

   આભાર આપના સરળ શબ્દો બદલ.મેઘાણીજી મારા પ્રિય સાહિત્યકાર છે.પણ તેમનું સાહિત્ય અલંકારો થી ભરપુર હોય ! છતાં આભાર અને આમજ બ્લોગની મુલાકાત લેતા રહેશો.

 2. મોનલ ખત્રી કહે છે:

  તમારી વાત સાથે સહમત છું ધ્રુવભાઇ, થોડી અલગ તરી આવતી આ નવલ કથા છે. જેમ જુના સમયનો છાંટ છે,ખુબ ગમી.આવીજ વાર્તાઓ મુકતા રહેવા બદલ થેંક યુ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s