બર્થ ડે પાર્ટી !

બર્થ ડે પાર્ટી !

અમારો મહેલ્લો આમ તો કોઈનોય બર્થડે ના ઉજવે. એવું નહોતું કે અમારા મહેલ્લાને ગોરીયા લોકોના ક્લચરનું ગ્રહણ નહોતું લાગ્યું. 31 મી ડિસેમ્બર અમે ઉજવીએ ! જોકે એવુંય નહોતું કે અમે કોઈનોય બર્થડે ના ઉજવીએ. એક એક ભગવાનના બર્થડે અમે હોંશભેર ઉજવીએ અને સાથે અમારું  આખું ગામ. રામ નવમી, કૃષ્ણ આઠમ. હનુમાન જયંતિ જેવા તહેવારોની ઉજવણી એટલે બર્થડે પાર્ટી. સૌથી વધુ મદહોશ પાર્ટી એટલે શિવરાત્રી. અલગ અલગ મંદિરે જઈને દર્શન કરવા અને એક એક ભાંગની પ્યાલી પીને અમે શિવજીનો બર્થડે ઉજવીએ ! શિવજીનો બર્થડે મારો સૌથી માનીતો બર્થડે. એટલા માટે નહિ કે મને ભાંગ પીવી ખુબ ગમે છે; ભોળાનાથ રીજે જલ્દી.વર્ષમાં ખાલી બે જ દિવસ હું ઉપવાસ કરું છું. એક તો તમને કહી દીધો ને બીજો કૃષ્ણાષ્ટમી ! સૌથી જલ્દી ને સરળ રીતે રીજે એવા શિવ અને બીજા રાજનીતિજ્ઞ ! મારે તો ભંગની વાત કહેવી છે, શિવ બર્થડે નું મારું આગવું મહત્વ !

શિવરાત્રીના દિવસે અમે લોકો બધા નિત મુજબ નીલકંઠ મહાદેવના મંદિરે ગયા હતા. જેવા તેવા દર્શન કરીને ભાંગનો પ્રસાદ લેવાની લાઈનમાં ઉભા રહી ગયા. વજા સિવાયના અમે બધા લાઈનમાં ઉભા છીએ. વજાને સવાર સવારમાં એના બાએ ખેતરે મોકલી આપેલો. આથી તે ના આવી શક્યો. જીલો થોડો ઉદાસ દેખાતો હતો. મેં એને પૂછ્યું તો જાણવા મળ્યું કે આજે વજાને ભાંગનો ભાગીદાર બનાવવાનો પ્લાન હતો. મેં મનમાં વિચાર્યું કે જીલાએ આજે શિવાજી પાસે માંગ્યું હશે કે વજાને જલ્દી જલ્દી કામ પૂરું કરીને મંદિર મોકલી આપે. એકબાજુ જીલો દુઃખી હતો ને અધૂરામાં પૂરો અફસોસ પણ કરતો હતો. અફસોસ એટલે કરતો હતો કે ભાંગની પ્રસાદી વહેંચવા વાળો તો અશ્કાનો મિત્ર હતો એટલે ગમે તેટલી ભાંગ મળી શકે. મેં જોયું તો જીલો આકળ વિકળ થતો આગળ વધે છે. અચાનક એના ફેઈસ પર ચમક દેખાઈ કે હું સમજી ગયો કે ભોળાનાથે એની પ્રાર્થના સાંભળી  લીધી છે. ચાલો આગળ વધો કરતો જીલો ફોર્મમાં આવી ગયો. વજો આવી ગયા પછી તો એવું બન્યું કે બધાએ એક એક પ્યાલી ભાંગ વજાને પરાણે પાઈ. પછી તો બધા પોત પોતાને ઘરે જવાનું હોય પણ જીલાએ બધાને રોક્યા. વજોતો ખેતરે કામ પતાવીને સાયકલ લઇને સીધો મંદિરે આવેલો. વળી સાયકલ લઈને તે ઉપડયો ખેતરે જવા. જેવી તે સાયકલ ચલાવે કે ઉતરી જાય. થોડે સાયકલ ચલાવીને તે સાયકલ વાળાની દુકાને ગયો. “ ભાઈ પંચર બનાવી દો, થોડી ઉતાવળ છે. ” દુકાન વાળા ભાઈએ જોયું તો ટાયરમાં હવા ફુલ હતી. વજો તો સાયકલ દોરતો દોરતો બધી દુકાને જઈને પંચર બનાવી આપવાનું કહેતો જાય ! અમે લોકો એ ખેલ જોતા જોતા એટલું હસેલા કે શિવજીનો બર્થડે ખુબ સારી રીતે ઉજવાયો. બધાએ વજાને પરાણે ભાંગ પાયેલી તેની અસર !

મારો બર્થડે ચૌદમી માર્ચે હતો એટલે આ લેખ લખું છું. આ લેખ લખનારે કદી બર્થડે ઉજવ્યો નથી. હા ભગવાનના બર્થડે જરૂર ઉજવે છે. આગળ લખ્યું તેમ અમે લોકો કોઈનો બર્થડે ઉજવીએ નહિ. પણ આજની તળાવની પાળે થયેલ મિટિંગમાં ટીનાએ એક પ્રસ્તાવ રાખ્યો કે હવે આપણે બર્થડે મનાવીએ. તો સૌથી પહેલો મારો બર્થડે આવતો હતો. મને એવું લાગ્યું કે ટીનાને મારા પર કેટલો અસીમ પ્રેમ છે કે સૌથી પહેલા મારા બર્થડે ને મહત્વ આપ્યું. મારા બર્થડેની વાત એટલે હકો તો જરૂર ટેકો આપે. મેં તો સ્પષ્ટ પણે કહી દીધું કે મારો બર્થડે નહિ ઉજવી શકાય. એક બે કારણો આપ્યા કે બધા માની ગયા. નરીયાએ કહ્યું કે ત્યાર પછી જેનો બર્થડે હોય તેનો ઉજવીએ. આથી ટીનાના ફેઈસ પર જે તાજા ગુલાબના ફૂલ જેવી લાલીમા દેખાઈ તે પરથી હું બધુ સમજી ગયો. અને મિટિંગમાં નક્કી થયું કે ટીનાનો બર્થડે ઉજવવો.

ટીનાને પોતાનો બર્થડે મનાવવાનો વિચાર તેની માસીના ઘરે ગયો ત્યાંથી આવેલો. દુનિયાના બધા બર્થડે ઓ સાંજે જ ઉજવાય એ ધોરણે ટીનાના ઘરે પણ એજ નિયમ માન્ય રખાયો. ટીનાએ તો સ્ટેશનરી વાળાની દુકાનેથી એક ફુગ્ગાની કોથળી મંગાવી. અને અમને બધાને ફુગ્ગા ફુલાવવા લગાવી દીધા. અડધા ફુગ્ગા તો ટીખળ ટોળીએ ઉજવણી પહેલા જ ફોડી નાખેલા એ કહી બતાવવા જેવું નથી. ધજા પતાકા પણ લગાવ્યા. આજે તો ટીનાનાનું ઘર સ્કૂલમાં એન્યુલ ફંક્શન વખતે ડેકોરેટ કરેલો હોય તેવો લાગતો હતો. એનાં ઘરના બધા પણ હરખભેર ભાર્થડે ઉજવવા તૈયાર છે.

બધી તૈયારી થઇ ગઈ છે પણ અમારા ગામમાં કોઈ કેક વાળાની દુકાન નહોતી. ટીનાએ આખા ગામમાં ફરીને તપાસ કરી પણ કેક તો ના જ મળ્યો. ગામમાં બે બેકરીની દુકાન હતી. એમને મનાવીને ટીનાએ કેક બનાવવા કહ્યું. કેક બનાવવાની રેસિપી પણ આપી જોઈ. પણ બેકરી વાળાએ ટીનાને હતાશ કર્યો. અંતે ય કેક વગર જ અમારા મહેલ્લામાં પહેલી વાર બર્થડે ઉજવાઈ રહ્યો છે.

બધી તૈયારીને અંતે એવું નક્કી કર્યું કે કેકની જગ્યાએ એની મમ્મીએ જાડી ફાડા લાપસી બનાવી હતી. લાપસીને એક થાળીમાં રાખીને બાજુમાં મીણબત્તીઓ ગોઠવી હતી. ચપ્પુ પર રીબીન બાંધીને નરીયો હાજર. ટીપોટ પર બધું ગોઠવીને અમે પણ આસપાસ ગોઠવાઈ ગયા હતા. દિલો, અશ્કો, વજો, જીગો, દલો, હકો, હું અને નરીયો બધા તાળીઓ પાડીને હેપી બર્થડે કહેવા આતુર હતા. નરીયાએ ચપ્પુને ટીનાના હાથમાં મૂક્યું અને લાપસી કાપવા માટે કહ્યું અને અમે બધા તાળીઓથી બર્થડે મનાવવા આતુર.

પણ બધાની આતુરતામાં ભંગ પાડ્યો બાજુવાળા મહેલ્લાના ચિરકુટ ચતુરે ! ચતુર અને ટીનો પહેલા એક સ્કુલમા ભણતા આથી એને ઇન્વિટેશન હતું. પણ ચતુરને જોઈને બધા દંગ રહી ગયા. જોયું તો ચતુરનું આખું મોઢું લાલ સફેદાથી ભરેલું હતું. ટીનાએ એને બાજુમાં બોલાવ્યો અને પૂછ્યું.

“ચતુર આ શું બધું ? ”

“અરે યાર જીવાની બર્થડે પાર્ટીમાં ગયો હતો બહુ મજા આવી. ”

“પણ આ મોઢા પર શું છે ? ”

“કેક … ”

કેકનું નામ સાંભળીને તો ટીનાના હોશ ઉડી ગયા. એનો બર્થડે તો ઉજવાઈ ગયો પણ ત્યાર બાદ અમે બધા પાળે મળ્યા ત્યારે તે ખુબ અકળાયેલો હતો. કેકના ગુસ્સમાં તે તળાવની પાળે ગુલાંટો મારવા લાગ્યો.

Posted in હાસ્યલેખ/ જોક્સ | 2 ટિપ્પણીઓ

હેતની હાટડી

હેતની હાટડી
હેત તણી હાટડી મેં તો ખોલી રાખી
એમાં સીધું ને સામાન મેં ભરી રાખી
ઉપર ગોઠવું ને વળી હું નીચે ગોઠવું
આજુબાજુ જોઉં ને ફરી ફરી રે ગોઠવું
નથી એને દરવાજા અને નથી તાળા
કરવા ના બાદબાકી કે કોઈ સરવાળા
ચોવીસે કલાક ખુલ્લી રાખી રે વ્હાલા !
હેતેથી આવજો રે રૂડા પ્રીતેથી આવજો
હેત લેજો કે દેશું એનો કોઈ ના હિસાબ
હરિ તારા ટેક તણી એને ગણજે પરબ

Posted in કાવ્યો/ ગઝલો | 6 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-3૦

ઘમ્મર વલોણું-3૦

મન અને પગલા સાથે એ વર્ણાનુબંધ છે; એની મને ખબર હતી, આજે એની પ્રતીતિ થઇ. મનના આદેશે પગલા અનુસર્યા અને સાથે હું પણ ! જઈને ખળ ખળ વહેતા ઝરણાની એકદમ નજીક આવી ગયો. બાજુમાં એક મોટા ખડક પર બેસી જવાનો ઈશારો મળ્યો, કે બેઠો. આહ..! કેવી શાંતિ ને કેવી પવિત્રતા !! મન ને એક અમોદ્ય શાંતિનો અનુભવ થયો અને કર્ણો એ ઝરણા એ છોડેલ શૂરો જીલ્યા. નજરને છેક તળિયે લઇ ગયો અને નિરક્ષણ કર્યું કે કોઈ સંગીતના સાધનો ગોઠવેલા છે ? અરે આ શૂરો ક્યાંથી આવે છે ? મનભાવન શુરોમાં વળી વહેતા પવને એના શુર ઉમેર્યા. એ શુરોમાં વળી વનરાઈઓ જુમી ઉઠી કે શૂરો બેવડાઈ ગયા. અંગમાં જોમ દોડી ગયું, મન રોમાંચિત થઈને જુમી ઉઠયું. તનમાં ઉઠેલ શૂરોનો વેગપ્રવાહ વીજળીની ગતિએ ફરી વળ્યો. કેવો સદભાગી હું કે આવી ઘડીઓનો સાક્ષી બન્યો છું.

જેણે આ ઘડીઓનું નિર્માણ કર્યું છે એવા શ્રુષ્ટીના સર્જનહારને પણ ભૂલી ગયો. પણ એ કશું ના ભૂલે. મારા સમીપ આવીને પ્રગટ થયા. “ વાહ, આજ તો આ વન વગડાના એકાંતમાં આળોટવા લાગી ગયો છે કહી ”

“ તમને જ તો મનમાં યાદ કરતો હતો એવું કહીશ તો હસી કાઢશો. કોઈ મનુષ્ય હોત તો કહેત કે તારી આયુ ઘણી છે. પણ તમારે તો આયુ કે મૃત્યુ સાથે કોઈ નિસ્બત જ નથી. ”

“ ઓહ…તો ભ્રમણાઓ હજી ભાંગી નથી ? ”

“ એ તો જનમ સાથે વળગે છે; અને મને લાગે છે મૃત્યુ વેળા છુટશે ! ”

“ કેમ આજે મારા મંદિરે આવવાનો ક્રમ તૂટી ગયો ? ”

“ મનુષ્ય તો જ્યાં શાંતિ હોય ત્યાં જાય…..આજે અહી શાંતિ છે ને મંદિરમાં તમારા જન્મ નિમિતે જલસો ને શોર બકોર ! પણ આપ કેમ અહી ? ”

“ જ્યાં જળ કે સ્થળ જ્યાં વાયુ કે અગ્નિ હું તો મળીજ આવીશ. સારું, હવે તો મંદિરે જ ફરી મળીશું. ” કહીને તેઓ અંતર્ધ્યાન થઇ ગયા.

ઓહ…શું છે આ બધું ? કોનો પ્રભાવ છે; સંગીતનો કે સાથ નો ?

પળ નો કે પરિસ્થિતિ નો ?

હું પણ કેવો ઘેલો છું ? આ નિરંતર વાગતા શુરોને માણવાને બદલે બીજામાં પરોવાઈ ગયો. એ વાત સાથે તો સહમત થવું જ પડ્યું કે સંગીતની શક્તિ અને વાતાવરણની અનુમતિ મળે એટલે ગમે તેવા ને પણ જુમતા કરી દે !

Posted in પ્રકીર્ણ | 2 ટિપ્પણીઓ

લાવો પ્રભુજી બનાવું

      લાવો પ્રભુજી બનાવું

લાવો કોરા રે કડકડતાં કાગળ

લાવો શાહી ને કરો બધું આગળ

પેન ઉઠાવી હું તો લાગુ વિચારી

કેવી ભાત પાડું એમાં ભલેવારી

થયું લાવો આજ એમાં મારા પ્રભુજી બનાવું

જમીન ખોદીને રૂડો પથ્થર કાઢું

ધોઈ ને લૂગડેથી સાફ કરી કાઢું

ટાંચણું હાથવગું છે પણ હથોડી

ઘડું રે ઘાટ એવાં સૌ ને પછાડી

પછી થયું લાવો આજ મારા ઠાકોરજી બનાવું

Posted in કાવ્યો/ ગઝલો | 4 ટિપ્પણીઓ

ઘમ્મર વલોણું-૨૯

ઘમ્મર વલોણું-

ક્યારેક તો મારું મન ખિન્ન થઈ જાય તે સ્વાભાવિક તો ખરું કે નહીં ? અનિર્ધારીત પરિણામો, અનિશ્ચિત બનાવો, અમંગળ કાર્યો જ્યારે આપણી સમક્ષ ખડા થાય તો પછી; ખિન્ન તો બની જ જવાય ! મારે પ્રસન્ન રહેવું હોય તો આ બધાનો જડમુળમાંથી નાશ કરવો પડે. નાશ કરવા માટે બીજાનો સામનો અથવા તો મૂઠભીડ કરવી પડે. એવું બધું કરવા જતા સ્વમાન હણાય અને શત્રુતા પણ વ્હોરાઈ જાય એનો ડર લાગે છે. મારે માટે તો છેલ્લો આશરો ભગવાન. ઘણી વાર તો જતાં પહેલા એવા વિચારો મારા પગલાં ઘીમાં પાડી દે છે; કે ભગવાન પણ મારાથી ત્રાસી જતો હશે. એમના સિવાય તો મારો ઉદ્ધાર જ નથી; એમ માનીને મેં મંદિરની વાટ પકડી.
“આવ વત્સ, તારીજ રાહ જોતો હતો.”
“મારી રાહ તમે….?”
“કેમ હું કોઈની રાહ ના જોવું એવું લાગે છે?”
“તમારી બધી વાતો સાથે સંમત; પણ મને….”
“કોઈ દિવસ મને પણ પ્રસન્ન ના કરી શકે ?”
“ઠીક છે બે વાર તમારી સામે બેસીને જે પૂજન-અર્ચન કરું છું તે ઓછું પડતું હોય તો ત્રણ વાર કરીશ.”
“તું જે પૂજન-અર્ચન કરે છે તેનાથી હું પ્રસન્ન થાઉં છું તું એવું કેમ માની લે છે? જો કે પ્રસન્ન તો હું થાઉં છું, પણ એટલા માટે નહીં કે તું પૂજન અર્ચન કરે છે.”
“તમને પ્રસન્ન કરવાની આ એક જ રીતની મને ખબર છે. અને કમળ-પૂજા (શિરચ્છેદ પૂજા) કરવામાં મારો જીવ નહીં ચાલે.”
“વત્સ, આ બ્રહ્માંડમાં મનુષ્ય સિવાય પ્રાણીઓ અને વનસ્પતિ પણ સજીવ છે. પ્રાણીઓ તમને દૂધ આપે છે, માંસ આપે છે, નખ આપે છે, ચામડી આપે છે અને અમુક પ્રાણીઓ તો જીવ પણ આપી દે છે.”
“સાચી વાત છે પ્રભો. ” મારે નત મસ્તક ઉભા રહેવા સિવાય છૂટકો નહોતો.
“વનસ્પતિઓ તો તમારો છોડેલ અંગાર વાયુ જીલી ને તમને પ્રાણ વાયુ આપે છે.તેમનાં ફળથી લઈને છેલ્લે તેઓ બળી જાય તો પણ રાખ આપીને દમ તોડે છે.”
“અમારી તો રાખ પણ કામમાં નથી આવતી એવું પણ કહી દો ને પ્રભુ.”
“એ તો મારી પાસે કોઈ પ્રાણી કે વનસ્પતિ ફરિયાદ લઈને આવે ત્યારે કહેવાનું શસ્ત્ર છે.”
મારા હાથ ભગવાનની મૂર્તિ સામે જોડાયેલા રહ્યા.
Posted in પ્રકીર્ણ | Leave a comment

ભગો ભિખારી

ભગો ભિખારી

કાળી ભમ્મર શાલ ઓઢીને રાત્રીએ સોડ લંબાવી લીધી છે. ટમટમતા તારલિયાએ આકાશ ઉપર સામ્રાજ્ય સ્થાપી દીધું છે. રાહદારીઓ હવે ધીમે ધીમે ઘર ભણી જવા લાગ્યા છે. કુતરાઓ એકદમ નિરાંત અનુભવીને રાત પહેરો ભરવા તેનાત છે. દુકાનો વાળા પણ બધે નમન કરીને દુકાનો વધાવીને ઘરે જવા લાગ્યા છે. આથી દુકાનોના શટર અને દરવાજા બિડાવાં લાગ્યા. દુકાનોની લાઈટો બંધ થવાથી હવે તો રોડ પર ફક્ત થાંભલાની લાઈટો જ પ્રકાશ ફેંકતી હતી. એ આછા પ્રકાશમાં એક ઓળો ધીમે ધીમે આવતો હતો. લઘર વઘર દેહ અને ખભા પર મેલો ઘેલો કોથળો છે. બગલમાં એક થેલી છે. હાથમાં એક તૂટી ફૂટી વાંકી ચૂંકી લાકડી છે.
આવીને તે લાઈટના થાંભલાને અડોઅડ આવેલ એક આંબલીના ઝાડ નીચે ઉભો રહી ગયો. નજરને દૂર કરી ને જોયું. બધી દુકાનોના દરવાજા બંધ જોઈને તે આગળ વધ્યો અને એક દુકાનના ઓટલે ગયો. ખભેથી કોથળો ઉતાર્યો; અને ઓટલા ઉપરથી ધૂળ ખંખેરીને કોથળો પાથર્યો. થેલીને એકબાજુ રાખીને તે બેઠો. હજી તો આકાશ સામે જોવા જાય છે કે કોઈએ આવીને તેને ઉભો કર્યો.
“ કોણ છે તું ? ને અહીં કેમ બેઠો છે ચોર સાલા ! ”
“ શેઠજી….તમે ના પાડશો તો ઉઠી ને જતો રહીશ…પણ હું ચોર નથી ”
“ એક તો કોઈની દુકાને ધામાં નાખ્યા છે ને ઉપરથી ….. ” એમ દુકાન વાળાએ કહ્યું કે પેલો ભાઈ તો પોતાનો બધો સામાન ભેગો કરીને હાલતો થયો.
“  ભિખારીને તો વળી ઘર કેવા અને કેવા ઠેકાણા ! ”
“ એક મિનિટ….. ” દુકાન વાળાએ એને ઉભો રાખ્યો. એની વાતમાં કોઈ સત્યતા અને સ્વમાન ઉભરાતા લાગ્યા. પેલો પાછો વળ્યો.
“ જો ભાઈ….ઉંમર પરથી તો વડીલ લાગો છો…જો કાકા…. ”
“ હું તો આ બે વસ્તુનો માલિક છું. આ બે વસ્તુનું ગુમાન નથી અને જાય તો રંજ નહિ રહે ”
“ તમે કોણ છો ? દેખાવ પરથી તો…… ” એના લઘર વઘર દેહ સામે જોઈને દુકાનવાળાએ કહ્યું
“ હા, હું ભિખારી છું…..ભગો ભિખારી ”
“ આપણા દેશમાં જો વગર રૂપિયે ને મહેનતે જલસા કરવા હોય તો ભિખારી બનવું ! ”
“ સાચી વાત છે…..તમે શેઠ છો…તમારી દુકાનનો ઓટલો હું વાપરું છું તો મારાથી જવાબ કેમ અપાય ? ”
“ અરે, ભીખરી કોઈના ગુલામ થોડા હોય…બેસ હું લાઈટ કરું છું ” દુકાન ખોલીને શેઠે લાઈટ કરી. તો ઓટલા પાસે ઉભેલ ભગાનું આછા અજવાળામાં પણ ચમકતું મોઢું દેખાણું. “ કહે, કોણ જાણે મને તારી સાથે વાત કરવામાં રસ જાગ્યો છે…..એક કામ કર, કાલથી મારી દુકાનમાં લાગી જા. ભીખ માંગવાની….હમ…પણ જોકે ભીખ માંગ્યા પછી તો કામ શીદ થાય ! ”
“ હમમમ….ઠીક છે શેઠ, તમે તમારું કામ કરો હું કોઈ બીજી દુકાનના ઓટલે સુઈ રહીશ. ભિખારી છું, મમત શેની ! ” કહીને તે હાલવા લાગ્યો.
“ ભાઈ….ઉભા રહો…તમારી વાતમાં કોઈ વજન છે..કોઈ દમ છે…..અને તમારી આંખોમાં કોઈ વેદના છે. તમે ચાહો તો મને કહી શકો છો. આમ તો….મને જાણવામાં રસ છે ”
“ મારું નામ ભગુ છે, હું બાજુના કારખાનામાં હમાલીનું કામ કરીને ગુજરાન ચલાવતો હતો. નાનપણમાં માબાપનો છાંયો ગયો ને મોટો થયો તો ગરીબી અને મજબૂરી એ ભરડો લીધો. મારા જેવા અનાથ સાથે તો કોણ લગન કરવા તૈયાર થાય ? ” એને વાત કરતા કરતા શ્વાસ લીધો
“ તો….. ..? ”
“ એક અનાથ બાઈને મારા પર લાગણી બંધાઈ..જે વિધવા હતી. પણ મારા જીવનમાં સંસારનું સુખ લખેલું નહોતું. મારી એક કિડની નકામી બની ગઈ અને ડોક્ટરે મને કોઈ પણ સ્ત્રી સાથે સુખ ભોગવવાની ના પાડી. અને જો હું મજૂરી કામ કરું તો મારું મોત નક્કી એવું કહીને ડોક્ટરે મને ઊંડી ચિંતાની ખાઈમાં નાખી દીધો ”
“ ઓહ્હ… ” શેઠને એના પર થોડી દયા આવી.
“ હા…અને મારે પરાણે ભીખ માંગવાનું ચાલુ કરવું પડ્યું. આ દુનિયા તો મતલબી છે. ….ઠીક છે શેઠ રામરામ…. ” કહીને ભગો ચાલતો થયો.
શેઠે જોયું કે ભગાએ જે કહ્યું તે એકદમ સાચું લાગતું હતું. તેની વાત તો દૂધમાં મલાઈ દેખાય તેવી સાચી માલુમ પડી. તેને દયા આવી, પણ વારસામાં મળેલ શિખામણ થકી તે મૂંગો મૂંગો એને જતો જોયે રાખ્યું. થોડી વાર થઇ કે તેમણે ભગાને ઉભો રાખ્યો.
“ અરે ભાઈ….તારે બીજાની દુકાને જવાની જરૂર નથી….અને તું ક્યાં મારી દુકાનમાં સુએ છે તે ચિંતા ”
“ ના ના શેઠ….હું તો…. ”
“ અરે ભાઈ એમાં ખોટું ના લગાડ….હું તો આ ચાલ્યો ઘરે….વસ્તુ લેવા આવેલો…તું તો ઘણાં સમયથી આ દુકાને સૂતો હઈશ ને ? ”
“ હા શેઠ, તમે દુકાન વધાવીને જાવ પછીજ ઓટલે આવીને સુઈ જાવ છું; પછી જતો રહું તો વળી રાત્રે આવી જાવ છું. ”
“તમારે બીજી કોઈ દુકાને જવાની જરૂર નથી….અને હું દુકાન મોડે સુધી ના વધાવું તો પણ અહીંયા આવી જજો ”
“ ઠીક છે શેઠ….ભગવાન તમારું ભલે કરે ! ”
શેઠ તો દુકાન વધાવીને ઘરે જવા નીકળી ગયા. ફરી ભગાએ પથારી કરીને દેહ આડો કર્યો. દેહમાં ખુબ પીડા થતી હતી પણ શેઠે એની સાથે વાત કરી એમાં તે પીડા ભૂલી ગયો. ઘણા વર્ષો બાદ આજે એનું દિલ ઘુઘવાટ કરવા લાગ્યું.
માન, સન્માન, ઈજ્જત, પ્રશંશા અને દિલાસો તો દરેક માનવ જીવ ઈચ્છતો હોય છે ! કોઈ મેણાં ટોણા મારે તો જીવ ને પીડા થાય. અને સારું બોલીને દિલાસો આપે તો મન નાચી ઉઠે. એમ જ ભગાને શેઠે કરેલી વાતો મલમ જેવી થઇ પડી.
પછી તો રોજે ભગો, દિવસે ભીખ માંગીને રાત્રે આવીને શેઠનાં ઓટલે સુઈ જાય છે. એમ ને એમ પાંચ છ વરહ નીકળી ગયા.
થોડા દિવસથી ભગાને લાગ્યું કે દુકાનના ઓટલા પર ધૂળ કેમ હોય છે  ? થોડા વધુ દિવસ એમને એમ નીકળી ગયા. પણ ભગાનો જીવ કેમ જાણે મુંજાતો હતો. હવે તો એની ઉત્સુકતા રીતસરની વધી ગઈ હતી. આથી એક દિવસ તે દુકાનો વધાવી લેવાનો સમય થાય ત્યાર પહેલા આવી ગયો. જોયું તો શેઠની દુકાન તો બંધ હતી. આથી તેને બાજુવાળાની દુકાને પૂછ્યું તો એ ભાઈએ એને છણકો કર્યો.
“ જા..ઓઈ…એ તને ભીખ આપતા હશે…..એની કીડનીઓ બગડી ગઈ છે. એ આવે ત્યારે ભીખ માંગવા આવજે ”
“ એમની કીડનીઓ ??? ” સાંભળીને ભગાને ખુબ આઘાત લાગ્યો…તે તો ત્યાંજ રાત આખી પડી રહ્યો.
એને કોણ દિલાસો આપે ? કોણ ઉઠાઠે ?
શેઠની બેઉ કિડની ફેઈલ હતી..પણ એક કિડનીનું દાન મળતા એમને નવજીવન મળ્યું. આંખો તો બંધ હતી પણ એમનાં કાન સરવા થયા.
“ એ કિડની આપનારો તો મરી ગયો…..એની એક કિડની તો ફેઈલ હતી અને બીજી કિડની આ ભાઈને દાન આપી દીધી…. ”
“ ઠીક છે એમની લાશ એમનાં ઘરવાળાને સોંપી દો હવે ”
“ એનું કોઈ નહોતું આ દુનિયામાં…એ તો ભગો ભિખારી ”
“ લાશને અનાથ ગણીને બાળવા માટે સ્મશાન મોકલી આપો.”
“ નહિ….એ અનાથ નથી…… ” બેડ પર સુતા સુતા પેલા શેઠે બુમ પાડી.
“  કોણ અનાથ નથી ?? ” નર્સે ઉભી રહેતા પૂછ્યું.
“ એ ભગો ભિખારી નથી પણ ભગુ દાતારી છે; મારા કાકા છે….એમને ઠાઠથી અગ્નિદાહ હું આપીશ ”
શેઠે લાગણી સભર આ કહ્યું ત્યારે આખી હોસ્પિટલનો સ્ટાફ એ ભગુ ભિખારીને વંદી રહ્યો.
Posted in નવલિકા | Leave a comment

સઘળું હટાઇ

                      સઘળું હટાઇ

દીવાલો પણ ઓશિયાળી થઇ ને ઉભી રહી

છત પણ સુનમુન બની ને હાજરી પુરી રહી

વળગણ કેવું  જો ખુદની તસવીરો હસી રહી

દિલ કેરી ડેલીઓ સુની બની જાય અવળાઈ

મન કેરા મંડપ વિખાઈ કરે જુઓ અવળચંડાઇ

યાદો ભૂંસાઈ જશે કે સમીપ આવશે તે જુદાઈ

દૂર કાંગરે ઝગમગતો દીવડો જશે હોલવાઈ

રે હરિ ! સુન, કોઈની નથી આ દિલની દુહાઈ

એક ચિનગારી કાફી છે જીવનમાં આગ લગાઈ

એક ફક્ત જ તારી ઝાંખી કાફી છે સઘળું હટાઇ

 

Posted in કાવ્યો/ ગઝલો | 5 ટિપ્પણીઓ